વૈશ્ર્વિક વેપાર અને મધ્ય યુગથી ભારતીય વહાણવટા અને ઉદ્યોગ સાહસીકોમાં ગુજરાતીઓ મોખરે રહેતા, દક્ષિણ આફ્રિકાથી લઈ વિશ્ર્વના તમામ ખંડો સર કરવાની ગુજરાતની સાહસવૃત્તિ જગતમાં જાણીતી છે, આજે પણ બદલાયેલા યુગમાં ગુજરાતની હવામાં ધંધાના ગુણથી વિદેશી મુડી રોકાણથી લઈ વેપારમાં ગુજરાતીઓનો દબદબો યથાવત
વેપાર-ઉદ્યોગ અને વિકાસ માટે અનિવાર્ય એવી સાહસવૃત્તિમાં દુનિયાભરમાં ગુજરાતીઓનો જોટો જડે તેમ નથી. જૂના જમાનામાં પણ વહાણવટાના યુગમાં ગુજરાતીઓએ દક્ષિણ આફ્રિકાથી લઈ યુરોપ સુધીના ખંડો સર કરવાની સાહસવૃત્તિ દાખવી હતી. વૈશ્ર્વિક પ્રવાસીઓમાં માર્કોપોલો સહિતના વિશ્ર્વ પ્રવાસીઓએ ગુજરાત અને ગુજરાતીઓની વેપાર-ધંધા અને સાહસવૃત્તિની નોંધ પોતાના અનુભવ ગાથામાં કરી હતી. જૂના જમાનામાં ગુજરાતીઓના વહાણવટાએ વિશ્ર્વમાં સારી નામના મેળવી હતી. નાનજી કાલીદાસ મહેતા જેવા પ્રાચીન અને અર્વાચીન ભારતમાં સર્વશ્રેષ્ઠ સાહસીક તરીકે ધીરૂભાઈ અંબાણી સહિતના સાહસીકોની યાદી ગુજરાતથી લઈ ગુજરાત સુધી ફરતી રહે છે.
વિશ્ર્વમાં અત્યારે મહામારીની વિસંગતતાને લઈ વેપાર-ઉદ્યોગ અને આર્થિક સ્તરે ભારે પડકારજનક સ્થિતિનો દૌર પસાર થઈ રહ્યો છે ત્યારે વિદેશી મુડી રોકાણના વિશ્ર્વાસ સંપાદનમાં દેશભરમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. ભારતમાં થયેલા કુલ 6 લાખ કરોડના વિદેશી મુડી રોકાણમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી મુડી રોકાણ ગુજરાતમાં ઠલવાયું છે. ગુજરાતની તરક્કી અને વેપારના વિશ્ર્વાસના માહોલમાં ગુજરાતી પ્રજાની સાહસવૃત્તિ અને ઈમાનદારીથી વ્યવહાર કરવાના જે સંસ્કારો છે તેની હવે જગતમાં કિંમત થઈ રહી છે.
વર્ષ 2020-21માં દેશમાં 6.20 લાખ કરોડ રૂપિયાનું કુલ મુડી રોકાણ હતું તેમાં 37 ટકાથી વધુ ગુજરાતમાં 2.23 લાખ કરોડનું મુડી રોકાણ થયું હતું. ગુજરાતમાં સૌથી વધુ મુડી રોકાણ કોમ્પ્યુટર સોફટવેર અને હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યું છે. 94 ટકા જેટલા કોમ્પ્યુટર ક્ષેત્રના હિસ્સામાં ગુજરાતમાં 78 ટકા મુડી રોકાણ કોમ્પ્યુટર ક્ષેત્રમાં થયું છે. બીજા ક્રમે બાંધકામ, આંતર માળખાકીય સુવિધા અને અન્ય ક્ષેત્રમાં રોકાણ થયું છે. ગુજરાતની વિશ્ર્વસનીયતાનો દૌર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજ્ય સરકારે ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની પરંપરા ઉભી કરીને વિશ્ર્વની ઓટો મોબાઈલ કંપનીઓને ગુજરાતનો રસ્તો બતાવ્યો હતો. ગુજરાતની હવામાં વેપાર છે તે મુડી રોકાણ ક્ષેત્રે વધુ એકવાર સિદ્ધ થયું છે.ગુજરાતની વેપાર સાહસિકતાની સાથે સાથે ગુજરાતમાં ધંધો કરવા આવનારને સમૃદ્ધીની સાથે સાથે સલામતી આપવાની પરંપરા સામે હવે વિશ્ર્વ ગુજરાતમય બની રહ્યું છે.