શહેરના ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ હજ્જારો મહિલાઓ દ્વારા મેગા સફાઈ અભિયાનનું આયોજન
શહેરના બહેનોને મેગા સફાઈ અભિયાનમાં સામેલ થવા મેયર બિનાબેન આચાર્ય તથા અંજલીબેન રૂપાણીની અપીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતી કાલે સવારે ૧૦:૦૦ વાગ્યે સમગ્ર રાજકોટ શહેરને આવરી લેતું એક સઘન સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહેશે કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવનાર છે. આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવશે. જે તે વોર્ડની વોર્ડ ઓફીસની આજુબાજુના એરિયામાં યોજાનાર આ અભિયાનમાં સામેલ થવા માન. મેયર બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ શહેરના બહેનોને અપીલ કરી છે.
આ અભિયાનમાં રઘુવંશી મહિલા મંડળ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ કેમ્પસ, દીક્ષિતબેન મહિલા મંડળ, સદગુરુ લોહાણા મહિલા મંડળ, પોલીસ મહિલા મંડળ, મોડલ સ્કુલ, સેવિકા મહિલા સમિતિ, રઘુવંશી સહિયર ગ્રુપ, બ્રમ્હ્કુમારીઝ ગાયકવાડી સેન્ટર, ન્યુ જાગનાથ બ્રમ્હ્કુમારીઝ સેન્ટર, લોહાણા મહિલા મંડળ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, મહિલા મોરચા, કરણપરા મહિલા મંડળ, પંચશીલ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ખોડલધામ, પતંજલિ યોગ સમિતિ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ઝાલાવાડી મહિલા મંડળ, કેવડાવાડી અને બ્રમ્હાકુમારીઝ સેન્ટર, વિરાણી બહેરા મૂંગા સ્કુલ, મૈત્રી મહિલા મંડળ, પતંજલિ મહિલા ગ્રુપ, મહિલા મિલન ક્લબ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, લાયન્સ ક્લબ, સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ, કણસાગરા મહિલા કોલેજ, આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમિયા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કોર્પોરેશન સ્કુલ એન્ડ બોર્ડ, અવધપુરી બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ભોજલરામ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, લુહાર જ્ઞાતિ મહિલા મંડળ તેમજ બ્રમ્હાકુમારીઝ સેન્ટર ન્યુ ગોપવંદના કોઠારીયા સંસ્થાઓ ભાગ લેશે.
આ ઉપરાંત શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે, કલેકટર ઓફીસ, બહુમાળી ભવન, પીજીવીસીએલ, પોલીસ કમિશનર કચેરી વિગેરેના મહિલા કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાઈ તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
૧૮ વોર્ડના ૫૪ સ્થળોએ હાથ ધરવામાં આવનાર આ અભિયાનમાં ભાગ લેનાર બહેનો સ્વચ્છતા સંકલ્પ પણ લેશે
માન. મેયર બિનાબેન આચાર્યે એમ કહ્યું હતું કે, આપણા ઘર સ્વચ્છ અને સુંદર રાખવામાં બહેનોની જ મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે જો બહેનો ધારે તો સમગ્ર શહેર પણ સ્વચ્છ અને સુઘડ રાખવામાં અને તે માટેની જનજાગૃતિ કેળવવામાં પણ મહત્વનો ભાગ બજવી શકે એમ છે. થોડા સમય પૂર્વે જ દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની નંબર વન કેમ ણા બની શકે? તેમની આ ટકોર બાદ રાજકોટ શહેરે સ્વચ્છતા ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી છે અને અત્યારે આપણે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયા છીએ ત્યારે હવે રાજકોટને નંબર વન બનવા આડે માત્ર એક જ કદમની દુરી છે. આપણે એવું કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે, જ્યાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મી અને પ્રભુનો વાસ. રાજકોટમાં કાયમ માટે લક્ષ્મીજી અને પ્રભુનો વાસ બની રહે તે માટે સૌ બહેનો સમગ્ર રાજકોટ શહેરને વધુ ને વધુ જાગૃત કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. મારૂ એવું સ્પષ્ટ માનવું છે કે, જો બહેનો એક વખત ધારે તો ધાર્યા પરિણામો હાંસલ કરીને જ ઝંપે છે. હવે રાજકોટ શહેરનો લક્ષ્યાંક દેશમાં નંબર વન બનવાનો છે અને બહેનો સમગ્ર રાજકોટને આ મેગા અભિયાનમાં જોડીને એ લક્ષ્યાંક હાંસલ કરશે એવી મને શ્રધ્ધા છે.
તા,૮-૧-૨૦૨૦ના રોજ તમામ વોર્ડમાં સઘન સફાઈ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં ત્રણથી ચાર સ્થળે આ અભિયાન હેઠળ સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવશે. બહેનો ચા-પાનની દુકાને જઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા આગ્રહ કરશે અને લોકોને સમજાવશે. તેમજ શહેરના જે તે વોર્ડના હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને આ મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા જેહમત ઉઠાવી રહ્યા છે.