- વ્યૂહાત્મક રોકાણો અને વેપારવૃદ્ધિ સાથે ગુજરાત અને સ્પેનના આર્થિક સંબંધો થશે મજબૂત
ગુજરાત આગામી સપ્તાહે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું રાજ્યમાં સ્વાગત કરશે અને આ સાથે જ ગુજરાત સ્પેન સાથે વધી રહેલા ભારતના વ્યાપારી અને આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્લેયર તરીકે પોતાની ભૂમિકાને મજબૂત કરવા માટે સજ્જ છે. વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહેલા સ્પેનિશ વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના રાજ્યના પ્રયાસોમાં સીમાચિહ્નરૂપ છે.
રાજ્યની બિઝનેસને અનુકૂળ નીતિઓ અને કુશળ કર્મચારીબળની ઉપલબ્ધતાને કારણે, ગત વર્ષોમાં ઘણી અગ્રણી સ્પેનિશ કંપનીઓએ ગુજરાતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ગુજરાતમાં સ્પેનના નોંધપાત્ર રોકાણોમાં ગ્રૂપો એન્ટોલિનનો સમાવેશ થાય છે, જેણે ફોર્ડ અને ટાટા જેવા અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકોને સેવા આપવા માટે 2015માં સાણંદમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરી હતી. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં, સાઇમેન્સ ગામેસા અને વિન્ડર રિનોવેબલ્સે હાલોલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપ્યા છે, જે પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે.
સ્પેનમાં ગુજરાતની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે 2023-24માં 0.94 અબજ ડોલર સુધી પહોંચી છે. સ્પેનમાં ગુજરાત મુખ્યત્વે કાર્બનિક રસાયણો, મશીનરી, ખનિજ ઇંધણ અને આયર્ન અને સ્ટીલ ઉત્પાદનોની નિકાસ કરે છે, જે રાજ્યના વૈવિધ્યસભર ઉદ્યોગોની મજબૂત હાજરીને પ્રતિબિંબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન મજબૂત દ્વિપક્ષીય વ્યાપારી સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2023-24માં 7.24 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના વ્યાપારમાં સ્થિર વધારો જોવા મળ્યો છે, અને બંને દેશો વચ્ચેનો વેપાર રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને ટેક્નોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22માં 6.77 અબજ ડોલરથી વધીને 2023-24માં 7.24 અબજ ડોલર થયો છે.
યુરોપિયન યુનિયનમાં સ્પેન ભારતનું છઠ્ઠું સૌથી મોટું વ્યવસાયિક ભાગીદાર છે. ભારત સ્પેનમાં ખનિજ ઇંધણ, રસાયણો, મશીનરી, કપડાં અને લોખંડ અને સ્ટીલની નિકાસ કરે છે. આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગમાં ઘણી ભારતીય કંપનીઓએ સ્પેનમાં કામગીરી શરૂ કરી છે જેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
સ્પેને ભારતમાં 4.2 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપે છે. ભારત સ્પેનમાંથી જહાજો, મશીનરી અને પીણાંની આયાત કરે છે, જેના લીધે ઉત્પાદન અને સંરક્ષણ જેવા ઉદ્યોગોને વેગ મળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા ભારતીય રાજ્યોમાં 280 થી વધુ સ્પેનિશ કંપનીઓ કામ કરે છે. બંને દેશો રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ ક્ષેત્રે વધુ તકો શોધે તેવી અપેક્ષા છે.