તમામ જાહેર પરિવહનના વાહનોમાં જીપીએસ ટ્રેકર ઉપકરણ લગાવાયા કે નહીં તે સુનિશ્ચિત કરવા આરટીઓને ટૂંક સમયમાં અપાશે આદેશ
અબતક, ગાંધીનગર
કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષથી વધુ સમય માટે નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર મુસાફરોની સલામતી માટે જાહેર પરિવહન વાહનો માટે પેનિક બટન અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ટ્રેકર રાખવાનું ફરજિયાત બનાવવા માટે તૈયારી કરી રહી છે.
આ નિયમ ટૂંક સમયમાં તમામ જૂની અને નવી ટેક્સીઓ, બસો અને અન્ય જાહેર પરિવહન વાહનો માટે ફરજિયાત બનાવવામાં આવનાર છે. રાજ્યના ગૃહ વિભાગે પેનિક બટન અને જીપીએસ ટ્રેકિંગને ફરજિયાત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
એક વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર રાજ્ય પરિવહન વિભાગ ટૂંક સમયમાં તમામ પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ)ને તમામ જૂની અને નવી ટેક્સીઓ, બસો અને જાહેર પરિવહન વાહનોમાં પેનિક બટન અને જીપીએસ ટ્રેકિંગ ઉપકરણો લગાવવા આદેશ કરનારી છે. તમામ આરટીઓ સુનિશ્ચિત કરશે કે લિસ્ટેડ પેસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનો પાસે પેનિક બટન અને જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ન હોય તો તેનું ઝડપી ઇન્સ્ટોલેશન થાય. ઘોષિત કટ-ઓફ તારીખથી ઓટોમોબાઇલ ડીલરોએ પેનિક બટનો અને જીપીએસ ટ્રેકિંગ ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા પછી જ વાહનોની ડિલિવરી સુનિશ્ચિત કરવી પડશે.
મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ અને પરિવહન વિભાગ એક નવું કેન્દ્રીયકૃત નિયંત્રણ કેન્દ્ર વિકસાવશે જે વાહનોના સ્થાનોને રેકોર્ડ કરશે. સૂત્રોએ ઉમેર્યું છે કે, સરકારનું લક્ષ્ય છે કે જોખમના સમયે પોલીસ ફક્ત દસ મિનિટમાં સ્થળ પર પહોંચી જાય અને જો વાહન આગળ વધી રહ્યું હોય તો તેને સતત ટ્રેક કરવામાં આવશે અને સ્થાનિક પોલીસને તેને શોધવા માટે આદેશ આપવામાં આવશે.
ટેક્સી અને બસો જેવા સાર્વજનિક પરિવહન વાહનોને 1 એપ્રિલ 2018 થી જીપીએસ ઉપકરણોથી સજ્જ કરવાના હતા. આ ઉપકરણો ઉત્પાદક, ડીલર અથવા ઓપરેટરો દ્વારા ફીટ કરવાના હતા.
બંધ વાહનોમાં મુસાફરો વધુ અસુરક્ષિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય પરિવહન વિભાગ જાહેર પરિવહન વાહનોને ટ્રેક કરવા માટે એક સિસ્ટમ મૂકવા માટે જવાબદાર છે. જ્યારે કોઈ મુસાફર પેનિક બટન દબાવશે ત્યારે પરિવહન વિભાગ અને પોલીસ કંટ્રોલ રૂમ બંનેને ઝડપી કાર્યવાહી માટે એલર્ટ કરવામાં આવશે.