લોકડાઉન દરમિયાન રોડ-રસ્તાના કામો કરવાની માંગ
કહેવત છે કે, લોઢાના પાયે બેઠેલી પનોતી, લાંબો સમય સુધી ચાલે છે… જૂનાગઢના વેપારીઓ માટે પણ લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ ના આ સમયગાળા દરમિયાન લાંબો સમય સુધી વેપાર, ધંધો બંધ રહ્યા બાદ તંત્ર દ્વારા અપાયેલી થોડી છૂટછાટને લઈને નાના પાયે શરૂ થયેલા ધંધામાં પણ શહેરના ખોદાયેલા રસ્તા અને વ્યવસ્થાની જાળવણી માટે વિવિધ રસ્તાઓ પર વાહનની અવરજવર પરના પ્રતિબંધને લઈને ખુલતી બજારે જ જાણે કે માંઠી પણ સાથે સાથે બેઠી હોય તેમ બજારમાં ઘરાકીની ધીરે ધીરે જમાવટ થઇ રહી છે, ત્યાં આઝાદ ચોકથી ચિતાખાના ચોક સુધીના ખોદાયેલા રસ્તા અને દાણાપીઠ જવાના રસ્તાઓ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધના કારણે ગ્રાહકોને ખરીદી કરવા માટે બજારમાં જવાની તકલીફ પડતી હોવાથી વેપારીઓની ઘરાકીમાં મોટો ફટકો પડયો છે. એક તો જૂનાગઢમાં લોક ડાઉનના કારણે અનેક અઠવાડિયા સુધી ધંધા બંધ રહ્યા છે અને હવે ધીરે ધીરે વેપાર કરવાની તક મળી છે, ત્યારે જૂનાગઢના ખોદાયેલા રસ્તા અને વાહનો પરના પ્રતિબંધને લઈને વેપારીઓની કઠણાઈ હજુ સતત ચાલતી હોય તેમ બજારોમાં ખોદાયેલા રસ્તા અને વાહનોના પ્રતિબંધના કારણે વેપારીઓનો વેપાર જ થતો નથી. અને લોક ડાઉન દરમિયાન અપાયેલ વેપારની છૂટછાટ ના સમયમાં ૧૦ ટકા માત્ર અમુક વેપારીઓને જ ધંધો થતો હોવાની અને અમુક વેપારીઓ તો બોણી કર્યા વગરના દુકાન વધાવી રહ્યા છે.
સરકાર ધીરે ધીરે જન જીવન થાળે પાડવા માટે કમર કસી રહી છે, ત્યારે જૂનાગઢના સ્થાનિક વ્યવસ્થા તંત્રના સંકલનના અભાવે ખોદાયેલા રસ્તાઓ જલ્દીથી ચાલુ થતા નથી અને બજારમા વ્યવસ્થાના નામે આડેધડ વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે બજારમાં વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા હોવાની બૂમો વેપારીઓમાં ઉઠવા પામી છે.
જૂનાગઢના સ્થાનિક આગેવાનો અને અધિકારી, પદાધિકારીઓને વેપારીઓ અને નાના અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીઓ દેખાતી જ ન હોય તેવી ફરિયાદો વેપારના આભાવે દુકાન ખોલીને બેસતા વેપારીઓમાંથી ઉઠી છે.