અગાઉ સોફ્ટવેર કૌભાંડમાં વેપારીઓને ક્લીનચીટ આપતો રિપોર્ટ અગ્રાહ્ય રખાયા બાદ હવે પુરવઠા અધિકારીની તપાસ કેવી હશે તેના ઉપર સૌની નજર
અબતક, રાજકોટ : ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલા 25 વેપારીઓનું કાલે હિયરિંગ રાખવામાં આવ્યું છે. અગાઉ સોફ્ટવેર કૌભાંડમાં વેપારીઓને ક્લીનચીટ આપતો રિપોર્ટ અગ્રાહ્ય રખાયા બાદ હવે પુરવઠા અધિકારીની તપાસ કેવી હશે તેના ઉપર સૌની નજર મંડરાયેલી છે.
સરકારી કામકાજ સબબ આધારકાર્ડ સહિતના પુરાવાઓ જોડનારના દસ્તાવેજનો દુરુપયોગ કરી બોગસ રેશનકાર્ડ બનાવી ખોટી ફિંગર પ્રિન્ટના આધારે સસ્તા અનાજની દુકાનોમાંથી લાખો રૂપિયાનું અનાજ બારોબાર કાળાબજારમાં ધકેલી દઈને કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ તપાસ દરમિયાન બહાર આવતા પુરવઠા વિભાગે શહેર અને જીલ્લાની સસ્તા અનાજની 25 દુકાનના પરવાના 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણા સમયથી આ કૌભાંડની યોગ્ય તપાસ પણ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અંતે નવા પૂરવઠા અધિકારીએ ચાર્જ સંભાળતા જ આ 25 દુકાનદારોનું આવતીકાલે હિયરિંગ કરવાનું જાહેર કર્યું હતું. જો કે અગાઉ આ નવા પુરવઠા અધિકારીએ સોફ્ટવેર કૌભાંડમાં વેપારીઓને ક્લીનચીટ આપતો રિપોર્ટ અગ્રાહ્ય રાખ્યો હતો અને ફેરતપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ હવે પુરવઠા અધિકારીની તપાસ કેવી હશે તેના ઉપર સૌની નજર રહેલી છે.