30 એપ્રીલ સુધી વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે
જસદણ વીંછીયા પંથકમા કોરોનાએ કાળો કેર યથાવત રાખતા આ અંગે જસદણ તાલુકાના ભાડલા ગામે વધુ પંદર દિવસ આગામી તા.30 એપ્રીલ સુધી સ્વૈચ્છીક અડધો દિવસ બંધ કરવાની આજે મીટીંગમાં સર્વાનુમતે જાહેર થયું છે. જસદણમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. આને લઈ હાલ વેપારીઓએ સોમવાર સુધી અડધો દિવસ બંધ રાખી રહ્યા છે. પણ કેટલીક વેજાઓ બંધના બીજા જ દિવસે બંધ અને ખૂલ્લા બારણે વેપલો ચાલુ રાખતા અન્ય વેપારીઓમા ભારોભાર નારાજગી ઉઠી છે.
જસદણમાં કોરોનાથી હાહાકાર સર્જાયો છે.અનેક લોકોના મોત થયા છે. આવા માહોલ વચ્ચે જસદણની ડીએસવીકે હાઈસ્કુલ પાસે આટકોટ રોડ પર ફૂટ ફળ અને લીલા નારીયેળ વેચનારાઓ છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દીઓનાં સગા સંબંધીઓ પાસે ફળનો બેફામ ભાવ લઈ રહ્યા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બન્યું છે. ગરીબ વર્ગનાં દર્દીઓ પાસેથી ફળનો વધુ ભાવ પડાવનારા લારીવાળાઓ વર્ષોથી પોતાની લારીઓથી હાઈસ્કુલ રોડ આટકોટરોડ ગેરકાયદેસર દબાવી દીધો હોવા છતાં લોકોએ આ લારીવાળાઓની રાવ કયારેય તંત્ર સમક્ષ કરી નથી જયારે આજ લોકોના સંબંધીઓ કોરોના વાયરસથી સંક્રમીત થયા છે. ત્યારે વર્ષોથી મફતમાં જગ્યા વાપરી દરરોજ ટ્રાફીકને અડચણરૂપ બનનારા અનેક લારીવાળાઓ ફ્રૂટના મો માંગ્યા ભાવ પડાવતા લોકોમાં ફીટકારની લાગણી વ્યાપક બની છે.