- એ કાયપો છે…ના ગગન ભેદી નાદથી અગાસી સતત ગુંજતી રહેશે…
- ઉંધીયુ, પુરી, ચીકી, શેરડી, જીંજરાની જામશે જયાફત: અગાસીઓ પર પતંગ યુધ્ધ ખેલાશે: દાન પૂણ્ય કરી લોકો પૂણ્યના ભાથા બાંધશે: કાલથી કમુરતા ઉતરતાની સાથે જ ફરી લગ્નસરાની સિઝન ખૂલશે
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે પતંગોનાં મહાપર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે આકાશમાં રંગ બે રંગી પતંગોનું ઈન્દ્રધનુષ રચાશે દાન-પૂણ્ય કરી લોકો પૂણ્યના ભાથા બાંધશે કાલથી ધનારક કમુરતા ઉતરી જતા ફરી લગ્નસરાની સિઝન ખૂલશે કાલે પવનની ગતી પણ સરી રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય પતંગ રસીકોને મોજડી પડે છે.
ગુજરાતમાં વર્ષ દરમિયાન ચાર તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. જેમાં ઉતરાયણ, હોળી-ધુળેટી, સાતમ-આઠમ અને દિવાળીનો સમાવેશ થાય છે. પતંગના માપર્વએ ગુજરાતને એક અલગ જ ઓળખ અપાવી છે. આવતીકાલે આખો દિવસ લોકો અગાસી પર ધામા નાખશે. એ કાપ્યો છે લપેટ, જેવા ગગન ચુંબી નાદથી અગાસી સતત ગુંજતી રહેશે. અગાસી પર મ્યુઝીક સિસ્ટમ સાથે દિનભર સંગીતની પણ મોજ માણશે. રાજયના અમદાવાદ સહિતના શહેરોમાં ઉતરાયણ બાદ બીજા દિવસે વાસી ઉતરાયણની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે.
લોકો ઉંધીયુ, પુરી, જલેબી, ચીકી, જીંજરા અને શેરડીની જયાફત ઉઠાવશે અમુક મોટી સોસાયટીઓ સવારે નાસ્તાથી માંડી રાત્રી ભોજન સુધીના સામુહિક આયોજનો કરવામાં આવતા હોય છે. ગુજરાતીઓ એક પણ તહેવારની ઉજવણી કરવામાં પાછીપાની કરતા નથી ઉતરાયણના દિવસે દાન પૂણ્ય કરવાનું ખૂબજ મહાત્મ્ય હોય છે. કાલે લોકો ઉદાર હાથે દાન કરી પૂણ્યનું ભાથુ બાંધશે એક જ દિવસમાં ત્રણ-ત્રણ તહેવારોની ઉજવણી થશે આખો દિવસ પતંગ ઉડાડયા બાદ સૂર્યાસ્ત બાદ લોકો અગાસી પર જ ગરબે ધૂમી મોજ માણશે ત્યારબાદ ફટાકડા પણ ફોડશે.
આવતીકાલે મંગળવારે સવારે 8.54 કલાકે સૂર્યગ્રહનો ધનરાશીમાંથી
મકરરાશીમાં પ્રવેશ થતાની સાથે જ છેલ્લા એક મહિનાથી ચાલતા ધનારક કમુરતા ઉતરી જશે અને ફરી લગ્નસરાની સીઝનમાં શરણાઈઓનાં સૂર ગુંજી ઉઠશે. આ વર્ષ સંક્રાંતનું વાહન વાઘ જયારે ઉપવાહન અશ્ર્વ છે.
આવતીકાલે રાશી મુજબ અમૂક ચીજ વસ્તુનું દાન કરવામાં આવે તો તેનું સવિશેષ ફળ મળે છે. કાલે મેષ,સિંહ અને ધનરાશી ધરાવતા લોકોએ કાળા તલ, કાળુ અથવા બ્લ્યુ કાપડ અને સ્ટીલના વાસણનું દાન કરવું. વૃષભ, તુલા અને મકર રાશી ધરાવતા લોકોએ ઘઉં, ગોળ, લાલતલ, લાલ કાપડ અને તાંબાના વાસણનું દાન કરવું. મિથુન, વૃશ્ર્ચિક અને મીન રાશીના લોકોએ ઘી, ખાંડ, સફેદ તલ, ચોખા અને સફેદ ચણાનું દાન કરવું. જયારે કર્ક રાશી ધરાવતા લોકોએ ચણાની દાળ, પીળુક કાપડ અને પીતળના વાસણનું દાન કરવું, આવતીકાલે મકર સંક્રાંતિએ દાન આપવાનો શ્રેષ્ઠ સમય સવારે 8.54 કલાકથી સાંજે 6.23 કલાક સુધીનો છે.
આવતીકાલે પવનની ગતી પણ પ્રમાણમાં સારી રહેશે એટલે પતંગ ચગાવવા માટે પતંગવીરોએ વધુ મહેનત નહી કરવી પડે