આવારા તત્વોને ખાખીનો પણ ખૌફ નહીં: પોલીસ ખાતામાં અરજી થયાં બાદ પણ ખંડણીની સતત ઉઘરાણી
શહેરમાં આવારા તત્વો અને લુખ્ખાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. લુખ્ખાઓને ખાખીનો ભય સહેજ પણ ન રહ્યો તેવી રીતે બેફામ બની લોકોને દબાવી-ધમકાવી પૈસા પડાવવાનું આખુ એક ઓર્ગેનાઈઝડ રેકેટ ચલાવવામાં આવે છે. આ રેકેટમાં અનેક લુખ્ખાઓ અને તેના કહેવાતા આકાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં આ લુખ્ખાઓ દ્વારા વેપારીને ડરાવી-ધમકાવી સાત આંકડાની રકમ પડાવવાનું કારસ્તાન રચવામાં આવ્યાનું સામે આવ્યું છે.
તાજેતરમાં શહેરના નવા ભળેલા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ડેરીમાંથી વિપુલ સુસરા નામના માથાભારે શખ્સે ઘોરવું લઇ ચોક્કસ કલાકો બાદ પરત આવી ’તારા ઘોરવામાંથી ગરોળીની પૂંછડી નીકળી છે’ કહી વેપારીને બેફામ ગાળો આપી, ’તને બદનામ કરી, પેઢીને તાળું મરાવી દઈશ’ તેવી ધમકીઓ આપી રૂ. 10 લાખની માતબર રકમની સમાધાન પેટે માંગણી કરવામાં આવી હતી. લુખ્ખોઓના ટોળાંથી ભયભીત થયેલા વેપારીને હદર્યનો દુખાવો ઉપડી જતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી નોબત સર્જાઈ હતી. જે બાદ પણ લુખ્ખાઓ સતત પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી. જે બાદ વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
વિપુલ સુસરા આણી ટોળકીને જાણે પોલીસનો પણ ભય ન રહ્યો હોય તેવી રીતે ખાતામાં અરજી થયાં બાદ પણ સતત પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી પણ વેપારીએ પૈસા બાબતે કોઈ જવાબ નહીં આપતાં મનપાના આરોગ્ય વિભાગમાં ખોટી અરજીઓ કરી પેઢીને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. લુખ્ખાઓની મેલી મુરાદ પુરી નહીં થતાં રઘવાયાં થયેલા લુખ્ખાઓએ સતત ધમકીઓ આપવાનું શરૂ રાખ્યું હતું.
આ પ્રથમવાર નથી બન્યું જયારે વિપુલ સુસરા નામનો શખ્સ આ પ્રકારે કોઈ વેપારી સાથે બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવતો હોય. વિપુલ સુસરા આણી ટોળકીનું ઘર જ વેપારીઓને ડરાવી ધમકાવીને પડાવેલા રૂપિયાથી ચાલે છે. અગાઉ અનેક વાર શહેરના વિવિધ રાજમાર્ગો પર કોઈક વેપારી, બિલ્ડર સાથે વાહન અથડાવી, માથાકૂટ કરી, ધાક-ધમકીઓ આપી વિપુલ સુસરા આણી ટોળકીએ રૂ. 20 લાખ સુધીની રકમ પડાવ્યાનું જાણવા મળ્યું છે.
બિલ્ડર સાથે વાહન અથડાવી રૂ. 5 લાખની ખંડણી ઉઘરાવી
વિપુલ સુસરાએ આજથી બે વર્ષ પૂર્વે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર એક બિલ્ડર સાથે વાહન અથડાવી માથાકૂટ કરી હતી. બિલ્ડરને વિપુલ સુસરાએ રોડ પર જ ધમકીઓ આપી સમાધાન પેટે રૂ. 10 લાખ તો આપવા જ પડશે તેવું જણાવ્યું હતું. પોતે સમાજમાં નામના ધરાવતા બિલ્ડરેં બદનામીના ભયે આ લુખ્ખાને અંતે રૂ. 5 લાખની ખંડણી પણ આપી હતી. જે બાદ આ લુખ્ખાએ બિલ્ડરનો પીછો છોડ્યો હતો.
પૂર્વ મંત્રીના અતિ નજીક મનાતા ભાજપ અગ્રણી સાથે પણ વાહન અથડાવી રૂપિયાની માંગણી
વિપુલ સુસરા આણી ટોળકીમાં આમિરખાનને એક ફિલ્મમાં ભૂલકણા પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યો હોય તે ફિલ્મ જેવું નામ ધરાવતા એક શખ્સે ત્રંબા રોડ પર પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્યના અતિ નજીકના મનાતા અને કાલાવડ જવાનાં માર્ગે આવતા એક તાલુકાના ભાજપ અગ્રણી સાથે પણ વાહન અથડાવી સમાધાન પેટે રૂ. 1 લાખની માંગણી કરવામાં આવી હતી. પણ રાજકીય આગેવાનોના ફોન ધણધણતા અંતે સમાધાન થયું હતું.
શાપરમાં ખંડણી ઉઘરાવવા જતાં મેથીપાક મળ્યો
વિપુલ આણી ટોળકીએ વાહન અથડાવી એક વેપારી પાસે લખો રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ ખંડણીની રકમ સ્વીકારવા શાપર જતાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ વિપુલ આણી ટોળકીને બરાબરણો મેથીપાક ચખાડ્યો હતો. જ્યાંથી વિપુલ આણી ટોળકી જાન બચાવી નાશી છૂટી હતી.
વેબ ચેનલ ચલાવતા કહેવાતા પત્રકારની પણ તોડકાંડમાં મહત્વપૂર્ણ ભૂમિકા
શહેરમાં દિન પ્રતિદિન બિલાડીના ટોપની જેમ વેબ ચેનલો વધતી જઈ રહી છે. જેઓ પ્રજાજનોને મીડિયાના નામે ડરાવી ધમકાવી પૈસા પડાવતા હોય છે જેના લીધે મીડિયાની છવી પણ ખરડાઇ રહી છે. ત્યારે આ પ્રકારની જ એક વેબ ચેનલ ચલાવતા પત્રકારની પણ તોડકાંડમાં ચાવીરૂપ ભૂમિકા છે. વિપુલ આણી ટોળકી કારસ્તાન આચરે અને કહેવાતો પત્રકાર ક્યાંય નહીં વંચાતા તેના દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ કરી ભોળા લોકોને ડરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.