પ્રચાર-પડઘમ શાંત થયા બાદ મતદારોને પોતાની તરફ આકર્ષવા હવે રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ ગુપ્ત બેઠકોનો દૌર શરૂ કર્યો: કાલે છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફ ખેંચવા પ્રયાસો ચાલુ રહેશે

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે ગઈકાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. મતદાન પૂર્વેની રાત્રીની કતલની રાત ગણવામાં આવતી હોય છે. જેમાં રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો મતદારોને મનાવવા માટે રીતસર એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. લોકસંપર્ક અને પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ હવે ગુપ્ત બેઠકોનો ધમધમાટ જામી રહ્યો છે. જેમાં આવતીકાલ સાંજ સુધી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવશે. હરીફોના પરંપરાગત મત તોડવા માટે મતદારોને યાત્રા પ્રવાસે પણ મોકલી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચારના ભૂંગળા શાંત કરી દેવાના હોય છે. આવામાં ગઈકાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. હવે રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ સોસાયટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ગરીબ વિસ્તારોમાં મતદારોને પૈસા આપી પોતાની તરફ ખેંચી લેવાના પણ પ્રયાસો થઈ રહ્યાં છે. સામાન્ય રીતે મતદાન પૂર્વેની જે રાત હોય તેને રાજકીય આકાઓ કતલની રાત ગણાવતા હોય છે અને આ રાત્રી દરમિયાન શક્ય તેટલા મતદારોને શામ, દામ, દંડ કે ભેદની નીતિ અખત્યાર કરી પોતાની તરફ આકર્ષી લેવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારજીતનું અંતર ખુબજ નજીવું હોય છે. આવામાં ૫૦ કે ૧૦૦ મતદારો પણ આમ તેમ થાય તો તેની અસર પરિણામો પણ પડી શકે છે. આવામાં દરેક રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર પોતાના કમીટેડ મનાતા મતદારોને જાળવી રાખવા માટે સતત સક્રિય રહેતા હોય છે. ક્યાં વિસ્તારમાં કેવો માહોલ છે અને આ માહોલ પોતાની તરફ કેવી રીતે કરી શકાય તેના પ્રયાસો કતલની રાત દરમિયાન કરવામાં આવતા હોય છે. ગઈકાલે સાંજે પ્રચારના ભુંગળા શાંત થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ગુપ્ત બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં જે વોર્ડમાં સૌથી વધુ વસ્તી ધરાવતા હોય તેવા જ્ઞાતિના આગેવાનો અને મોભીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. જે વિસ્તાર ગરીબ છે અને ત્યાં પૈસા વેરી મતદારોને પોતાની તરફ ખેંચી શકાય છે ત્યાં દામનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અમુક પરંપરાગત મતો મળે તેમ ન હોય તેવામાં હરીફોના મતો તોડવા આવા પરંપરાગત મતદારોને જાણી જોઈને મતદાનના દિવસે યાત્રામાં મોકલી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.