‘શિયાળ તાણે સીમ ભણી, કુતરૂ તાણે ગામ ભણી’
ખેડૂત આંદોલનની સમાપ્તી માટેના પ્રયાસો સામે આ મડાગાંઠ વણઉકેલ રહે તેવી પેરવીની આશંકા વચ્ચે વધુ એક મંત્રણા પર તમામની મીટ
કૃષિ બીલના વિરુધ્ધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના ચાલીસમાં દિવસે ગઈકાલે યોજાયેલી છઠ્ઠી બેઠક પણ અનિર્ણય સંજોગોમાં પડી ભાંગી હતી અને ખેડૂતોએ ત્રણેય બીલ પાછા ખેંચવાની વાતે વળગી રહેતા છેલ્લી ઘડીના પ્રયાસોમાં મડાગાંઠ યથાવત રહી હતી. હવે આ આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની મડાગાંઠ મહાસંગ્રામ તરફ ઢસડાતી જતી હોય તેવા માહોલે ચિંતા જગાવી છે. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના વલણથી આ પ્રકરણનો અંત દેખાતો નથી. ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માંગ કરી હતી અને લઘુતમ ટેકાના ભાવના બદલે ભાવ બાંધણાનો આગ્રહ રાખ્યો છે. સરકાર દ્વારા સોમવારે ખેડૂત આગેવાન દર્શન પાલ સહિતના નેતાઓ સાથે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મળ્યા હતા. પરંતુ ખેડૂતોએ કાયદો પાછો ખેંચવા સીવાય સમાધાનનો ઈન્કાર કર્યો હતો. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે આ મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો પડતા મુક્યા નથી. હવે ૮મી જાન્યુઆરીએ આગલી બેઠક મળશે.
ગઈકાલની બેઠક પડી ભાંગતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર સમાધાન માટે તૈયાર જ નથી. અમે અમારા પરિણામ સુધી આંદોલન મુકવાના નથી. લઘુતમ ટેકાનો ભાવ, ભાવ બાંધણુ અને કૃષિ બીલની વાપસી સીવાય સમાધાન શક્ય ન હોવાનું ૪૦ ખેડૂત સંગઠનોના ૪૭૫ જેટલા આગેવાનોએ આ વાતને સમર્થન આપ્યું હતું. કડકડતી ઠંડીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ભારતના નાગરિક છે, પરદેશથી આવ્યા નથી. તેમ જણાવી આ મડાગાંઠના ઉકેલમાં તંત્ર જોઈએ તેટલો સહકાર આપતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
મંત્રણાઓની તારીખ એક પછી એક બદલાતી જાય છે તેને ખેડૂત આગેવાનોએ શક્તિનો વ્યય ગણાવી જો આ આંદોલન સમયસર નહીં આટોપાય તો પરિસ્થિતિ વણસે તેવા અણસાર વર્તાઈ રહ્યાં છે. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેની મડાગાંઠ મહાસંગ્રામ તરફ સરકી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. સરકાર માટે કૃષિ કાયદા પાછા ખેંચવા એ ડોસી મરે તેનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય તે ન પરવડે તેવો ઘાટ ઉભો થયો છે. બીજી તરફ ખેડૂતો આ કાયદાના વિકલ્પની વાત પણ માનવા તૈયાર નથી. જો આ આંદોલન વણઉકેલ રહેશે તો આવનાર દિવસો અવશ્યપણે અજંપો વધારનારા બનશે. હવે ૮મી જાન્યુઆરીની બેઠક પર તમામની મીટ મંડાયેલી છે.