હેમુગઢવી હોલમાં ડો.આર.ડી.ગાર્ડી એજયુકેશનલ કેમ્પસ દ્વારા આયોજન
રાજકોટની ભાગોળે ન્યારા સ્થિત ડો.આર.ડી.ગાર્ડી એજયુકેશનલ કેમ્પસ દ્વારા કાલે હેમુગઢવી હોલમાં મોટીવેશનલ સ્પીકર સંજય રાવલનું ઉજજવળ કારકિર્દી અને વ્યકિતત્વ વિકાસ ઉપર પ્રવચન રાખવામાં આવ્યું છે. આ પ્રવચન સવારે ૧૦ થી ૧ દરમિયાન યોજાશે.
ધો.૧૦-૧૨ પછીનો તબકકો એ ભણતરનો પાયો છે જો પાયો મજબુત હશે તો વિદ્યાર્થીની કારકિર્દીની ઈમારત આકાશને આંબશે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને ચિંતિત હોય છે કે ધો.૧૦-૧૨ પછી કયા કોર્સમાં એડમીશન લેવું ? કયારે લેવું ? ફીસ કેટલી હશે ? સમયગાળો કેટલો રહેશે ? ભાવી ઘડતરની તકો કેવી છે ? કોર્સનું મહત્વ કેટલું છે ? દરેક વાલી ઈચ્છે કે એમનો નિર્ણય બાળકના ભાવિ માટે યોગ્ય પુરવાર થાય.
વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર અને આઈ.ટી.કોર્સ, ફોરેન એજયુકેશન, મેડિકલ, કરિકુલર એકિટવીટીઝ, પ્રાયમરી એન્ડ સેકન્ડલ, એનીમેશન એન્ડ મલ્ટી મીડિયા, ડિપ્લોમાં અને ઘણા બધા કારકિર્દીલક્ષી અભ્યાસક્રમો અંગે ઘણી દ્વિઘા અનુભવતા હોય છે. આ પ્રવચન દરમિયાન સંજય રાવલ આ મુંઝવણનો ઉકેલ જણાવશે એટલું જ નહીં વ્યકિતત્વનો વિકાસ કેવી રીતે થાય તેની ઉપયોગી ટિપ્સ આપશે. આ કાર્યક્રમ આમંત્રિતો માટે હોવાનું કેમ્પસના ડાયરેકટર ડો.દિનેશ ચોવટીયાએ જણાવ્યું છે.