કોઈપણ શહેરનાં સર્વાંગી વિકાસ માટે ટીપી સ્ક્રીમ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે: ટીપી સ્ક્રીમથી જનતા સાથે સ્થાનિક સ્વરાજયની સંસ્થાને પણ લાભા-લાભ
રાજકોટની ૪૧ ટીપી સ્કીમો પૈકી ૨૨ ફાઈનલ, ૯ પ્રિલિમિનરી અને ૧૧ ડ્રાફટ: રૈયા-વાવડીમાં નવી બે ટીપી બનશે
ડ્રાફટ ટીપી મંજૂર થાય એટલે રસ્તાના કબ્જા મળે, પ્રિલીમીનરી મંજૂર થતા અનામત પ્લોટના કબ્જા પ્રાપ્ત થાય
કોઈપણ શહેરનાં સર્વાંગી વિકાસ માટે નગર નિયોજન યોજના ખૂબજ મહત્વનો ભાગ ભજવતી હોય છે. વિકાસની તકોની ચકાસણી કર્યા બાદ યોગ્ય સમયે ટીપી સ્ક્રીમ બનાવવામાં આવે તો તે શહેર -વિકાસની દોડમાં અન્ય શહેરોને પાછળ છોડી દે છે હાલ વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં સ્થાન પામેલા રાજકોટ શહેરમાં મહાપાલિકા અને રૂડાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ વિકાસની ઉજળી તકો નિહાળી જે તે સમયે બનાવેલી અલગ અલગ ટીપી સ્કીમોનાં મધમીઠા વિકાસનો ફળો રાજકોટવાસીઓ જ નહી સૌરાષ્ટ્રવાસીઓ આરોગી રહ્યા છે. આયોજન બધ્ધ રીતે બનાવવામાં આવેલી ટીપી સ્કીમોના કારણે રાજકોટનો ચો તરફ વિકાસ થયો છે. અને પશ્ર્ચિમ તરફતો જાણે શહેરે વિકાસની ઉડાન ભરી હોય તેવું લાગી રહ્યું છે. શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે. સાથોસાથે વિકાસની નવી ક્ષીતીજો પણ દેખાય રહી છે. આ બધુ યોગ્ય સમયે ટીપી સ્ક્રીમ બનાવવા માટે લેવાયેલા નિર્ણયને આભારી છે તેવું કહેવામાં જરાપણ અતિશિયોકિત નથી.
રાજકોટને તા.૧૯/૧૧/૧૯૭૩ના રોજ મહાનગરપાલિકાનો દરજજો મળ્યો અને ૧૯૭૫માં કોર્પોરેશને પ્રથમ ટીપી સ્ક્રીમ બનાવવાનો ઈરાદો જાહેર કર્યો. આજે ૪૭ વર્ષનાં ઈતિહાસમાં રાજકોટ મહાપાલિકા ૪૧ ટીપી સ્ક્રીમો બનાવી ચૂકયું છે. ૧૯૯૭માં રાજકોટમાં રૈયા, નાનામવા અને મવડી ભળતા તથા વર્ષ ૨૦૧૫માં કોઠારિયા તથા વાવડી ગામ ભળતા રૂડા દ્વારા આ ગામોનાં વિકાસ માટે બનાવવામાં આવેલી ટીપી સ્ક્રીમો પ્રાપ્ત થઈ છે. રાજકોટની ૨૨ ટીપી સ્ક્રીમો ને રાજય સરકાર દ્વારા ફાઈનલ કરી દેવામાં આવી છે. જેમાં ટીપી સ્ક્રીમ નં. ૧ (રાજકોટ), ટીપી.૨ (રાજકોટ), ટીપી-૩ (રાજકોટ), ટીપી-૪ (રાજકોટ), ટીપી-૫ (રાજકોટ), ટીપી-૬ (રાજકોટ), ટીપી-૭ (રાજકોટ), ટીપી-૮ (રાજકોટ), ટીપી-૧૧ (રાજકોટ), ટીપી-૧૨ (રાજકોટ), ટીપી-૨૪ (રાજકોટ), ટીપી-૨૭ (મવડી), ટીપી -૨૮ (મવડી), ટીપી-૧ (રૈયા), ટીપી-૨ (નાનામવા), ટીપી-૩ (નાનામવા), ટીપી-૪ (રૈયા), ટીપી-૫ (નાનામવા), ટીપી-૬ (રૈયા), ટીપી-૭ (નાનામવા), ટીપી-૮ (મવડી) અને ટીપી -૧૫ (વાવડી)નો સમાવેશ થાય છે. જયારે ૯ ટીપી સ્ક્રીમો પ્રિલીમીનરી છે જેમાં ટીપી સ્ક્રીમ નં.૯ (રાજકોટ), ટીપી-૧૦ (રાજકોટ), ટીપી સ્ક્રીમ નં. ૧૩ (રાજકોટ), ટીપી-૧૬ (રૈયા), ટીપી-૧૯ (રાજકોટ), ટીપી-૨૦ (નાનામવા), ટીપી-૨૨ (રૈયા), ટીપી-૨૩ (રાજકોટ), ટીપી-૧૨ કોઠારિયા)નો સમાવેશ થાય છે. જયારે ૧૦ ટીપી ડ્રાફટ છે જેમાં ટીપી સ્ક્રીમ નં. ૧૪ (રાજકોટ), ટીપી-૧૫ (રાજકોટ), ટીપી-૧૭ (રાજકોટ), ટીપી-૧૮ (રાજકોટ), ટીપી-૨૧ (મવડી), ટીપી-૨૬ (મવડી), ટીપી-૩૧ (રાજકોટ), ટીપી-૩૨ (રૈયા), ટીપી-૧૩ (કોઠારિયા) અને ટીપી ૧૪ (વાવડી)નો સમાવેશ થાય છે. વાવડી અને રૈયામાં સ્માર્ટ સિટીને લાગુ વિસ્તારમાં એમ બે નવી ટીપી સ્ક્રીમ બનાવવા તાજેતરમાં કોર્પોરેશન દ્વારા ઈરાદો પણ જાહેર કરાયો છે. છેલ્લા બે દાયકા દરમિયાન ન્યુ. રાજકોટનો જેટ ગતિએ થયેલો વિકાસ સંપૂર્ણ પણે ટીપી સ્ક્રીમોને આધારિત છે. રાજકોટ મહાપાલિકામાં રૈયા, નાનામવા અને મવડી વિસ્તાર ભળ્યા બાદ અહી નવી આઠ ટીપી સ્ક્રીમો બનાવવામાં આવી જેના થકી પાંખો મળી અને ન્યુ રાજકોટ વિકાસના આસમાને ઉડવા લાગ્યું.
મુખ્યમંત્રી બન્યાં બાદ વિજયભાઈ રૂપાણીએ ચાર વર્ષમાં કોર્પોરેશનની ૯ ટીપી મંજૂર કરી
મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ છેલ્લા ચાર વર્ષમાં રાજકોટ મહાનગપાલીકાની અલગ અલગ નવ ટાઉન પ્લાનીંગ સ્કીમોને મંજૂરીની મહોર મારી છે. શહેરી-વિકાસ વિભાગ તેઓની પાસે હોવાથી રાજકોટને મોટો ફાયદો થયો છે. તેઓએ ટીપી સ્કીમ નંબર ૯ રાજકોટ, ટીપી સ્કીમ નં. ૧૬ (રૈયા), ટીપી સ્કીમ નં. ૨૦ (નાનામવા), ટીપી સ્કીમ નં. ૨૬ (મવડી), ટીપી સ્ક્રીમ નં. ૨૭ (મવડી) અને ટીપી સ્કીમ નંબર ૨૮ (મવડી), ટીપી સ્કીમ નં. ૧૩ (કોઠારિયા ડ્રાફટ), ટીપી સ્કીમ નં. ૧૪ (વાવડી), ટીપી સ્કીમ નં. ૧૫ (વાવડી), અને ટીપી સ્કીમ નં. ૩૨ (રૈયા ડ્રાફટ)ને બહાલી આપી છે. હાલ રાજય સરકારના લેવલે ૨ કોર્પોરેશનની એક પણ ટીપી સ્કીમ મંજૂરી અર્થે પેન્ડીંગ નથી.
કેવી રીતે બને છે ટીપી સ્કીમ?
ટીપી બનાવવા જે તે વિસ્તારમાં ૮૦ હેકટર જમીન હોવી ફરજિયાત: ઈરાદો જાહેર કર્યા બાદ નવ માસમાં ડ્રાફટ ટીપી સરકારમાં રજૂ કરી દેવી પડે છે
સામાન્ય રીતે દરેક લોકોનાં મનમાં એક સવાલ થતો હોય છે કે વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ એવી ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ સ્થાનિક સ્વરાજયની સંસ્થા કે સત્તા મંડળ દ્વારા કેવી રીતે બનાવવામાં આવે છે જયારે કોઈ એક વિસ્તારમાં ૮૦ હેકટરથી વધુ જમીન ખૂલ્લી હોય અને ત્યાં વિકાસના ચાન્સીસ દેખાતા હોય ત્યારે કોઈપણ સ્થાનીક સ્વરાજયની સંસ્થા કે સતા મંડળ અહી નગર નિયોજન યોજના બનાવવાની વિચારણા શરૂ કરે છે. આ માટે જયાં ટીપી સ્ક્રીમ બનાવવાની હોય તેની માપણી કર્યા બાદ રાજય સરકારને પરામર્શ માટે મોકલવામાં આવે છે. રાજય સરકાર જયારે પરામર્શને મંજુરી આપે ત્યારે જનરલ બોર્ડમાં ઠરાવ કરી ટીપી સ્ક્રીમ બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવે છે. ઈરાદો જાહેર કર્યા બાદ જમીન ધારકો, પ્લોટ હોલ્ડર સાથે બેઠકો કરી તેઓનાં વાંધા-સુચનો સાંભળ્યા બાદ વધુમાં વધુ ૯ મહિનામાં ડ્રાફટ ટીપી સ્ક્રીમ બનાવી રાજય સરકારમાં મંજૂરી અર્થે મોકલી દેવામાં આવે છે. ડ્રાફટ ટીપી સ્ક્રીમ મંજૂર થયા બાદ સરકાર દ્વારા જમીન ધારકોના વાંધા સુચનો સહિતના પ્રશ્ર્નો હેન્ડલ કરવા માટે ગર્વેમેન્ટ ટીપીઓની નિમણુંક કરવામાં આવે છે.ડ્રાફટ ટીપી મંજૂર થતાની સાથે જ સ્થાનિક સ્વરાજયની સંસ્થા કે સત્તા મંડળને રોડ રસ્તાના કબ્જા મળી જાય છે. જેના આધારે આ વિસ્તારોમાં રોડ બનાવવા અન્ય સુવિધા આપવાનાં કામ કરી શકાય છે. ડ્રાફટ મંજૂર થયા બાદ ગર્વમેન્ટ ટીપીઓ સોંપી હોલ્ડરોને સાંભળે છે. ટીપી કપાત સામે તેઓની સહમતી માટેના ફોર્મ ભરાવે છે અને તેને શહેરી વિકાસ વિભાગમાં મોકલે છે. ત્યારબાદ બીજા સ્ટેજમાં ટીપી પ્રિલિમીનરીમાં આવે છે. પ્રિલીમીનરી મંજૂર થયા બાદ કોર્પોરેશનને અલગ અલગ હેતુ જેવા કે ગાર્ડન હેતુ, એસઈડબલ્યુએસ, પબ્લીક પર્પઝ, કોમર્શિયલ વેંચાણ હેતુ માટેના પ્લોટના કબ્જા પણ મળી શકે છે. છેલ્લે ટીપી સ્ક્રીમ ફાઈનલ મંજૂરીના સ્ટેજમાં પહોચે છે.જેમાં કપાત સામે વાંધાના કોઈ કોર્ટ કેસ, પરામર્શમાં વિસંગતતા, ખર્ચ સહિતના નાના-મોટા પ્રશ્ર્નો રહી ગયા હોય તો તેનો નિકાલ કર્યા બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા ટીપીને અંતિમ અર્થાત ફાઈનલ મંજૂરી આપવામાં આવે છે. એક ટીપી સ્ક્રીમે અલગ અલગ ત્રણ તબકકે મંજૂરીની ગરણીમાંથી પસાર થવું પડે છે. ઈરાદો જાહેર કર્યા બાદ ટીપી ફાઈનલ થતા કયારેક તો વર્ષોના વહાણા વિતી જતા હોય છે.
કોર્પોરેશન વધુ બે ટીપી સ્કીમો બનાવશે જયારે રૂડા ૧૨ ટીપી ભેટમાં આપશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૪૧ ટીપી સ્કીમો બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા શહેરનાં રૈયા સ્માર્ટસિટી એરિયા અને વાવડી ગામ તળ વિસ્તારમાં નવી બે ટીપી સ્કીમો બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે અને જનરલ બોર્ડમાં દરખાસ્ત કરી પરમાર્શ અર્થે શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવી છે. મંજૂરી આવ્યા બાદ રૈયા અને વાવડી વિસ્તારમાં બે ટીપી સ્કીમો બનાવવા માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી તરફ માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર આ ચાર ગામોનો સમાવેશ મહાપાલિકાની હદમાં કરી દેવામાં આવ્યો છે. જેનું ટીપીનું રેકોર્ડ સોંપવા રૂડા દ્વારા બોર્ડ બેઠકમાં ઠરાવ કરી લેવામાં આવ્યો છે. રૂડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલી ઉપરાંત ચાર ગામોની ચાર ફાઈનલ ટીપી સ્કીમ, ૧ પ્રિલિમીનરી ટીપી સ્કીમ અને ૭ ડ્રાફટ ટીપી સ્કીમ કોર્પોરેશનને સોંપી દેવામાં આવશે. જેના રોડ રસ્તાના કબ્જા અને અનામત પ્લોટ પણ કોર્પોરેશનને પ્રાપ્ત થશે આમ આગામી દિવસોમાં ટીપીનો આંક અર્ધી સદીને વટાવી ૫૫ પહોચી જશે.
ટીપી સ્કીમ નં. ૪ (રાજકોટ) ૪૦ વર્ષે ફાઈનલ થઈ!!
ટીપી સ્કીમ બન્યા બાદ ફાઈનલ સુધી પહોચતા કયારેક તો દાયકાઓ વિતી જતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૭/૬/૧૯૭૬ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ટીપી સ્કીમ નં. ૪ (રાજકોટ) બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો ડ્રાફટ ટીપી ને તા.૨૪/૭/૧૯૭૮ના રોજ મંજૂરીની મહોર શહેરી વિકાસ વિભાગ દ્વારા આપી દેવામાં આવી હતી. તા. ૮/૯/૧૯૭૮ના રોજ ગર્વમેન્ટ ટીપીઓની નિમણુંક પણ કરી દેવામાં આવી હતી. ૧૦ વર્ષનાં લાંબા અંતરાલ બાદ ટીપી ૪ (રાજકોટ)ને પ્રિલિમીનરી બહાલી આપવામાં આવી અને અંતિમ મંજૂરી તા. ૨૪/૨/૨૦૧૪ના રોજ મળી આમ ઈરાદો જાહેર કરાયા બાદ આ ટીપી સ્કીમ ૪૦ વર્ષ ફાઈનલ થઈ હતી. જયારે તેની સાથે જ ટીપી સ્કીમ નં.૩ (રાજકોટ) બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો જે તા.૨૦/૭/૧૯૯૨ના રાજે ફાઈનલ થઈ ગઈ હતી.
રાજકોટની પ્રથમ ટીપી બનાવવા ૧૯૭૫માં કરાયો હતો ઈરાદો જાહેર
રાજકોટને ૧૯/૧૧/૧૯૭૩ના રોજ મહાનગરપાલિકાનો દરજજો પ્રાપ્ત થયો હતો. છેલ્લા ૪૭ વર્ષમાં શહેરનો અદ્વિતિય વિકાસ થયો છે. કોર્પોરેશનનો દરજજો મળ્યા બાદ તા.૧૩/૮/૧૯૭૫માં શહેરની પ્રથમ નગર નિયોજન યોજના બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. તા.૨૫/૨/૧૯૭૭ના રોજ રાજકોટની ટીપી સ્કીમ નં. ૧ અસ્તિત્વમાં આવી તા.૨૫/૩/૧૯૮૨ના રોજ ડ્રાફટને પ્રિલીમીનરી સ્ટેજમાં લઈ જવામાં આવી અને ટીપી તા.૩/૯/૧૯૮૪ના રોજ ફાઈનલ કરવામાં આવી. ટુંકમાં ઈરાદો જાહેર કર્યા બાદ શહેરની પ્રથમ ટીપી સ્કીમ નવ વર્ષે ફાઈનલ થઈ આ ટીપી સ્કીમ શહેરનાં કાલાવાડ રોડને લાગુ પડતી હતી. રાજકોટની પોલીસ કુલ ૨૧ ટીપી સ્કીમો છે. નાનામવાની પાંચ, રૈયા વિસ્તારની સાત, મવડી વિસ્તારને લાગુ પાંચ, વાવડીને લાગુ ૩ અને કોઠારિયાને લાગુ બે ટીપી સ્કીમો બની છે કુલ ૪૧ ટીપી હાલ અસ્તિત્વમાં છે. નવી બે બનાવવા માટેનો ઈરાદો ગત તા. ૧૬/૬/૨૦૨૦ના જનરલ બોર્ડમાં જાહેર કરી દેવામાં આવ્યો છે. અને ૧૨ જેટલી ટીપી સ્કીમો ચાર ગામો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળતા રૂડા દ્વારા મળશે.
રાજયની સૌથી મોટી ટીપી બનાવવાનું શ્રેય પણ રાજકોટના શીરે
ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા ડ્રાફટ)નું ક્ષેત્રફળ ૪૯૮ હેકટરમાં છે: ઈન હાઉસ બનેલી આ ટીપીને રાજય સરકારે ૧૧ મહિનામાં મંજૂરી આપી દીધી હતી
રાજયમાં સૌથી મોટી ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવાનો શ્રેય પણ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવ્યા બાદ કોર્પોરેશને એક ચોકકસ વિસ્તારને સ્માર્ટ એરિયા તીકે વિકસાવવાનો નિર્ણય લીધો અને આ મો તા.૧૧/૮/૨૦૧૭ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કર્યા બાદ ટીપી સ્કીમ નં. ૩૨ (રૈયા) બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો આ ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ ૪૯૮ હેકટર છે. જેમાં અલગ અલગ ૪૭ અનામત હેતુના પ્લોટ છે. રિઝર્વેશન એરિયાનું ક્ષેત્રફળ ૯૯૫૦૨૭ છે. અને રોડ રસ્તાનું રિઝર્વેશન ૫૧૨૨૦૨ ચોરસ મીટર છે. ઈનહાઉસ બનેલી આ ટીપી સ્કીમને રાજય સરકાર દ્વારા માત્ર ૧૧ મહિનાના ટુંકાગાળામાં મંજૂરી આપી દેવામાં આવી હતી અને તા.૧૧/૧/૨૦૧૯ના રાજે ટીપી સ્કીમ નંબર ૩૨ (રૈયા ડ્રાફટ) માટે સરકારી ટીપીઓની પણ નિમણુંક કરી દેવામાં આવી હતી. આ ટીપી સ્કીમ રાજયની સૌથી મોટી હોવાનું બહુમાન તો ધરાવે છે સાથે સૌથી ઝડપી મંજૂરી થયાનું શ્રેય પણ ધરાવે છે. અહી સ્માર્ટ સિટી બેઈઝ વિકાસ થઈ રહ્યો છે હવે આ ટીપીને લાગુ વધુ એક ટીપી મહાપાલિકા બનાવવા જઈ રહ્યું છે.
ટી.પી. સ્કીમ થકી જ કોઈ પણ શહેરનો આયોજન બધ્ધ વિકાસ થાય છે: એમ.ડી. સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતુ કે, ડેવલપમેન્ટ પ્લાન થકી માત્ર ઝોન અને રોડ નકકી થાય છે. માઈક્રો લેવલનાં પ્લાનીંગ તથા આયોજન બધ્ધ વિકાસ ટાઉનપ્લાનીંગ સ્કીમ થકી જ થાય છે. ટીપી સ્કીમમાં અલગ અલગ સાઈઝના રોડ નકકી કરવામાં આવે છે સાથે સાથે ગાર્ડન હેતુ હોસ્પિટલ હેતુ પબ્લિક પર્પઝ હેતુ, એસઈડબલ્યુએસ હેતુ સહિતના વિવિધ અનામત હેતુના પ્લોટ રાખવામાં આવે છે. ટીપી સ્કીમ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થા અને જનતાને પણ મોટો ફાયદો થાય છે. કારણ કે અલગ અલગ અનામત હેતુના પ્લોટ સ્થાનિક સ્વરાજયની સંસ્થાને મળે છે. જેવા કે રહેણાંક હેતુ માટેનો અનામત પ્લોટ કોમર્શિયલ હેતુ માટેના અનામત પ્લોટ જેના વેચાણ થકી સંસ્થા આર્થિક ઉપોજન મેળવી શકે છે. જયારે જનતાને બગીચા, હોસ્પિટલ, આવાસ યોજના, મોટા રોડની સુવિધા પ્રાપ્ત થાય છે. ટુંકમાં ટીપીને વિકાસની પારાશીશી પણ કહી શકાય.