દબાણગ્રસ્ત પ્લોટના માલિકોને ટી.પી.ની ખુલી જમીન આપવાના કારસા બંધ કરો: વસરામ સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સાંજે ટાઉન પ્લાનીંગ કમિટીની એક બેઠક બોલાવવામાં આવી છે. મવડી વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનની લ્હાણી કરવા સહિતની અલગ-અલગ ૩ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે. હવે જોવાનું એ રહેશે કે ટીપી કમિટીનાં ચેરમેન અનીતાબેન ગોસ્વામી ટીપીનાં અનામત પ્લોટમાં હેતુફેર કરવા અંગે પારદર્શક નિર્ણય લેશે કે પછી પાર્ટી લાઈન મુજબ અગાઉ નકકી થઈ ગયા મુજબ દરખાસ્તને બહાલી આપી દેવામાં આવશે.
આજે ટીપી કમિટીની જે બેઠક મળનાર છે તેમાં પ્રારંભિક ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)નાં અનામત પ્લોટ નં.એસ-૧ (એસઈડબલ્યુએસએચ) અને એસ-આઈ-૫ (પબ્લીક પર્પઝ) હેતુનાં અનામત પ્લોટને અરસ-પરસ હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ ૭૦ હેઠળ વેરીડ કરવા, કામચલાઉ પુન: રચના યોજના નં.૩૨ (રૈયા)માં સમાવિષ્ટ જાહેર હેતુનાં અંતિમ ખંડો તથા રસ્તા અંગે પરામર્શ કરવા ઉપરાંત ટીપી સ્કીમ નં.૮ (મવડી)નાં રેવન્યુ સર્વે નં.૧૫૫ પૈકીનાં મુળ ખંડ નં.૧૯ આખરી ખંડ નં.૧૯/૩ને હેતુફેર કરી રહેણાંક વેચાણ કરવો તથા રહેણાંક વેચાણ હેતુનાં અનામત પ્લોટનાં આખરી ખંડ નં.૨૬-એ માંથી ૧૩૦૧ ચો.મી.ને આખરી ખંડ નં.૧૯/૩ કરી અધિનિયમની કલમ ૭૧ હેઠળ વેરીડ કરવા અંગે નિર્ણય લેવામાં આવનાર છે. હવે કમિટી દ્વારા પ્રજા હિતમાં નિર્ણય લેવાશે કે પછી પાર્ટી લાઈનને વળગીને નિર્ણય લેવાશે તે બેઠકમાં ખબર પડશે.વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠીયા એ મેયરને પત્ર લખી વિરોધ સાથે જણાવ્યુ હતું કે મંજુર થયેલી ટી.પી. સ્કીમ નં ૮ ની ખુલી જમીન નિયમો નેવે મુકી દબાણગ્રસ્ત ખાનગી માલિકોને પધરાવવાના કારસા ઘડાય રહ્યા છે જે તાત્કાલિક બંધ થવા જોઇએ.