રાઈડ્સ માટેના વિવિધ ૪૪ પ્લોટ માટે ૧.૨૫ લાખથી ૨.૬૦ લાખની નવી અપસેટ પ્રાઈઝ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગોરસ જન્માષ્ટમી લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટમાં ધંધાર્થીઓની સિન્ડિકેટ તોડવા તંત્ર દ્વારા અપસેટ પ્રાઇસ ઉંચી કરી નાખવામાં આવ્યા બાદ આવતીકાલે આ તમામ પ્લોટની જાહેર હરરાજી કરવામાં આવશે.
લોકમેળા સમિતિના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તા. ૧ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ગોરસ જન્માષ્ટમી લોકમેળામાં અગાઉ રમકડાં, ખાણીપીણી, સહિતની કેટેગરીમાં ડ્રો અને હરરાજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ રાઈડ્સ માટે જુદી – જુદી કેટેગરીમાં હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ધંધાર્થીઓ દ્વારા સિન્ડિકેટ કરી લેવાતા તંત્રને ધાર્યા ભાવ ઉપજતા ન હતા.
દરમિયાન જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ મામલાનો હલ લાવવા લોકમેળા સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેકટર રાજકોટને અપસેટ પ્રાઈઝ વધારી નવેસરથી હરરાજી પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો હતો, જેને પગલે લોકમેળા સમિતિ દ્વારા યાંત્રિક કેટગરીની અપસેટ પ્રાઇસ ૧.૨૫ લાખથી લઈ રૂ.૨.૬૦ લાખ કરી નાખવામાં આવી છે.
વધુમાં આવતીકાલે આ તમામ યાંત્રિક કેટેગરીના ૪૪ પ્લોટ માટે જાહેર હરરાજી જૂની કલેકટર કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યે યોજવામાં આવી છે જેમાં ઇ – કેટેગરીના ૧.૬૦ લાખ, એફ-કેટેગરીમાં રૂ. ૧.૨૫ લાખ, જી- કેટેગરીમાં ૨.૪૫ લાખ રૂપિયા અને એચ – કેટેગરીમાં યાંત્રિક પ્લોટની અપસેટ પ્રાઈઝ ૨.૬૦ લાખ રાખવામાં આવી છે.
આમ, આવતીકાલે યોજાનાર હરરાજીમાં અપસેટ પ્રાઈઝ ઉંચી કરી દેવામાં આવી છે ત્યારે યાંત્રિક પ્લોટ માટે ફોર્મ ભરનાર ૧૩૬ આસામીઓ હરરાજીમાં કેવા ભાવની બોલી બોલે છે તે જોવું રહ્યું.