- બૃહદ ગીર વિસ્તારમાં આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં કોપ-28 માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે. જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો, નદઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન-અભ્યારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે. ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતાં વર્ષમાં 31 હજાર હેકટરમાં વાવેતર કરવાની નેમ છે. મિષ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે.
વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે કેમ્પા ફંડ સહિત વિવિધ કામો માટે રૂ.950 કરોડની જોગવાઇ, વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ. 550 કરોડની જોગવાઇ, વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે રૂ.400 કરોડની જોગવાઇ, વન વિસ્તાર વિકાસ અને મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે રૂ.372 કરોડના ખર્ચે આયોજન જે પૈકી રૂ.17 કરોડની જોગવાઇ, ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે રૂ.20 કરોડની જોગવાઇ, બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે રૂ.2 કરોડની જોગવાઇ, પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્દ્રોનાં સુદ્રઢીકરણ દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ.7 કરોડની જોગવાઇ, વનીકરણની યોજનાઓના જીઆઈએસ મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે રૂ.2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે
સરકારી, અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક ઉપર 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટ લગાવાશે
રાજ્ય સરકારે ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ.1163 કરોડની જોગવાઇ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં 82%ના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજયની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ.1163 કરોડની જોગવાઇ : સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ.993 કરોડ ફળવાયા
સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ.993 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર ઓપેક્ષ મોડલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે રૂ.100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ રૂ. 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં રૂ. 12 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે.બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે રૂ.9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે