ગામે ગામ ઘ્વજવંદનના ગૌરવપૂર્ણ કાર્યક્રમો: શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, સામાજિક સંસ્થાઓમાં રોશનીના ઝળહળાં: વિદ્યાર્થીઓની રાજમાર્ગ પર રેલી અને પારંપરિક વેશભુષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજકીય નેતાઓ, સમાજશ્રેષ્ઠી સહિતનાઓ આપશે તિરંગાને સલામી: પૂર્વ સંઘ્યાએ અનેક જગ્યાએ દેશભકિત ગીત-સંગીતના આયોજનો
૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી દર વર્ષે આ દિવસને પ્રજાસતાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાતાક દિનની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવે છે. આ સાથે સ્કુલ-કોલેજો, સરકારી કચેરીઓ, સામાજિક સંસ્થાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઘ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રનું ગૌરવસમાં આ પર્વ પૂર્વ સંઘ્યાએ પણ ઘણી જગ્યાએ દેશભકિત ગીતોનો કાર્યક્રમ યોજાઈ છે.
પ્રજાસતાક પર્વની ઉજવણી સૌરાષ્ટ્રભરમાં ગૌરવભેર થશે. રાજકોટ, મોરબી, વાંકાનેર, જુનાગઢ, જેતપુર, પોરબંદર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, વેરાવળ સહિતના શહેરોમાં પારંપરિક વેશભુષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને તિરંગાને સલામી આપવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાની શાળા-કોલેજોમાં શાનથી ઉજવણી થનાર છે. પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ શાળા-કોલેજો, સરકારી કચેરીઓ તેમજ ઘણી સામાજિક સંસ્થાઓમાં રોશનીના ઝળહળાં કરવામાં આવ્યા છે તો આવતીકાલે વહેલી સવારે વિદ્યાર્થીઓની રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી દેશભકિત રેલાવશે. આ સાથે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા ગુંજી ઉઠશે.આ વર્ષે શહેરના ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં જિલ્લા કલેકટર દ્વારા તિરંગાને સલામી આપવામાં આવશે તો શહેર ભાજપ દ્વારા મહાત્મા મંદિરે ઘ્વજવંદન કરવામાં આવનાર છે. દેશના ગૌરવસમા આ પર્વમાં જોડાઈ તિરંગાને સલામી આપવી દરેક નાગરિકની ફરજ બને છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં દિલ્હીના રાજપથ પર પરેડ તેમજ સંસદ ભવન ખાતે દેશના રાષ્ટ્રઘ્વજને આન-બાન-શાનથી સલામી અપાશે. દરેક જગ્યાએ ઘ્વજવંદનના કાર્યક્રમની સાથો સાથ પ્રાસંગિક પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલી સહિતના આયોજનો થનાર છે. શહેરમાં રાષ્ટ્ર ગૌરવ સમિતિ દ્વારા સતત બીજા વર્ષે ગૌરવયાત્રા રાજમાર્ગ પર ફરશે. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાનાર છે. આ રીતે દેશનું ભવિષ્ય એવા બાળકોમાં સતત દેશ પ્રત્યે લાગણી, ભાવના જન્મે તે પ્રકારના સુંદર આયોજનો થનાર છે.
૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્વરમાં હિલોળા લેતું હોય છે. પરંતુ ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્દુઓની મરણચીસો કોઈને યાદ નથી આવતી ત્યારે આજની પેઢીને આપણા રાષ્ટ્રની અખંડતા અને એકાત્મકતાની ખબર આપવાની તાતી જરૂરીયાત છે.