આરટીઈ પ્રવેશ વંચિત અને પ્રવેશ અપાયેલ શાળાની સમસ્યાગ્રસ્ત વાલીઓને ન્યાય આપવા રણનીતિ
છેલ્લા ૭૫ દિવસ દરમિયાન સતત આંદોલન થયા, સતત અને સમયાંતરે ૧૧ આવેદનપત્રો રાજકોટ અને ગાંધીનગરની વિવિધ ઓથોરીટી, ડીઈઓથી મુખ્યમંત્રી અને કલેકટરથી રાજયપાલ તેમજ માનવ અધિકાર આયોગ અને બાળ સંરક્ષણ આયોગ સુધી રજુઆતો થઈ, આવેદનપત્ર અપાયા પણ એકપણ પ્રકારની સમસ્યાનો નિકાલ થતો નથી, આજે પણ રાજકોટ અને ગુજરાતના અનુક્રમે ૧૦૦૦ અને ૪૫૦૦ બાળકો પ્રવેશ ઓર્ડર મળવા છતાં પ્રવેશથી વંચિત છે, તેમજ વિવિધ કેટેગરીના ૩૨૦૦ અને ૧૮૦૦૦ બાળકો પ્રવેશ વંચિત છે.
સાથે જોડાયેલા વાલીઓની ન્યાયીક માંગની વિવિધ અરજીઓ ડીઈઓને ૩૦૦ અરજીઓ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે ૨૬૨ અરજીઓ અને કલેકટરને ૮૭ અરજીઓ આપેલ છે. તેમજ રજીસ્ટર મુજબ ૧૦૫૯ અને સમર્થન-સંમતી આપનારા વાલીઓ ૨૫૫, અર્થાત રાજકોટ મુકામે કુલ ૧૭૦૧ વાલીઓએ ન્યાય માટે આપ સમક્ષ દરખાસ્ત કરેલ છે તેવું ફલિત થાય છે. આ ઉપરાંત ૫૫૫ વાલીઓએ મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો અને તા.૧૪/૬ના રોજ ૧૦૧ તા.૧૭/૬ના રોજ ૬૩ અને તા.૨૨/૬ના રોજ ૧૦૧ વાલીઓની વ્યકિતગત અરજીઓ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુ કરી. ભાઈ વિજયભાઈ, ગુજરાતનું બજેટ ૧.૭૨ લાખ કરોડમાંથી ૨૧૦૦૦ બાળકો માટે વધારાની ૨૭.૩ કરોડ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી.
ભારત દેશના દરેક ૬ થી ૧૪ વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ મળવું જોઈએ એ તેનો બંધારણીય અધિકાર છે, જે આર્ટીકલ્સ ૨૧એ દર્શાવે છે. જે માટે ભારત સરકાર દ્વારા ૨૦૦૯ના વર્ષમાં આરટીઈ એકટ બનાવવામાં આવ્યો, તે મુજબ ભારતની દરેક ખાનગી પ્રાથમિક શાળાએ ઓછામાં ઓછા ૨૫% પ્રવેશ-વંચિત અને ગરીબ જુથના બાળકોને આપવો, એવું સેકશન ૧૨માં આલેખાયેલું છે. આ કાયદા મુજબ ગુજરાત સરકાર દ્વારા, જારી કરાયેલા ઠરાવ ક્રમાંક પી.આર.આઈ-૧૧૨૦૧૧-૧૪૯-ક તા.૧૮/૨/૨૦૧૧ પ્રમાણે દરેક શાળાએ પ્રવેશ આપવાનો થતો હતો પરંતુ ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ કાયદાનો મનધડત અર્થઘટન કરી, કાયદામાં દર્શાવેલ-ઓછામાં ઓછા ૨૫% પ્રવેશને શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨થી આપવાને બદલે, અર્થાત કાયદો લાગુ પડયાના ૪ વર્ષ બાદ શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે ૧૮,૩૦૦, શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ માટે ૩૦,૦૦૦ શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૪૬,૦૦૦ અને શૈક્ષણિક વર્ષ ૧૭-૧૮ માટે ૬૧,૦૦૦ બાળકોના પ્રવેશનો લક્ષ્યાંક જ રખાયો, જેને ગુજરાત શહેરના ૮ મહાનગર અને ૩૩ જીલ્લાઓ વચ્ચે વહેંચવામાં આવેલ છે. આ કાયદા મુજબ બાળકની ફીની રકમ અને ટ્રાન્સપોર્ટેશન, પાઠય-પુસ્તક,નોટબુકસ, ડ્રેસ અને બુટ માટે પણ રકમ સરકાર દ્વારા આપવાની થાય.
આરટીઈમાં પ્રવેશ મેળવવા બાબતે વાલીઓ સાથે ચર્ચા કરવા, રણનિતી ઘડવા તેમજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ વાલીઓને નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયીક દાદ માંગવા કરેલ કેસમાં સહારજદાર તરીકે જોડવા અને સાધનીક-કાગળીયા આધાર-પુરાવા એકઠા કરવા આવતીકાલે તા.૨૨/૭/૨૦૧૭ શનિવારના રોજ ઠકકરબાપા છાત્રાલય, ઈગલપેટ્રોલ પંપ સામે સાંજના ૪:૦૦ વાગ્યે વાલીઓની મિટીંગનું આયોજન જેમાં બહોળી સંખ્યામાં વાલીઓને હાજર રહેવા કાર્યકર્તાઓએ અનુરોધ કર્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઈ સરવૈયા, તનસુખભાઈ ગોહેલ, મનીષકુમાર ઓડેદરા, મનીષભાઈ સાગઠીયા, દિનેશભાઈ જેઠવા, મોહનભાઈ પરમાર, છગનભાઈ મેર, નરેશભાઈ પરમાર તેમજ આરટીઈ પ્રવેશ સમસ્યા ગ્રસ્ત વાલીઓ, એડ.વિજયભાઈ જોષી, રાજુભાઈ રામાવત, હિરેનભાઈ બાટવીયા, હિરેનભાઈ ગોહેલ, એડ.દિપકભાઈ કાપડીયા, પરેશભાઈ ગુર્જર, અશ્ર્વિનભાઈ કારડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.