સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરતા હોવાથી પરિણીતાએ કંટાળી ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યું હતું
રાજકોટમાં આજી ડેમ નજીક શ્યમ કિરણ સોસાયટીમાં રહેતા જમનાબેન (ઉ. વ.47) નામની પરિણીતાએ બે દિવસ પહેલા પોતાના કરે ગળેફાસો ખાયે આપઘાત કર્યો હતો જે મામલે તેના પિતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યા હોવાની ફરિયાદ કરતા પોલીસે તપાસ કરી પતિ અમિત વાઘેલા અને સાસુ મણીબેન વાઘેલા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડ્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
પોલીસ ફરિયાદમાં જમાનાબેનના પિતા નાનજીભાઈએ જણાવ્યું હતું કે,જમનાબેનના લગ્ન ત્રીસેક વર્ષ પહેલા આરોપી અમિત સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પરિણીતાને આરોપી પરાણે ભઠ્ઠીમાં મજૂરી કરાવતો હતો. જયારે સાસુ-મણીબેન તેને “તારા બાપે કોઈ કામ શીખવાડેલ નથી” કહી મેણા-ટોણા મારી તેના દિકરાને ચડામણી કરી ત્રાસ આપતા હતા. જેના કારણે આરોપી પરિણીતાને અવાર-નવાર મારકૂટ કરતો હતો જેથી પરિણીતાના ચારેક વખત રીસામણે ગઈ હતી, પરંતુ આરોપી તેને સમજાવી પરત ઘરે લઈ જતો હતો.
નાનજીભાઈએ તેની પુત્રી અવારનવાર ફોન કરી અને રૂબરૂ આરોપી મારકૂટ કરતો હોવાનું કહેતી પરંતુ તેનું લગ્નજીવન સુખેથી ચાલે એટલા માટે તે તેને સમજાવી પરત મોકલી આપતા હતા.સાતમ આઠમના તહેવારમાં પરિણીતા તેના ઘરે આવતા પતિ અમિત તેના માતા મણીબેનના કહેવાથી ખૂબ જ મારકૂટ કરતો હોવાનું અને સહન થતું ન હોવાનું અને આ લોકો કા મારી નાખશે કે મરી જવા મજબુર કરે ત્યાં સુધીનો ત્રાસ આપતા હોવાનું કહી ત્રાસના કારણે આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી હતી. ત્યારબાદ ગત તા.29ના પણ પરિણીતાએ તેની બહેનને ફોન કરી પતિ અમિત ખૂબજ માર માર્યાનું કહ્યું હતું. તેના બીજા દિવસે તા.30ના પણ ફોન કરી પરિણીતાએ તેનો પતિ તેના સાસુએ ચડામણી કરતા માર માર્યાની વાત કરી હતી.
બાદમાં તા.30ના તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.