રાજકોટના દવાના વેપારીઓ વિવિધ માંગણીઓ સાથે રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પાઠવશે
સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનની નોંધણી સભ્ય સંખ્યા ૪૫૦૦ છે. જેમાં કુલ છ ઝોન મળીને ગુજરાત ફેડરેશનની કુલ નોંધાયેલી સભ્ય સંખ્યા ૨૪૦૦૦ થાય છે. તે જ રીતે સમગ્ર ભારતમાં સભ્ય સંખ્યા ૮.૫ લાખ થાય છે અને તેમના પરિવારોને મળીને ૬૦ થી ૭૦ લાખ વ્યક્તિઓના રોજગાર અને ભરણપોષણ પર પણ સીધી અસર થતી હોવાથી સંસ્થાઓને સાથે લઈ કેન્દ્ર સરકારને ઓનલાઈન દવાના વેંચાણ અનુસંધાને તબકકાવાર રજૂઆત કરવામાં આવી હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટની યાદીમાં જણાવાયું છે.
ઓનલાઈન દવાના વેંચાણને લઈ આવતીકાલે દેશભરના કેમિસ્ટો હલ્લાબોલ મચાવવાના છે. રાજકોટના દવાના વેપારીઓ વિવિધ માંગણીઓ સાથે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને કલેકટરને આવેદન પાઠવવાના છે. સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનની માંગણીઓમાં સૌપ્રથમ ગેરકાયદેસર ઓનલાઈન વેંચાણ ઉપર તાત્કાલીક પગલા, દવાના ઓનલાઈન ગેરકાયદેસર બિઝનેસમાં નાર્કોટીસ્ટ અને સાઈકો ટ્રોપીકસ કન્ટેનર અને હેબીટ ફોર્મીંગ ડ્રગ્સના ઓનલાઈના વેંચાણમાં ઘણો ખરો ખતરો રહેલો છે. જેને લઈને અવિશ્વસનીયતા ઉભી થયેલ છે.
ત્યારબાદ બીજી માંગણીમાં સમાન મંચ અને સમાન તક તેમજ વેપારીઓની જેમ જ ઓનલાઈન વેપારમાં કાયદાની મર્યાદામાં બંધાયને ડ્રગ્સ એકસ મુજબ પ્રિસ્ક્રીપ્શન તથા ફાર્માસીસ્ટની હાજરીનું પાલન પણ જરૂરી છે. ત્રીજી માંગણીમાં વેપારી વિરોધી ભેદભાવભરી નિતીમાં બદલાવ તેમજ દવાના ભાવ સરકારની એનપીએ ખાતુ નકકી કરે. ઓનલાઈન કંપનીઓ પડતરથી નીચા ભાવે વેંચાણ કરે તેનો સીધો અર્થ દવાની ગુણવત્તાની બાબતનો આવે છે. જુદી જુદી બ્રાન્ડેડ દવાની એમઆરપી મુજબ ડોકટર જે બ્રાન્ડ લખે તે જ આપવાની રહે છે. ઓનલાઈન વેંચાણમાં દવાઓ મનફાવે તેમ બદલી નાખવામાં આવે છે. આ તમામ માંગણીઓને લઈને આવતીકાલે દેશભરના કેમિસ્ટો હલ્લાબોલ મચાવવાના છે અને રાજકોટના દવાના વેપારીઓ વિવિધ માંગણીઓ સાથે સવારે ૧૨:૧૫ કલાકે મોટી ટાંકી ચોક ખાતે એકઠા થઈને રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવશે.