કાલાવડ રોડ ઉપર આવેલી જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ દ્વારા તા.૧૫ અને ૧૬ ડિસેમ્બર ૨ દિવસીય આયોજીત કાર્યક્રમના પહેલા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત ટ્રેડ ફુમેનિફેસ્ટો અને ટેલેન્ટ હન્ટ શોને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બંને પ્રોગ્રામનું આયોજન ખુદ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કેવલ પુસ્તકીયુ જ્ઞાન જ ન આપતા તેમના ભવિષ્ય અને કારકિર્દીલક્ષી આવી પ્રવૃતિની વાલીઓએ સવિશેષ નોંધ લઈ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
સ્કૂલ દ્વારા સવારના સેશનમાં આયોજીત ટ્રેડ મેનિફેસ્ટો નામના કાર્યક્રમમાં ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ સ્કૂલના વિશાળ પટાંગણમાં અલગ-અલગ ચીજ વસ્તુઓના સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા. સ્ટોલ્સમાં વિદ્યાર્થીઓલક્ષી દરેક પ્રકારની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે વેચાણમાં મુકવામાં આવી હતી. આ ચીજ વસ્તુઓની વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતી ખરીદીમાં અદમ્ય ઉત્સાહ વર્તાતો હતો. કેમ કે દરેક વસ્તુની ઓપન માર્કેટમાંથી ખરીદી તેનું પેકીંગ અને વેચાણ ખુદ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.હજુ સ્કૂલમાં અભ્યાસ કરતા પોતાના સંતાનોને વેપારીના રોલમાં અને સફળતાપૂર્વક ચીજ વસ્તુઓનું વેચાણ કરતા જોઈ વાલીઓ અભિભૂત થયા હતા અને યોગ્ય સંસ્થાના હાથમાં પોતાના સંતાનોનું ભાવી સુરક્ષિત છે તે જોઈ સંસ્થા પ્રતિ અહોભાવ વ્યકત કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બાળકોએ પોતાની જાતે જ અલગ-અલગ આકારમાં બનાવેલી ચોકલેટોના સ્ટોલ ઉપર ખુબ ઘસારો રહ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઈમીટેશન જવેલરી, રેડીમેડ ગાર્મેન્ટ, મોબાઈલ એસેસરી જેવા વિવિધ સ્ટોલ ઉપરાંત શુઘ્ધ અને સાત્વિક નાસ્તાના સ્ટોલોનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સાંજની સેશનમાં વિદ્યાર્થીઓએ ટેલેન્ટ હન્ટ શો પ્રદર્શિત કર્યો હતો. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ડાન્સ પર્ફોમન્સ, મિમિક્રી, અભિનયની વિવિધ કૃતિઓ રજુ કરી હતી. ખાસ વાત એ છે કે આ ટેલેન્ટ શોનું સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓની સહપરિવાર હાજરી ઉડીને આંખે વળગતી હતી.
સ્કૂલના સંચાલક ડી.વી.મહેતાના જણાવ્યાનુસાર વિદ્યાર્થીઓને આ સંસ્થામાં માત્ર પુસ્તકિયુ જ્ઞાન ન આપતા સાચુ કોમર્સ શું છે ? સાચી વાણીજય વ્યવસ્થા બેકિંગ વ્યવસ્થા કઈ રીતે કાર્ય કરે છે તેની પ્રેકટીકલી માહિતી મળી રહે અને આ સંસ્થાના વિદ્યાર્થી જયારે અભ્યાસ પુરો કરી માર્કેટમાં જોબ માટે કે પોતાના કે પારિવારીક બિઝનેસ માટે પ્રવેશે ત્યારે તે કોઈપણ રીતે કાચો ન રહેવો જોઈએ.
નર્સરીથી શ‚ કરીને ધો.૧૨ કોમર્સ સુધીનો અભ્યાસક્રમ ચલાવતા આ સ્કૂલમાં બાળકોની ટેલેન્ટ અને ક્રિએટીવીટી બહાર આવે તે માટેના પ્રયત્નો હંમેશા કરાવવામાં આવે છે અને પુસ્તકલક્ષી જ્ઞાન ઉપરાંત વ્યવસાયલક્ષી જ્ઞાન પણ આપવામાં આવે છે. તેમ સ્કૂલ સંચાલક ડી.વી.મહેતાએ અંતમાં જણાવ્યું હતું.