વર્ષોથી સાવજો સાથે રહેતા લોકો સિંહોની તકેદારી ખુબ જ સારી રીતે લેતા હોય છે
ગીર અભિયારણ તથા ગીર સેન્ચ્યુરીમાં સાવજોનાં મૃત્યુનો આંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અનેકવિધ વખત હાઈકોર્ટમાં આ અંગે રજુઆતો પણ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને હાઈકોર્ટ દ્વારા સરકારને તાકિદ કરતાં જણાવાયું છે કે, વન્ય પ્રાણીઓનાં હિતો જળવાવવા જોઈએ પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે, કાયદાની દેવીએ હાલ આંખે પાટો બાંધી લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કયાંકને કયાંક પ્રજાનાં હિતો અને વન્યપ્રાણીઓનાં હિત વિશે યોગ્ય માહિતી આપવામાં લોકો જાણે ઉણા ઉતર્યા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોથી કહેવાય છે કે, અન્યાય કરનાર કરતા અન્યાય સહન કરનાર વ્યકિત સૌથી મોટો ગુનેગાર હોય છે ત્યારે સરકાર પર કયાં કારણોસર કંઈક યોગ્ય નિર્ણય નથી લઈ શકતી તે પણ એક પ્રશ્ન ઉદભવિત થઈ રહ્યો છે.
હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી તાકીદમાં એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે, ગીર અભિયારણ્ય તથા ગીર નેશનલ પાર્ક નજીક જે રહેવાસીઓ રહે છે તથા વારંવાર ભારે વાહનોની અવર-જવર, ટુરીઝમ સહિતનાં ક્ષેત્રને દુર કરવા માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી શું સાવજો બચી શકશે ખરા ? કારણકે વન્યપ્રાણીઓમાં અને જયારે ગીરની વાત કરવામાં આવે તો સાવજોનું નામ સૌપ્રથમ આવતું હોય છે. સિંહો હરહંમેશ લોકો સાથે રહેવામાં ટેવાયેલા છે જો લોકો અને સ્થાનિક રહેવાસીઓ ત્યાંથી દુર થઈ જશે તો સાવજોની જાળવણી અને તેની સારસંભાળ કોન લેશે ? તે પણ એક મુખ્ય પ્રશ્ન ઉદભવિત થઈ રહ્યો છે.
પહેલા ઈકો સેન્સેટીવ ઝોનની હદ વિશે અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી. ઈકો સેન્સેટીવ અને સિંહનાં નામે સૌરાષ્ટ્રનાં કાંઠાળા વિસ્તારમાં વિકાસનાં રોડા નાખવાનાં પણ અનેકવિધ હિન પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જયારે બીજો મુદ્દો એ પણ સામે આવે છે કે, ગીરનાં લોકો સિવાય સિંહની દેખરેખ રાખવાની કોઈપણ વ્યકિતની તાકાત નથી. ગીર અભિયારણ્ય અથવા તો કહી શકાય કે ગીર નેશનલ પાર્ક આજુબાજુમાં વર્ષોથી માલધારીઓ અને ખેડુતો વસવાટ કરે છે અને સિંહો પર અવાર-નવાર આવતા નજરે પડતા હોય છે ત્યારે એ પ્રશ્ન પણ સામે આવે છે કે, શું સાવજોને ખતરો લોકોથી એટલે કે સ્થાનિક વસવાટ કરતાં રહેવાસીઓ છે કે કોનાથી ? જો આ અંગે નિવારણ વિશે વાત કરવામાં આવે તો વનવિભાગે વન્યપ્રાણીઓ અને માણસો વચ્ચેની કડીરૂપ કામગીરીને ગંભીરતાથી નજરે લેવી જોઈએ.
હાઈકોર્ટ દ્વારા ૧૨ અઠવાડિયામાં ક્રિટીકલ વાઈલ્ડ લાઈફ હેબીડેટ બનાવવાની તાકિદ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલાઅંશે યોગ્ય પુરવાર થશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ તે વાત નકકી છે કે જો વન્યપ્રાણીઓને સ્થાનિક રહેવાસીઓથી દુર કરવામાં આવશે તો તેની માઠી અસર સાવજો પર પડશે. કારણકે ગીરનું નામ પડતાની સાથે જ એશિયાટીક સાવજોનું ચિત્ર માનસપટ પર હરહંમેશ સામે આવી જતું હોય છે જેથી લોકોને તેનાથી દુર ન કરવા સ્થાનિક તંત્ર અને વન્યપ્રાણીપ્રેમીઓએ આ અંગે રજુઆત કરવી જોઈએ.