૪૫ દિવસમાં ૫૦ ચોરી થતા ડાંઇગ એન્ડ પ્રિન્ટીગ એસોસિએશનના હોદેદારોએ પોલીસને આવેદન આપી સીસીટીવી ફુટેજ આપી તસ્કરોને ઝડપવા કરી માગ
જેતપુરમાં તસ્કરોનો ઉપદ્રવ વધી હોય તેમ છેલ્લા ૪૫ દિવસમાં ૫૦ સ્થળે ચોરીની ઘટના બની હોવા છતાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધતું ન હોવાથી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીગ એસોસિએશનના હોદેદારોએ મંત્રી જયેશ રાદડીયા, ચેમ્બર ઓફ કોમર્સ અને પોલીસને આવેદન પત્ર પાઠવી તસ્કરોના સીસીટીવી ફુટેજ રજૂ કરી તાકીદે તસ્કરોને ઝડપી લેવા માગ કરી છે.
જેતપુરની રાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા અને રબારીકા રોડ પર અમરનાથ કોટન પ્રિન્ટ નામનું કારખાનું ધરાવતા પ્રવિણભાઇ વાલજીભાઇ પટેલના કારખાનાની ગતરાતે તસ્કરોએ ગ્રીલ તોડી રૂ.૩૦ હજાર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા. તેમની બાજુમાં પરેશભાઇ ચાવલાના લીલા ફેશન નામના કારખાનાને પણ નિશાન બનાવ્યું હતું.
તસ્કરો છેલ્લા ૪૫ દિવસમાં ૫૦ જેટલા કારખાનામાં ચોરી કરતા હોવાથી અને અગાઉ પણ પોલીસને બંને તસ્કરોના સીસીટીવી ફુટેજ રજૂ કર્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં ગઇકાલે જેતપુર ડાઇંગ એન્ડ પિન્ટીગ એસોસિએશનના હોદેદારોએ મંત્રી જયેશભાઇ રાદડીયા, ચેમ્બર ઓફ કોમર્સ અને ડીવાય.એસ.પી. પાટીલને આવેદન પત્ર પાઠવી તસ્કરોની રંજાડમાંથી મુકત કરાવવા માગણી કરી છે.તસ્કરો પોલીસ સાથે મળેલા હોવાનો વેપારીઓ દ્વારા આક્ષેપ કરી તસ્કરોને સીસીટીવી કેમેરા ચોરી જવાની સમજ આપવામાં આવતી હોવાના આક્ષેપથી સનસનાટી મચી ગઇ હતી. જેતપુરમાં પોલીસ સ્ટાફ ઓછો હોવાના કારણે પોલીસ દ્વારા નાની મોટી ચોરીના ગુનાની ફરિયાદ પણ નોંધવામાં ન આવતી હોવાનું વેપારી આગેવાનો દ્વારા રજૂઆત કરી ગઇકાલની ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ રજૂ કર્યા હતા. તેમજ વેપારી આગેવાનો દ્વારા સીસીટીવી ફુટેજનો વીડિયો વાયરલ કરી બંને તસ્કરોની ભાળ મેળવવા અનુરોધ કર્યો હતો