હોટલ, રેસ્ટોરન્ટ, રોપ-વે રિસોર્ટ હાઉસ ફૂલ
જુનાગઢ શહેર સહિત સાસણ, સતાધાર પરબધામ સહિતના ધાર્મિક અને ફરવા લાયક સ્થળો ઉપર છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ શહેરમાં જાણે કીડીયારૂ ઉભરાણું હોય તેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેને લઈને ભવનાથ વિસ્તાર સહિતના ઐતિહાસિક, ધાર્મિક સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી બાજુ રોપવે છેલ્લા પાંચ દિવસથી હાઉસફુલ રહેવા પામ્યુ છે. અને હજુ બે દિવસો સુધી પ્રવાસીઓ જુનાગઢ જિલ્લાના ફરવા લાયક સ્થળોમાં રજાના દિવસોની મોજ માણશે તેવું જણાઇ રહ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર ભારત ભરના લોકો માટે જુનાગઢ શહેર તથા જિલ્લાના અનેક ફરવા લાયક સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોએ જુનાગઢ શહેરનના ઐતિહાસિક, ધાર્મિક તથા ફરવા લાયક સ્થળોની અમુલાકાત લીધી છે. અને આ સાથે જુનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા સતાધાર, પરબ તથા અનેક દેવી-દેવતાઓના ધાર્મિક સ્થાનની સાથે સાસણ તથા વન વિસ્તારોના ગામોમાં પ્રવાસીઓએ, ડાલામથ્થા સિંહ તથા વન્ય સૃષ્ટિને માનવાની સાથે દિવાળીના રજાના દિવસોની મોજ માણી છે. જેને લઈને જુનાગઢ શહેરની તમામ હોટલો રિસોર્ટ ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ ફુલ રહેવા પામ્યા હતા.
આ સાથે જુનાગઢનો ગિરનાર રોપવે છેલ્લા સાત દિવસથી હાઉસફુલ ચાલી રહ્યો છે. આ વખતે રોપવેના સંચાલકો દ્વારા ઓનલાઇનની સુવિધા કરેલ હોવાથી દિવાળીના દિવસોમાં જ હોસ્ટેલ હાઉસફૂલ થઈ ગયો હતો. તો બીજી બાજુ જૂનાગઢના સકરબાગ સહિતના ફરવા લાયક સ્થળોમાં પણ લાખોની સંખ્યામાં મુલાકાતિઓએ મુલાકાત લીધી હતી.
બીજી બાજુ જુનાગઢ જિલ્લાના સિંહના ઘર ગણાતા સાસણની પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેના કારણે સાસણ તથા આસપાસના વિસ્તારોમાં આવેલા રિસોર્ટ અને હોટલો ફુલ થઈ જવા પામી હતી.
જો કે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સોરઠની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાંથી હોટલ, રિસોર્ટના સંચાલકોએ ત્રણથી ચાર ગણા ભાડા કરી દીધા હોવાની તથા ટ્રાવેલ્સના સંચાલકોએ પણ પ્રવાસીઓની ભીડના કારણે ટિકિટના દરોમાં બે થી ત્રણ ગણો વધારો કરી દીધા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. અને પ્રવાસીઓને ટ્રાવેલ્સ સંચાલકો, રિસોર્ટ, હોટલના માલિકોએ આર્થિક રીતે ખંખેરીયા હોવાની બૂમો સંભળાઈ રહી હતી.