સાયન્સ, ટેક, એન્જિનિયરીંગ, મેેમેટીકસ અને મેડિસીન ક્ષેત્રમાં મહિલા સંશોધકોનું પ્રદાન જાણવા પ્રયત્નો
શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિભેદનું પ્રમાણ કેટલું ? ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ આ પ્રશ્ર્નનો જવાબ જાણી શકશે. આગામી શૈક્ષણિક સત્રથી મીનીસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ટોચની શૈક્ષણિક સંસ્થાઓને જેન્ડર ઈક્વિલીટીના આધારે એટલે કે, શિક્ષકો અને શિક્ષીકાઓની સંખ્યાની સરખામણીના આધારે ફંડ ફાળવવામાં આવશે.
પ્રારંભીક તબક્કે આ પ્રોજેકટ માટે આઈઆઈટી અને એનઆઈટી જેવી ૨૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. સમયાંતરે ૯૦ સંસ્થાઓને સંકલીત કરવામાં આવશે. જે શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા ફેકલ્ટીની સંખ્યા વધારે હશે તેને રેટીંગ અપાશે. આ રેટીંગ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્જ પ્રકારના રહેશે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા વૈજ્ઞાનિકો-સંશોધકોનો ફાળો કેટલો ? તે અંગેનો રિપોર્ટ ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સ અને ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીને મોકલવામાં આવશે. પીએચડી મેળવનાર મહિલાઓની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓને જેન્ડર ઈક્વિલીટીના રિપોર્ટ માટે સેલ્ફ એસેસમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
સાયન્સ, ટેક, એન્જિનિયરીંગ, મેેમેટીકસ અને મેડિસીન ક્ષેત્રમાં મહિલા સંશોધકો કે વૈજ્ઞાનિકોનું પ્રમાણ આ પધ્ધતિના માધ્યમથી જાણી શકાશે તેવી આશા તંત્રને છે. ભારતીય સમાજ પુરુષ પ્રધાન ગણવામાં આવે છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓના પ્રદાન અંગે જાણવાનો પ્રયાસ મીનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યો છે.