રાજકોટમાં ૨૯મીએ હાર્દિક પટેલની વિશાળ ક્રાંતિ રેલી: પાટીદાર સહિતના બિન અનામત વર્ગને ઓબીસી સમકક્ષ લાભ આપવા કોંગ્રેસે ફોર્મ્યુલા તૈયાર કરી છે: કોંગ્રેસ સત્તામાં આવશે તો બંધારણીય રીતે અનામત આપવા ખરડો પસાર કરશે: હાર્દિકની પત્રકાર પરિષદમાં જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલે આજે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પાટીદાર સહિતના બિન અનામત વર્ગને ઓબીસી સમકક્ષ લાભ આપવા માટે કોંગ્રેસે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. સાથો સાથ એવું પણ વચન આપ્યું છે કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે તો પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવા માટે ખરડો પસાર કરશે.હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજને અનામત આપવા માટે કોંગ્રેસ સાથે છેલ્લા ઘણા દિવસથી વાતચીત ચાલતી હતી. સમાજની માંગણીઓ સાથે કોંગ્રેસે સહમતી દર્શાવી છે અને બિન અનામત પંચ માટે ૨૦૦૦ કરોડની ફાળવણી કરવાની પણ કોંગ્રેસની તૈયારી છે. હાલની ૪૯ ટકા અનામતની ફોર્મ્યુલામાં કોઈ પણ ફેરફાર કર્યા વિના નવી અનામતની અમલવારી કરવામાં આવશે. કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત માટે ખાસ ખરડો પસાર કરશે. હાર્દિકે એ વાત પણ જણાવી હતી કે, અમે કોંગ્રેસના એજન્ટ કે સમર્થક નથી અને કોંગ્રેસ અમારી સગી પણ નથી પરંતુ તેને સમાજની વાત સાંભળી છે. ખોડલધામ અને ઉમિયા સંસ્થા દ્વારા જે ફોર્મ્યુલા નક્કી કરાશે તેને અમે સમર્થન આપીશું. કોંગ્રેસ પાસે કયારેય અમે ટિકિટની માંગણી કરી નથી અને પાસે ટિકિટ માટે પણ સોદા કર્યા નથી. યુવાનને રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે એક માત્ર અમારો ઉદ્દેશ છે. પાસની લડાઈ વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટેની છે અને પાસમાં કોઈ આંતરીક ડખ્ખા નથી, ભાજપ પાટીદારોના મતોને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે હું મતદારોને અપીલ કરું છું કે, તેઓ પોતાના અંતર આત્માનો અવાજ સાંભળી મતદાન કરે. આવનારા અઢી વર્ષ માટે હું કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. ભાજપ પણ અમારું દુષ્મન નથી પરંતુ અમારી લડાઈ અહંકારીઓ સામેની છે. અનામત માટે કોંગ્રેસે જે જે વચનો આપ્યા છે તે ગળે ઉતરે તેવા છે. વિધાનસભાની ચૂંટણી માટે આગામી ૨૯મીએ રાજકોટમાં વિશાળ ક્રાંતિ રેલી યોજાશે. જયારે ૧ થી ૩ ડિસેમ્બર સુધી સુરતમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે.હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, હું વેંચાતો માલ નથી અને ગુજરાતીઓ કયારેય મુર્ખ ન હોય. પાકો ગુજરાતી છું તે સાબીત કરવું પડશે, અમારી રેલીઓને રોકવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અનામતથી માત્ર પાટીદાર નહીં પણ અન્ય સમાજને પણ લાભ થશે. આવતીકાલે પાસની નવી કૌર કમીટી જાહેર કરવામાં આવશે અને પાસ તરફથી હવે માત્ર હું એક જ નિવેદન આપીશ પાસનું કોંગ્રેસને ખુલ્લુ સમર્થન નથી પરંતુ અમે ભાજપ સામે લડીએ છીએ તે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસને સમર્થન જ ગણાય. લલીત વસોયા પહેલેથી જ કોંગ્રેસના નેતા હોવાથી તેઓને ટિકિટ આપવામાં આવી છે અને તેમને ટિકિટ આપવા માટે કોંગ્રેસે પાસને વિશ્ર્વાસમાં લીધા નથી.
તારા જેવા હજાર જોઈ લીધા: ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ લાલઘુમ
હાર્દિક પટેલને જેટલા વર્ષો થયા તેનાથી વધુ સમયથી હું ધારાસભ્ય પદે છું: નીતિન પટેલ આક્રમકપાસના ક્ધવીનર હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેનો વળતો જવાબ આપવા માટે ડેપ્યુટી મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પણ એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને આક્રમક મુડમાં જણાવ્યું હતું કે, હાર્દિક જેવા હજારો લોકો મેં જોઈ લીધા છે. હાર્દિકને જેટલા વર્ષો થયા છે તેના કરતા વધુ સમયથી હું ધારાસભ્ય પદે છું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અનામત અંગે કપિલ સિબ્બલના નિવેદનથી હાર્દિક પટેલ ખુલ્લો પડી ગયો છે, પાસે અમા‚ સતત અપમાન કરાવ્યું તોય અમે તેઓના નેતાને જેલમાંથી છોડાવ્યા. દિનેશ બાંભણીયા સતત ભાંગરા વાટશે તેવું ભાન થતા હાર્દિકે તમામ સત્તા પોતાના હસ્તગત કરી લીધી છે. મારા શબ્દો ડાયરીમાં લખી રાખજો પાટીદાર સમાજ કયારેય તૂટવાનો નથી અને સદાય ભાજપની સાથે જ રહેવાનો છે.