હેમુ ગઢવી હોલ ખાતે ગાંધીનગરનાં અધિકારીઓ આપશે તાલીમ ૭૫૦થી વધુ સસ્તા અનાજના દુકાનધારકો રહેશે ઉપસ્થિત
રાજકોટ જીલ્લા પૂરવઠા વિભાગ દ્વારા આવતીકાલે હેમુગઢવી હોલ ખાતે સસ્તા અનાજના દુકાનદારો માટે ઓનલાઈન પરમીટ કાઢવા અંગેના તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગાંધીનગરથી આવેલા અધિકારીઓ દ્વારા સસ્તા અનાજના દુકાનધારકોને પ્રેકટીકલ નોલેજ આપવામાં આવશે.
રાજય સરકાર દ્વારા સસ્તા અનાજનાં દુકાનધારકો ઓનલાઈન પરમીટ કાઢી શકે તેવી મહત્વની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે દુકાનદારોને ઓનલાઈન પરમીટ કાઢવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની જાણકારી મળી રહે તેવા આશયથી અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગ ગાંધીનગરની સુચનાથી રાજકોટ જીલ્લા પૂરવઠા વિભાગ દ્વારા આવતીકાલે હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ કલાકે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગરના અધિકારીઓ ગૌતમ પ્રજાપતિ, દવે અને સુમીબેન કાપડીયા દ્વારા સસ્તા અનાજના દુકાનધારકોને ઓનલાઈન પરમીટ કાઢવા અંગેની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ૭૫૦ થી વધુ સસ્તા અનાજના દુકાનધારકો ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવશે.