સારે જર્હાં સે અચ્છા હિન્દુસ્તા હમારા
74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે ઉ5સ્થિત: રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી કરશે ધ્વજવંદન: ગણતંત્ર દિનની ઉજવણી, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ
દેશભરમાં આવતીકાલે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યકક્ષાના ગણતંત્રની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉ5સ્થિત રહેશે. ગાંધીનગર ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી ધોરાજી ખાતે કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
રાજ્ય સરકારના મંત્રી મંડળના 16 સભ્યો અલગ-અલગ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં થશે. જ્યારે 15 જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દરમિયાન 26મી જાન્યુઆરીના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવતા આ દિવસની પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
આવતીકાલે દેશ 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ધ્વજવંદન કરશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. દિલ્હી ખાતે પરેડ યોજાશે. જેમાં 23 રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લો રજૂ કરવામાં આવશે. ગુજરાતના ટેબ્લો મોઢેરા અને કચ્છની ઝાંખી કરાવશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાસત્તાક અને સ્વતંત્રતા પર્વની ઉજવણી રાજધાની ગાંધીનગર ખાતે કરવાના બદલે અલગ-અલગ શહેરોમાં કરવામાં આવી રહી છે. આવતીકાલે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવશે. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી પરેડમાં પણ ભાગ લેશે. રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવા માટે પ્રજાજનોમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિવિધ સેવાકીય સંસ્થા, સામાજીક સંસ્થા, શાળા, કોલેજો, સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન અને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે રાત્રે રેસકોર્સ સ્થિત રમેશ પારેખ ઓપન એર થિયેટર ખાતે બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર દર્શન રાવલની “સુનહરી સાંજ” (સંગીત સંધ્યા)નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજી ખાતે સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેનું રીહર્સલ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાયું હતું. કલેકટરએ રીહર્સલ દરમ્યાન પરેડ નિરીક્ષણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ જોડાયા હતા.
આ રીહર્સલમાં 26 જાન્યુઆરીએ રજૂ થનાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિની કૃતિઓ પણ રજૂ કરાઇ હતી. જેમાં ધોરાજી, જમનાવડ, સુપેડી, ભાયાવદર તેમજ રાજકોટના વિદ્યાર્થી ગ્રુપો દ્વારા કૃતિ રજૂ કરાઇ હતી. આ ઉપરાંત પરેડમાં રજૂ થનાર વિવિધ સરકારી યોજનાના ટેબ્લો પણ રજૂ થયા હતા, જેનું નિરીક્ષણ પણ મહાનુભાવોએ કર્યું હતું.