બાળકોના સૌથી પ્યારા સાથી
તમામ રમકડાં બાળકની કલ્પનાશક્તિને ઉત્તેજન આપવા સાથે સમાજમાં સરળ પ્રત્યાયન કૌશલ્ય અને ક્રિયાઓને શીખવે છે:વયકક્ષા મુજબ યોગ્ય રમકડાં રમવા આપી બાળકોનો સંર્વાંગી વિકાસ કરી શકાય છે:આદિકાળથી રમકડાંનું મહત્વ ચાલતું આવ્યું છે અને પૃથ્વી પર વસતાં તમામ બાળકને માટે રમકડાં જરૂરી છે
બાળકને બચપણ અને સાથે રમકડાં જોડાયેલા છે. પૃથ્વી પર વસતાં તમામ બાળક પ્રથમ રમકડાંથી રમતો હોય છે. આદિકાળથી બાળક અને રમકડાંનો સંબંધ છે. રમકડાં બાળકોને શું કામ ગમે છે આ પ્રશ્ર્ન બહું મોટો છે અને તેમાં મા-બાપનાં લાલન-પાલન કે ઉછેરને સીધો સંબંધ છે. પહેલા માટી પછી લાકડાં, પતરા, લોખંડ, પ્લાસ્ટિક કે રબ્બરના રમકડાં આવવા લાગ્યા. યુગ પરિવર્તન સાથે રમકડાં પણ બદલાયા. રમકડાંની ગઇકાલ અને આજ સાથે આવતીકાલની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જોડાયેલી હશે. બાળકોની તાર્કિક અને રચનાત્મક વિચારોની શક્તિ માત્ર રમકડાં જ ખીલવી શકે છે.
બાળક જન્મે કે તુરંત તેના કલરફૂલ ઘોડીયામાં ઘૂઘરા કે ચકલા-પોપટની ફરકણી કે ઘુઘરાનો પ્રથમ પગરવ થાય છે. નાનકડી આંખો કલરફૂલ, નયનરમ્ય રમકડાં, અવાજો, સંગીત, આકારો જોઇને બાળક મંદમંદ હસવા લાગે છે. રમવું અને ઊંઘવું એ બે જ કામ બાળકને હોય છે ત્યારે પ્રથમ સમજના પાઠો આ રમકડાં જ શીખવે છે. બાળકની ક્ષિતીજને વિસ્તૃત આ રમકડાં જ કરે છે. બાળકો ભેગા થાય ત્યારે બધા જ રમકડાંનો ઢગલો કરીને ક્રમબધ્ધ ગોઠવે ત્યારે પૃથકરણ જેવી રીત શીખે છે. અમુક બાળકને રમકડાં ગમતાં હોવાથી તે લઇ લો તો રડવા લાગે છે. બાળકના રસ-રૂચીને વલણો રમકડાંથી જ ખ્યાલ આવે છે. મનોવિજ્ઞાન પણ રમકડાંને વિશેષ મહત્વ આપે છે. કારણ કે બાળક 90 ટકા જેટલું પ્રથમ પાંચ વર્ષમાં શીખે છે.
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે રમકડાં અને આઉટડોર ગેમ્સ રમવાથી બાળકોની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને મગજનો વિકાસ થાય છે
બાળકની વયકક્ષા મુજબ રમકડાંમાં ફેર પડે છે, પ્રથમ એક કે બે વર્ષ બાદમાં 3 થી 5 વર્ષ અને પછી 10 કે 12 વર્ષની અંદરની વયમાં તેને રમવા માટેના રમકડાંમાં બદલાવ જોવા મળે છે. ગઇકાલ કરતાં આજના રમકડાંની દુનિયા નિહાળી છે. મોબાઇલ, ટીવી યુગમાં રમકડાંમાં પણ તેની સાથે બદલાવ આવ્યો છે. ઢીંગલો, ઢીંગલીના સાથે કાર્ટુન કેરી કેચર પણ ટબુકડાના સાથી બની ગયા છે. ઇલેક્ટ્રોનિક રમકડાં આવતાં રીમોટ કંટ્રોલના યુગમાં નવા-નવા અદ્યતન રમકડાં બાળકોના સાથી બન્યા છે. આજના ઇન્ફરમેશન અને ઇલેક્ટ્રોનિક યુગમાં બાળકો હવે રમકડાંથી દૂર થતાં જાય છે તે એક ગંભીર બાબત છે.
આજે ટબૂકડો બાળક મોબાઇલમાં ગેમ્સ રમે છે. ગુગલ યુગમાં તેનો વિકાસ અગાઉ કરતાં આજે ઝડપી થયો છે. પણ ધ્વની સ્પંદન માટે ઘૂઘરાને ખંજરી ઓલટાઇમ ફેવરિટ રહ્યા છે. ક્રિકેટ ફિવરને કારણે બેટ બોલ પણ રમકડાં ગણાવા લાગ્યા છે. દુનિયાના કોઇપણ બાળકનું બાળપણ રમતો અને રમકડાં વગર અશક્ય છે. છોકરા-છોકરીના રમકડાં આપણે જ બચપણથી અલગ પાડીએ છીએ. રસોડાનો સેટ છોકરીને લઇ આપીએ તો છોકરાને ગન લઇ આપીયે છીએ. રમકડાંની પસંદગીનું કાર્ય સરળ નથી. રમકડાંથી બાળકનો આંતરિક સાથે માનસિક વિકાસ થાય છે.
આજે ટેડીનો જમાનો છે. ટીવીની કાર્ટૂન શ્રેણીના વિવિધ પાત્રોના ટોયસ બાળકને ગમે છે, જેમાં ડક, છોટાભીમ, ટોમ એન્ડ જેરી જેવાનો ભારે ક્રેઝ બાળકોમાં જોવા મળે છે. અમુક ટીવી શ્રેણીના કારણે બાણ (તીર-કામઠાં) પણ રમકડાંમાં જોવા મળતા હતા. બાળકો ઝડપી વિકાસ કરે છે ત્યારે તેમાં રમકડાં જ તેની બુધ્ધિ, શારિરીક અને ભાવનાત્મકનો ખ્યાલ શીખવે છે. બાળકોને આનંદ તો રમકડાં જ આપી શકે છે.
પ્રાચિનકાળથી બાળકોના જીવનનો મહત્વનો ભાગ રમકડાં ભજવતાં આવ્યા છે. રમકડું જ બાળકનું મનોરંજન કરે અને જ્ઞાન આપે છે. એકબીજા બાળકો સાથે હળીમળીને કેમ રમવું તે બાળકો શીખે છે. બાળક ચાલતાં કે દોડતા શીખે ત્યારે પણ રમકડાં તેના પ્રિય સાથી હોય છે. બાળકની કોઇ ચોક્કસ પ્રકારના રમકડાંમાં રસ-રૂચિને કારણે તેમાં રહેલી આંતરિક શક્તિને ઓળખી શકાય છે. બાળકનો રમકડાં સાથેનો વર્તાવ એક મનોવિજ્ઞાન દ્રષ્ટિએ મુલવી શકાય છે. ટાગોરે તેની એક કવિતામાં કહ્યું છે કે “એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયામાં લઇ જાય છે.”
આપણી પ્રાચિન સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં પણ રમકડાં જોવા મળેલ છે. રમકડાને બાળકો વચ્ચે પ્રાચિનકાળથી જ સંબંધ છે. ઘોડીયા હિંચકતા બાળકને રંગબેરંગી ઘૂઘરો કે ફરતો ઘૂઘરો બધા બાંધે છે. 21મી સદી ભલે આવી પણ રમકડાં (ટોયસ) આજે પણ છે. આ રમકડું એક એવી વસ્તુ છે જેના ઉપયોગથી મનોરંજન મળે છે. બાળક વાતાવરણમાંથી ઘરના માહોલમાંથી ઘણું તો પણ રમકડાં બાળકોના બચપણ સાથે સિધા જોડાયેલા છે. અમુક રમકડાં તો યુવા અને વૃધ્ધો પણ રમવા લાગે છે.
પહેલા માટીના પછી લાકડાનાને હવે પ્લાસ્ટિક કે વાગે નહી તેવી ધાતુના પતરામાંથી બનાવાય છે. ચીન જેવા દેશો ખાલી રમકડાનો કારોબાર કરે છે. આત્મનિર્ભર ભારતને કારણે હવે આપણા ભારતમાં પણ શ્રેષ્ઠ ટકાઉ રમકડા બનવા લાગ્યા છે. ચાવીવાળા, સેલવાળા કે રીમોટ કંટ્રોલ કે સેન્સર વાળા રમકડાં આજની 21મી સદીમાં આવી ગયા છે. વિશ્ર્વમાં વિશાળ ટોચ માર્કેટ તેના શોરૂમો આવેલા છે.
રમકડામાં પશુ, પક્ષી, ફૂલ કે કાર્ટુનના વિવિધ કેરેક્ટરની હાલ બોલબાલા છે. અવનવા વિવિધ કલરોમાં આવતા રમકડાને બાળક પકડીને રમતું જોવા મળે છે. ટબુકડા બાળકોને કલર ફૂલ રમકડા બહુ ગમે છે. સામાન્ય દંડાથી શરૂ કરીને અદ્યતન ટોયકાર જેની કિંમત લાખોમાં હોય છે. આજના રમકડા પહેલા જેવા સસ્તા નથી મળતા. આજે બજારમાં રીમોટવાળા નાના રમકડાની કિંમત પણ ચાર આંકડામાં હોય છે. હવે તો આપણાં ગુજરાતનાં રમકડાં વિદેશોમાં નિકાસ થઇ રહ્યા છે.
છોકરા-છોકરીના રમકડા પણ અલગ-અલગ જોવા મળે છે. ઢીંગલીનો કલર પીંક હોય છે. કિચન વેર, ડોક્ટર સેટ જેવા વિવિધતાસભર રમકડા આજે બજારમાં ધૂમ મચાવે છે. શિક્ષણમાં પણ હવે ટીંચીંગ લર્નીંગ મટીરીયલ (ઝકખ)માં શૈક્ષણિક રમકડા આવી ગયા છે. જેને કારણે બાળકો ઝડપથી શીખી શકે છે. આપણા પાટનગર ગાંધીનગરમાં “ટોયસ મ્યુઝિયમ” 30 એકરમાં 1500 કરોડના ખર્ચે બની રહ્યું છે. રાજકોટમાં પણ ખૂબ જ સુંદર ઢીંગલી ઘર બનાવાયું છે. જેમાં દુનિયાના તમામ દેશોની ઢીંગલી રાખવામાં આવી છે. ટોયસ મ્યુઝિયમમાં ભારત દેશના ખૂણેખુણેથી 11 લાખથી વધુ પ્રાચિન અને આધુનિક રમકડા જોવા મળશે.
દેશની કે રાજ્યની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ રમકડાં શાસ્ત્ર વિકસાવીને તે ક્ષેત્રના નિષ્ણાંતો અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટના સથવારે શૈક્ષણિક રમકડા નિર્માણ કરવા જરૂરી છે.
કારણ કે બાળકને રસ-રૂચિ રમકડામાં હોવાથી તેના માધ્યમ દ્વારા તેનો વિકાસ ઝડપી કરી શકાય છે. દુનિયાનું સૌથી મોટું રમકડાં સંગ્રાહલય અમેરિકામાં છે જ્યાં 10 લાખથી વધુ રમકડા પ્રાચિનને આધુનિક યુગના છે. સાત અલગ વિભાગમાં રમકડાં ત્યાં મુકવામાં આવ્યા છે.
10 લાખ પ્રાચિન અને આધુનિક યુગના રમકડાં !!
દુનિયામાં સૌથી મોટું ટોયસ મ્યુઝિયમ અમેરિકામાં આવેલું છે જ્યાં 10 લાખથી વધુ પ્રાચિન અને અર્વાચિન યુગના રમકડાં છે. આજે દુનિયાભરમાં રમકડાંનાં વિશાળ સ્ટોરોમાં લાખેણા રમકડાં મળે છે. ઇલેક્ટ્રોનિક યુગમાં રીમોટ કંટ્રોલ સંચાલિત રમકડાંની માંગ વધુ છે. આપણાં પાટનગર ગાંધીનગરમાં પણ 30 એકરમાં 1500 કરોડના ખર્ચે ‘ટોયસ મ્યુઝિયમ’ બની રહ્યું છે. રાજકોટમાં વિશ્ર્વના તમામ દેશોની ઢીંગલીઓનું ઢીંગલી ઘર પણ આવેલું છે. આજે બાળક સામાન્ય દડાથી શરૂ કરીને અદ્યતન સાચા જેવી લાગતી ટોયકારથી રમી રહ્યો છે. મગજનો વિકાસ કરવા વિવિધ પઝલ્સે પણ રમકડાંનું સ્થાન લીધું છે.
શિક્ષણમાં પણ આવ્યા શૈક્ષણિક રમકડાં !!
બાળકોનો અતૂટ નાતો રમકડાં સાથે હોવાથી હવે આ યુગમાં ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સમાં એજ્યુકેશનલ ટોયસનો જમાનો આવી ગયો છે. શૈક્ષણિક રમકડાંથી રમતાં-રમતાં જ બાળક ઘણું શીખી જાય છે. શિક્ષણમાં રમકડાંના ઉપયોગથી બાળકોને રસ-પ્રવૃતિ સાથે તરંગ-ઉલ્લાસમય રીતે ભણવાની મઝા આવે છે. ઘણા શૈક્ષણિક રમકડાં તો બાળકો જાતે પણ બનાવે છે. પ્લે હાઉસથી જ વિવિધ પ્રવૃતિમાં આવા રમકડાંના ઉપયોગથી વાંચન-ગણન અને લેખન કૌશલ્ય ઝડપથી વિકસે છે. બાળકોને વાર્તા અને રમકડાં બહુ જ ગમતા હોવાથી આ બંનેને સાંકળીને શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળક ઝડપથી શીખવા લાગે છે. બાળકના મગજને વિકસાવવા રમકડાં સૌથી શ્રેષ્ઠ છે. બાળકોને વિવિધ પશુ-પંખીને પ્રાણીઓના રમકડાં ગમતાં હોવાથી તેની સાથે રમતાં-રમતાંએ પ્રાણી વિશેની સમજ મેળવવા લાગે છે.