જુની કલેકટર કચેરીમાં ત્રણ કેટેગરીમાં ૨૨૪ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો કરાયો
આગામી તા.૧લી સપ્ટેમ્બરથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગોરસ જન્માષ્ટમી લોકમેળામાં રમકડા, ખાણીપીણી અને હાથથી ચાલતી ચકરડીના સ્ટોલ-પ્લોટ માટે આજે ડ્રો પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. આજે જુદા-જુદા ધંધાર્થીઓને કુલ ૨૨૪ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો યોજી જગ્યા ફાળવણી પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લોકમેળા સમિતિ રાજકોટ દ્વારા આગામી તા.૧લી સપ્ટેમ્બરથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગોરસ લોકમેળા માટે ત્રણ કેટેગરીના સ્ટોલ-પ્લોટની ફાળવણી કરવા ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં સવારે ૧૧:૦૦ કલાકે પ્રથમ બી કેટેગરીના રમકડાના ૧૭૮ સ્ટોલ માટે ડ્રો યોજવામાં આવ્યો હતો ત્યારબાદ સી કેટેગરીમાં ૧૪ સ્ટોલ માટે કુલ આવેલા ફોર્મનો ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૪ ભાગ્યશાળી ધંધાર્થીઓને સ્ટોલ લાગતા ઉત્સાહમાં આવ્યા હતા.
વધુમાં ત્યારબાદ ૧૧:૩૦ કલાકે મધ્ય તથા નાની હાથથી ચાલતી ચકરડી માટેના કુલ ૩૨ પ્લોટ માટે ડ્રો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કેટેગરી માટે કુલ ૪૫ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૩૨ ભાગ્યશાળી ધંધાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
દરમિયાન આજે બપોરે ૩:૦૦ વાગ્યા બાદ મોટી કેટેગરીમાં કુલ ૫ પ્લોટ અને રમકડા કોર્નરના કુલ ૩૨ પ્લોટ માટે હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સૌથી ઉંચી બોલી બોલનાર ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત આવતીકાલે તા.૯ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાથી ઈ-કેટેગરીના યાંત્રિક આઈટમોના ૬ પ્લોટ, એફ કેટેગરીમાં યાંત્રિક આઈટમોના ૪ પ્લોટ, જી કેટેગરીમાં યાંત્રિક આઈટમોના ૨૫ પ્લોટ અને એચ કેટેગરીના યાંત્રિક ૯ પ્લોટ સહિત કુલ ૪૪ યાંત્રિક પ્લોટોની હરાજી ગોઠવવામાં આવી છે. જયારે તા.૧૦ના રોજ આઈસ્ક્રીમ ચોકઠાના કુલ ૧૬ પ્લોટ માટે સવારે ૧૧:૦૦ કલાકે હરાજી યોજવામાં આવી હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.