- વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃતિ જરૂરી : સહ અભ્યાસિક પ્રવૃતિમાં બાળકોને
- એક્ટિવિટી સાથે જ્ઞાન ગમ્મત પણ કરાવવી જરૂરી : અનુભવજન્ય શિક્ષણ જ ચિરંજીવી રહે છે
- સંગીત, ચિત્ર, રમતગમત જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો ખીલવે છે: પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત સહઅભ્યાસિક ઇતર પ્રવૃત્તિ જ તેનું શ્રેષ્ઠ ઘડતર કરે છે
આજની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણની સાથે પ્રવાસ પર્યટન અને દેશી રમતોનું પણ વિશેષ મહત્વ છે, ત્યારે બાળકોના સર્વાંગી વિકાસમાં ઇતર પ્રવૃત્તિને સાંકળીને ગમ્મત સાથે જ્ઞાનનું શિક્ષણ આપીને વ્યક્તિગત રીતે દરેક બાળકને રસ, રૂચી અને વલણ પ્રમાણે વય કક્ષા મુજબ અનુભવ જન્ય શિક્ષણ આપવું જરૂરી.
શાળા પ્રવેશથી જ છાત્રોને શિક્ષણ માટે પ્રોત્સાહીત કરવાની જરૂર છે. આ માટે જનભાગીદારી પણ આવશ્યક છે. શાળા માત્ર સરકાર કે સ્થાનિક સતા તંત્રોની જ જવાબદારી નથી સમાજનું પણ દાયિત્વ છે. બાળકોની લેખન વાંચન અને ગણનની ક્ષમતા વધે તે માટે શિક્ષકોએ તેમની પાસે વિવિધ પ્રકારતા પ્રવૃતિ-પ્રોજેકટ કરવવા જોઇએ. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે ઇતર પ્રવૃતિનું વિશેષ મહત્વ છે. સંગીત ચિત્ર અને સ્પોટ્સ જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાથીઓના વિવિધ કૌશલ્યો ખીલવે છે. પુસ્તકિયા જ્ઞાન સાથે સહઅભ્યાસિક ઇતર પ્રવૃતિ જ તેનું શ્રેષ્ઠ ઘડતર કરે છે.
શાળા પ્રથમવાર પગથીયા ચડતા ધો.1ના બાળકનું પ્રારંભતી જ રસ, રૂચિ, વલણો આધારિત શિક્ષણ મળે તો તેને શાળાએ આવવું ગમશે. બેસવું ગમશે ને રમવું ગમશે. આ પ્રારંભિક કાળમાં શિક્ષણની સજતાની કસોટીનો કાળ છે અપવ્યય અને સ્થગિતતાના ઘણા કારણો આ સમસ્યા જોવા મળી છે કે છાત્રને રસરૂચિ પ્રમાણે વાતાવરણ ન મળવાથી તે શાળાએ આવતું નથી. ધો.1થી 5માં આ સમસ્યા વિશેષ જોવા મળે છે.
ધો.1થી 5 અને ધો.6થી 8 આ બે તબકકા પ્રારંભના છે જેમાં ધો.1થી 5 ના અને પ્રી સ્કૂલના છાત્રોની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પ્રવૃતિમય શિક્ષણથી જ તેનો પાયો પાકકો થશે. ગણિત, ગુજરાતી અને પર્યાવરણના વિષયો સાથે એકટીવીટી બેઝ લર્નીગ ખૂબ જ અસરકારક હોય છે. પ્રવૃતિ દ્વારા જ્ઞાન અર્થાત પ્રજ્ઞા પ્રોજેકટ ધો.1-2 અને 3-4માં આવે છે. જેમાં વિવિધ પ્રવૃતિને સાંકળીને ઘણી પ્રવૃતિ થાય છે. પણ આમાં થોડા ફેરફારની જરૂર જણાય છે. મનોવિજ્ઞાન કહે છે કે બાળક એક વિષય વસ્તુ ઉપર લાંબો સમય ધ્યાન કેન્દ્રીય કરી શકતો નથી તેથી તેને અલગ અલગ રસ પડે તેવી પ્રવૃતિને જોડીને મૂળ શિક્ષણ સાથે જોડવો જરૂરી છે. શિક્ષકે પણ દરેક બાળક પ્રવૃતિમાં જોડાય તે જોવાની ફરજ છે.
કોઇપણ એકમ આજે પ્રવૃતિ સાથે શિખડાવી શકાય તેવું વાતાવરણ સાધનોમાં દૃશ્ય શ્રાવ્ય સાધનો ઉપલબ્ધ છે ત્યારે શિક્ષકે મહત્વની ભૂમિકા અદા કરીને સહઅભ્યાસિક પ્રવૃતિમાં છાત્રોને જોડીને ધાર્યાપરિણામો લાવવા કટિબધ્ધ થવું પડશે. નાના બાળકોને વાર્તા ખુજબ ગમતી હોય જીવન મૂલ્ય શિક્ષણ આપવા માટે તમે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. વાર્તા પદ્ધતિ શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિ પૂરવાર થઇ છે. છતાં આજે બહું જુજ શાળાઓ આ મેથડ અપનાવે છે.
શિક્ષણની વિવિધ ટેકનીકનો ઉપયોગ થાય તો જ તમે બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકો છો. વાર્તા, ચિત્ર, સંગીત રમત-ગમતની પ્રવૃતિ સાથે તમારા વર્ગખંડના તમામ બાળકોના ગ્રૃપો પાડીને તમે ઘણી બધી વાતો શિક્ષણ સરળતાથી બાળકોને શિખવી શકો છો. નાના બાળકોમાં ઘણા બધા ગુણો છુપી કલાઓ પડેલી હોય છે. જેને ઉજાગર કરવા શિક્ષકે ઇતર પ્રવૃતિ પ્રોજેકટના માધ્યમથી સારા પરિણામો મેળવવા પડશે. શાળાકિય જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ છે. કારણ કે બાળક સક્ષમ તાકાતવર નિરોગી હશે તો જ તે શિક્ષણમાં આગળ વિકાસ કરી શકશે.
સ્વાસ્થય શિક્ષણ કે શારીરીક શિક્ષણ કે જૂના જમાનાનો વ્યાયામનો તાસ એક પદ્ધતી શાસ્ત્ર છે. રાષ્ટ્રની પ્રગૃતિનો આધાર નાગરીકોના સ્વાસ્થ્ય ઉપર છે. સ્વસ્થ બાળક, માનવ, સમાજને રાષ્ટ્ર એક આંક રૂપે રહે છે. છાત્રોના સ્વાસ્થ્ય ઘડતર માટે શિક્ષકો પાયાનું કાર્ય કરી શકે છે. વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય માટેની જરૂરી સુટેવોનું ઘડતર થાય તે માટે શિક્ષકની જાગરૂકતા ખૂબજ અનિવાર્ય છે. બાળક વર્ગખંડમાં સતત પ્રવૃતિ શિલ રહે અને તેને નિયમિત ઇનડોર કે આઉટ ડોર રમતમાં જોડવો તેવું વાર્ષિક આયોજન શિક્ષકે કરવું જરૂરી છે.
સંગીત ને શિક્ષણ સાથે બહુ ઓછા શિક્ષકો કે શાળા સંકુલો સાંકડે છે. આરોહ અવરોહની લય બધ્ધા બાળક ઘોડીયામાંથી શીખીને આવે છે જેને આપણે બાલ સભા કે પ્રાર્થના સંમેલનમાં ઉપયોગ કરવો જ પડે. પુસ્તકમાં આવતા કાવ્યો લયબધ્ધતાથી ગવડાવો તો બાળકના હૃદય સુધી પહોચે છે. ગાયની સાથે જરૂરી એકશન કરવાથી છાત્રોને વધુ રસ પડે છે અને તેને કાવ્ય સમજવામાં સરળતા પડે છે. સંગીતની સાથે છાત્રોને બાળગીતોને અભિનય ગીતો દરરોજ જોડવો પડે જેના થકી તમે જીવનમૂલ્ય શિક્ષણ, સારી ટેવો, પર્યાવરણ વિગેરે શીખવી શકો છો.
છાત્રોના માનસપટ પર હજારો કલ્પનાઓ પડી હોય છે. જેને શિક્ષક ચિત્ર માધ્યમથી સારી રીતે ઉજાગર કરી શકે છે. ક્રિએશન બાળથી મોટેરાને ગમે છે, આનંદ મળે છે. બાળકે જાતે બનાવેલ ચિત્રો થકી તેને રસરૂચી, એકાગ્રતા, વિચારો, કલ્પના, વિવિધરંગો જેવો અનેક બાબતો વણાઇ જાય છે. ચિત્ર વાર્તા કે ખાલી ચિત્ર ઉપરથી બાળકને વિચારવાનું કહો ને બાદમાં તેના પ્રશ્ર્નો પૂછવાથી તેનામાં મૌખિક અભિવ્યકિત સાથે કલ્પના શક્તિ ખીલે છે. વર્ષો પહેલા વાર્ષિક પરીક્ષા વખતે પૂંઠામાંથી ઘર બનાવીને આપણે લઇ જતા ત્યારે ઉદ્યોગ વિષય જેવું નામ હતું. પ્રગતિપત્રકમાં સમુહજીવન ચિત્ર, સંગીત, ઉદ્યોગ જેવા વિષયોને પણ સ્થાન હતું, તેનામાર્ક મુકવામાં આવતા.
ઘણા બાળકો સારૂ ગાય, સારૂ વગાડે તો તેને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેને નિષ્ણાંતોની સહાયથી વિકમાં એકવાર માર્ગદર્શન આપીને તેને આ દિશામાં પ્રવિણ કરી શકાય. ચિત્ર સારૂ કરે તો તેના સારા અક્ષરો પણ હોય તે જોવા મળ્યું છે. કારણ કે વિવિધ વણાંકોને કારણે આ સંભવ બને છે. શાળાના તમારા વર્ગના ટેલેન્ટેડ બાળકોને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવડાવીને તેને આગળ વિકાસ કરવામાં ઇત્તરપ્રવૃતિ સૌથી બેસ્ટ સાબિત થાય છે. બાળકોને નાટક કરવું બહુ ગમે છે. તેથી તેતે વિષયવસ્તુ વિષયો પણ એજયુકેશન થ્રુ ડ્રામામાં શીખવી શકો છો. શાળા છુટવાના સમય પહેલા અડધો કે એક કલાક જો આવી રસ પ્રચુર પ્રવૃતિ વર્ગખંડમાં કે ગ્રાઉન્ડમાં થાય કે કરાય તો બાળકોનો સર્વાંગી વિકાસ ઝડપી બને છે. ક્રિકેટ રમતથી બાળકોમાં લીડરશીપ, એકાગ્રતા, જેવા ઘણા ગુણો ખીલવી શકાય છે. આજે સૌથી મોટી નબળાઇ શિક્ષણની એ છે કે આપણે આ બધુ ભૂલાઇ ગયું છે. માત્રને માત્ર વિષયો આધારીત ભણાવીને કોર્ષ પુરો કરીને તેનું જ મુલ્યાંકન થાય છે. ખરેખરતો બાળકોમાં રહેલી વિવિધ કલાઓને કયારેય પ્રોત્સાહન અપાતું નથી. રાષ્ટ્રીય શિક્ષણનિતિમાં કૌશલ્યબેઝ શિક્ષણ અપાય છે જે એક સારા સમાચાર છે.
બાળકોને શિક્ષણની સાથે આસપાસના પર્યાવરણનું મહત્વ સમજાવો
બાળક તેના પર્યાવરણ કે આસપાસના વાતાવરણ માંથી ઘણું જ શીખે છે. છાત્રોનાં વિકાસ માટે શૈક્ષણિક પ્રવાસ જોવા લાયક સ્થળો પશુ, પંખી, પ્રાણીઓ, જંગલો, તળાવો, પહાડો જેવા વિવિધ સ્થળોએ તેમને લઇ જઇને ત્યાંથી તેઓ શિક્ષણ મેળવે તેવા આયોજન શાળાઓએ અને મા બાપે કરવા જોઇએ. પ્રવાસ શિક્ષણનો એક સહઅભ્યાસિક પ્રવૃતિનો ભાગ છે જેના થકી બાળક ઘણું શિખતો હોય છે. વિદ્યાર્થીના જીવન ઘડતર માટે પ્રવાસ પર્યટન ખુબ જ જરૂરી છે. જોવા લાયક સ્થળો જો છાત્રોએ જોયા હશે તો તેના વિશે તેની કલ્પનાથી વિવિધ છણાવટ સાથે શ્રેષ્ઠ રજૂઆત પણ કરી શકશે છાત્ર જીવનમાં દરેક પ્રવૃતિમાં બાળકોને જોડીને શિક્ષકે તેનો સર્વાંગી વિકાસ કરવો જોઇએ.
બાળકોના સર્વાંગી વિકાસ માટે સંગીત, ચિત્ર અનેરમતગમતને વિશેષ મહત્વ આપો
પહેલા દફતરનો ભાર જ ન હતો આજે તેનું વજન વિદ્યાર્થીના વજન સાથે આવી જાય છે. બાળકો શાળાએ જતાં પહેલા ગ્રાઉન્ડમાં છૂટથી કોઇની દેખરેખ વગર રમતા જેમાં ખો, હુતુતુ, નાગોલ, મોઇ, દાંડીયા, ફેરફદરડી, થપ્પો, લંગડી, પકડમ-પકડી જેવી અનેક રમતોનો સમાવેશ થતો હતો રમતોને કારણે બાળકોમાં લિડર શીપ, ટીમસ્પીરીટ, ત્વરીતતા, એકાગ્રતા, ભાષા વિકાસ, યાદ શક્તિ સાથે સ્વગીત રચનાને જોડકણા સાથે ઘણી બધી વાતો શીખવા મળતી હતી. આ રમતોમાં મુકત હાસ્ત, નિર્દોષ ધીંગા, મસ્તી સાથે હળવાશના વાતાવરણ ઘણી બધી કસરતો સાથે બાળક પ્રવૃતિમાં રચ્યો પચ્યો રહે તો જોવા મળતો. આજે આ વસ્તુ શિખવા તેના વર્ગોમાં જાય છે. પણ ત્યાં એના જેવું વાતાવરણ હોતું જ નથી. પહેલા તો બાળક આ બધી પ્રવૃતિથી જ ઘણુ બધુ શિખી લેતો હતો. આજે તો ઔપચારિક શિક્ષણ પદ્ધતિમાં બાળક કશુ જ શીખતો નથી. અનૌપચારિક શિક્ષણમાં શિસ્ત જળવાતી અને બાળકનો પુરેપુરો વિકાસ થતો. આજે બાળક ટ્રેસમાં જ હોય ત્યાં આવું કયા રમવા જાય આજના મા-બાપે રસ લઇને તેની સાથે રવિવારે આનંદોત્સવ કરવો જ પડશે. જો તેના બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આ માટે સંગીત, ચિત્ર, રમત ગમત જેવી પ્રવૃતિ કરાવવી જ પડશે.