ટીપી સ્કિમ નં.26, 27 અને 28ના 99 હજાર ચોરસ મીટર રસ્તાઓ પર મેટલીંગ કરાશે: 25 હજાર લોકોને સુવિધાઓમાં થશે વધારો
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 52 પૈકી 50 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે બે દરખાસ્તોમાં રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં.11માં ત્રણ ટીપી સ્કિમના અંદાજે 90 હજાર ચો.મી. રસ્તાઓ પર મેટલીંગ કરવા માટે રૂ.3.48 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેનાથી 25 હજાર લોકોની સુવિધાઓમાં વધારો થશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.26, 27, અને 28ના જુદાજુદા ટીપીના રસ્તાઓ પર મેટલીંગ કરવા માટે રૂ.4.44 કરોડના એસ્ટીમેટ સાથેનું ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ચાર એજન્સીઓ ઓફર આપી હતી. મેસર્સ અરજણભાઇ પટેલ દ્વારા આ કામ 20.52 ટકા ઓછા ભાવે કરી આપવા ઓફર આપવામાં આવી હતી. વાટાઘાટના અંતે તેણે આ કામ 21.44 ટકા ઓછા ભાવે કરી આપવાની સહમતી દર્શાવી હતી.
અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમના રસ્તાઓ મેટલીંગથી મઢવા માટે રૂ.3.48 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેને આજે બહાલી આપવામાં આવી છે. આ કામથી વોર્ડ નં.11માં ત્રણ ટીપી સ્કિમના 99 હજાર ચો.મી.ના રસ્તાઓ પર મેટલીંગ કરવામાં આવશે. જેનાથી કણકોટ રોડ અને આસપાસના વિસ્તારો, કોર્ટયાડ રોડ, સાંનિધ્ય એપાર્ટમેન્ટ અને આહિર લેન્ડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા 25 હજાર લોકોની સુવિધાઓમાં વધારો થશે.
રૂ.17.62 કરોડના વિકાસકામોને બહાલી આપતી સ્ટેન્ડિંગ
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસકામો માટે રૂ.17.62 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. 52માંથી 50 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જ્યારે બે દરખાસ્તોમાં રિટેન્ડરીંગ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.1.49 કરોડ, પમ્પીંગ સ્ટેશન ઓપરેશન મેઇન્ટેનન્સ માટે રૂ.14.63 કરોડ, રોડ-રસ્તાના કામ માટે રૂ.3.84 કરોડ, ભૂગર્ભ ગટરના કામ માટે રૂ.1.92 કરોડ, બોક્સ કલ્વર્ટના કામ માટે રૂ.13.75 લાખ, લાયબ્રેરી માટે પુસ્તક અને રમકડાં ખરીદવા માટે રૂ.61.68 લાખ, સ્મશાનનું સંચાલન કરતી સંસ્થાઓને ગ્રાન્ટ આપવા રૂ.28.80 લાખ, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂ.1.13 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.33.44 લાખ, એલઇડી ફિચર્સની ખરીદી માટે રૂ.50 લાખ અને મશીનરી ભાડે રાખવા માટે રૂ.1 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
લાયબ્રેરી માટે 61 લાખના ખર્ચે પુસ્તકો અને રમકડાં ખરીદાશે
કોર્પોરેશનની અલગ-અલગ નવ લાયબ્રેરીના ઉપયોગ માટે પુસ્તકો ખરીદવા માટે 45 લાખ અને ચાર લાયબ્રેરીઓ માટે ટોયઝ, પઝલ્સ અને ગેમ ખરીદવા માટે રૂ.16 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે પ્રભાદેવી લાયબ્રેરી માટે લાયબ્રેરી મેનેજમેન્ટનો સોફ્ટવેર ખરીદવા માટે રૂ.68,500 મંજૂર કરવામાં આવ્યા છે. કેનાલ રોડ સ્થિત લાયબ્રેરી, શ્રોફ રોડ લાયબ્રેરી, નાનામવા સર્કલ પાસે આવેલી મહિલા વાંચનાલય, જિલ્લા ગાર્ડન લાયબ્રેરી, પેરેડાઇઝ હોલ સામે લાયબ્રેરી, ગાંધી મ્યુઝિયમ સ્થિત લાયબ્રેરી તથા મહિલાઓ તથા બાળકો માટેના હરતા-ફરતા પુસ્તકાલયના બંને યુનિટો માટે પુસ્તકો ખરીદવા માટે રૂ.45 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રાજકોટ પ્રવિણ પુસ્તક ભંડાર પાસેથી મૂળ કિંમતના 36.12 ટકા વળતર ભાવે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના પુસ્તકોની ખરીદી કરવામાં આવશે. જ્યારે અલગ-અલગ ચાર લાયબ્રેરીઓમાં બે થી 14 વર્ષના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં, પઝલ્સ અને ગેમ ખરીદવા માટે 16 મંજૂર કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ 27 ટકા ઓછા ભાવે અમદાવાદની ગુડ યુઝ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં આવ્યો છે.
ફાયદાની આશ: ડબલ્યુ ટીપી અને એસ ટીપીના કોન્ટ્રાક્ટમાં રિ-ટેન્ડરીંગનો નિર્ણય
કોર્પોરેશનના આજી ફિલ્ટર પ્લાન્ટ-3ના ઓપરેશન અને પ્રીવેન્ટીવ મેઇન્ટેનન્સ કરવાની કામગીરીનો દ્વિમાસિક કોન્ટ્રાક્ટ આપવા તથા રૈયાધાર ખાતે 56 એમએલડી ક્ષમતાના સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોમ્પ્રીહેન્શીવ ઓપરેશન મેઇન્ટનન્સના કામમાં ફાયદો થવાની સંભાવના જણાતા આ બંને દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલી રિ-ટેન્ડર કરવાની સૂચના આવી છે. પૂર્વ ઝોનમાં આજી ફિલ્ટર પ્લાન્ટ-3ના ઓપરેશન અને પ્રીવેન્ટીવ મેઇન્ટેનન્સની કામગીરીનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન ઇલેક્ટ્રીકને બે ટકા ડાઉન ભાવે રૂ.39.68 લાખ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ગત વખતે આ કોન્ટ્રાક્ટ 27.80 ડાઉન ભાવે આપવામાં આવ્યો હોય વધુ ફાયદો થવાની શક્યતા દેખાતા રિ-ટેન્ડરિંગ કરવાની સૂચના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. જ્યારે રૈયાધાર ખાતેના 56 એમએલડી સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોમ્પ્રોહેન્શીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ 27.75 ટકા ડાઉન સાથે માઇકોન લેઝર વેલ્ડીંગ ટેકનોલોજીને રૂ.1.17 કરોડમાં આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં પણ હજી ભાવ ડાઉનથી આવશે તેવી સંભાવના દેખાતા રિ-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.