ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુર નગરપાલિકા માટે યોજાશે ચૂંટણી
૭૫ નગરપાલિકાઓની ૨૦૯૯ બેઠકો માટે ૬૧૯૪ ઉમેદવારો વચ્ચે જંગ
સોમવારે મતગણતરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રણ માસ બાદ ફરી આવતીકાલે રાજયમાં સૌથી મોટી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ સહિત રાજયની ૭૫ નગરપાલિકાઓ માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાની વોર્ડ નં.૪માં ખાલી પડેલી એક બેઠક માટે પણ કાલે સવારથી મતદાન હાથ ધરવામાં આવશે. કાલે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. સોમવાર બપોર સુધીમાં તમામ નગરપાલિકાઓની ચૂંટણીના પરીણામો આવી જશે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને સેમિ ફાઈનલ જંગ માનવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, જસદણ નગરપાલિકા અને જેતપુર-નવાગઢ નગરપાલિકા સહિત રાજયની ૭૫ નગરપાલિકાઓ માટે આગામી શનિવારના રોજ મતદાન યોજાવાનું હોય. ચૂંટણીપંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચાર-પડખમ શાંત થઈ ગયા છે. ગઈકાલે ગુરુવારે સાંજે ૫:૦૦ કલાકે પ્રચારના ભૂંગળા શાંત થતાની સાથે જ ચૂંટણી લડતા ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે ગુપ્ત બેઠકોનો દૌર શ‚ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો નગરપાલિકામાં વિજયી વાવટો લહેરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
રાજયની ૭૫ નગરપાલિકાઓના ૫૨૯ વોર્ડની ૨૦૧૬ બેઠકો માટે કાલે મતદાન હાથ ધરાશે. જેમાં ૬૧૯૪ ઉમેદવારોનું રાજકીય ભાવી નકકી થશે. ચૂંટણીપંચ દ્વારા કુલ ૨૭૬૩ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૩૦ સંવેદનશીલ મતદાન મથકો છે. જયારે ૯૫ અતિસંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૧૫ હજારથી વધુ કોલીંગ સ્ટાફ રોકાયો છે. પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે કાલે ૧૯,૭૬,૦૦૦ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. આવતીકાલે સાંજે ૫:૦૦ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ સોમવારે સવારે ૮:૦૦ કલાકથી અલગ-અલગ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. સોમવારે બપોરે ૧૨ કલાક સુધીમાં મોટાભાગની પાલિકાઓના પરીણામો આવી જાય તેવી સંભાવના દેખાય રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરના અવસાન બાદ ખાલી પડેલી વોર્ડની એક બેઠક માટે મતદાન હાથ ધરવામાં આવશે. આ બેઠક પર કોઈપણ પક્ષ વિજેતા બને, સતાના સમીકરણોમાં કોઈ ફેરફાર થાય તેમ ન હોવાના કારણે આ પેટાચૂંટણી ખાસ મહત્વ રાખતી નથી છતાં આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસ અર્થાગ મહેનત કરી રહી છે તો બીજી તરફ મહાપાલિકામાં માત્ર ચાર બેઠકોની પાતળી બહુમતી સાથે શાસક ભોગવી રહેલી ભાજપ પણ પોતાની બહુમતી મજબુત કરવા માટે પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
૭૫ નગરપાલિકાઓની ચુંટણી પૂર્ણ થયા બાદ આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજયની ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે જેની મતગણતરી ૨૩મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.