સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ કરશે: ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, દેવાયત ખવડ, પૃથ્વીરાજસિંહ ઝાલા અને મીનાબા જાડેજા સહિતનાં કલાકારો બોલાવશે રમઝટ
સ્વાભિમાન સંગઠન દ્વારા કાલે સાંજે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરાની વિશેષતા એ હશે કે તેનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરાશે. ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, દેવાયત ખવડ, પૃથ્વીરાજસિંહ ઝાલા અને મીનાબા જાડેજા સહિતનાં કલાકારો રમઝટ બોલાવશે. આ અંગે વિસ્તૃત વિગતો આપવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજપુતાણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વાભિમાન સંગઠન નામની સંસ્થા સંસ્કૃતિ સંરક્ષણની પહેલ છે. આ સંગઠન ફકત યુવા ક્ષત્રિયાણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આજના સમયમાં વધતા જતાં પાશ્વાત્ય સંસ્કૃતિનાં આંધળા અનુકરણને ડામવા માટે દીકરીબાઓએ પોતાના યુવાન ખભા પર આ ઝુંબેશ લઈ લીધી છે. પોતાના આ આશયને સાર્થક કરવા માટે દીકરીબાઓ સંસ્કૃતિ પુનરોદ્ધાર નામથી તા.૪નાં રોજ એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવા જઈ રહી છે.
આ કાર્યક્રમનો મુખ્ય આશય વિસરાઈ ગયેલી અમુક સાંસ્કૃતિક બાબતોને ફરી સંભાળી યુવા રાજપુતોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા માટેનો છે. એ સાથે સ્ત્રી સશકિતકરણ નહીં પણ ખરેખર સ્ત્રી જાગૃતિકરણ દ્વારા સમાજની સ્ત્રીઓમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા માટે પણ આ સંગઠન કામ કરશે.
ડાયરામાં એકઠી થતી રકમ ક્ષત્રિય સમાજના દીકરીબાઓના શિક્ષણ પાછળ તેમજ વિધવા માતાઓ અને તેમના પરિવારોને આત્મનિર્ભર કરવા માટે વાપરવામાં આવશે. આ ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, દેવાયતભાઈ ખવડ, મીનાબા જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ રાણા જેવા કલાકારો ઉપસ્થિત રહેશે. તેમજ આ ડાયરો પારીજાત પાર્ટી પ્લોટ, શિતલ પાર્ક ચોક, રામાપીર ચોકડી પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેના આયોજકો મહેશ્વડેજા (પડાણા), પ્રિયાબા રાઠોડ (કનોજ), ઉર્વશીબા રાણા (વનાળા) તથા દિવ્યાબા ઝાલા (સમલા) છે. આ કાર્યક્રમના સંચાલક કિન્નરીબા જાડેજા છે.