એસ.ટીના ડ્રાઈવર, કન્ડકટર, વર્કશોપ સ્ટાફ સહિતનાઓ માસ સી.એલ પર ઉતરી જશે
એસટીના કામદારોને સાતમા પગારપંચનો લાભ, ૧૦૦૦ આશ્રિતોને નોકરી અને આંતર વિભાગીય બદલી સહિતના પડતર પ્રશ્નો ન ઉકેલાતા બે દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના એસ.ટીના કર્મચારીઓ બસ સ્ટેન્ડની બહાર પાથરણું પાથરી પડતર માંગણીઓ મુદે સુત્રોચાર અને ધરણા કર્યા હતા. હજુ આજે પણ ૧૨ થી ૪ દરમિયાન એસ.ટીના કર્મચારીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
હજુપણ માંગણી સંતોષવામાં નહિ આવે તો આવતીકાલ રાત્રીના ૧૨ વાગ્યાથી એસટીના ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સી.એલ. ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને આવતીકાલ રાત્રીના ૧૨ વાગ્યાથી એસ.ટીના પેડાં પણ થંભી જશે જેથી કરોડોનું નુકશાન જાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. ફેબ્રુઆરીથી રાજ્યના ૪૫૦૦૦ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી જવાના હતા પરંતુ યુનિયનના આગેવાનોને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ મનાવી લીધા અને થોડો સમય માંગ્યો હતો.
જોકે ત્યારબાદ પણ સરકારે હકારાત્મકતા ન દાખવતાં યુનિયને ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે. એસટીના કામદારોના પડતર પ્રશ્નો જેવા કે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો, ફિક્સ પગારના કર્મીઓને ધારાધોરણ મુજબ નાણાકીય લાભો અને સવલતો આપવી, વર્ષ ૨૦૧૧ પહેલા ૧૦૦૦ આશ્રિતો છે અને નિગમમાં પટ્ટાવાળા અને વોચમેનની ભરતી થતી નથી.
ત્યારે આવા આશ્રિતોને નોકરી અથવા આર્થિક પેકેજનો લાભ આપવો, વર્ગ – ૩ અને ૪ ના કર્મચારીઓની કોઈ પણ કારણવિના કરાયેલી આંતર વિભાગીય બદલીના હુકમ રદ કરવા, નિગમના માન્ય સંગઠનોમાં સુધારા – વધારાની કાર્યવાહી કરવામાં આવી છે તે રદ કરવી, ખાનગી વાહનો ભાડે લેવાની પધ્ધતિથી એસટી નિગમને દરરોજ કરોડોનું નુકશાન થાય છે.
જેથી આ પધ્ધતિ રદ કરવી. આ તમામ મુદ્દે એસટીના ૪૫૦૦૦ કર્મચારી આજથી ૨ દિવસ ધરણાં અને સૂત્રોચ્ચાર કરવાના છે. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીના રાત્રીના ૧૨ વાગ્યાથી એસટીના ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સી.એલ. ઉતરી જશે તેમ રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના પ્રમુખ ઇન્દુભા જાડેજા, એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલ અને એસ.ટી.મઝદૂર મહાજનના પ્રમુખ વી.આર.વાછાણીએ જણાવ્યુ હતું.