રાજયની ૬૦૦ કોલેજમાં કાલે ફી માળખુ નકકી થશે, કમિટીનો નિર્ણય પરવડશે નહીં તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી
વર્તમાન સમયમાં ખાનગી શાળાઓમાં ફી મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ગજાગ્રહ ઉભો થયો છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે. રાજયમાં ખાનગી શાળામાં ફીનો મુદ્દો યથાવત છે ત્યારે ટેકનીકલ કોર્ષ માટે ફી નિર્ધારિત કરવા ફી રેગ્યુલેટર કમીટીએ તૈયારી દાખવી છે જે ૧૧ જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે ફી નકકી કરશે. જેમાં રાજયની લગભગ ૭૦ કોલેજોમાં ફી ઘટાડાની ફી નિયંત્રણ પેનલ જાહેરાત કરી શકે છે. તેમજ વધુમાં વધુ ૧૫% ફી વધારાની કોલેજોને છુટ આપી શકે છે.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭માં ઓગસ્ટ માસમાં ફી રેગ્યુલેટરી કમિટીએ પ્રોવિઝનલ ફી નકકી કરી હતી અને વિદ્યાર્થીઓ ટેકનિકલ કોર્ષ માટે કેટલી ફી ચુકવવા ઈચ્છે છે તે વિશે માહિતી માંગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોવિઝનલ ફી જાહેર કર્યા બાદ કમિટીએ તમામ કોલેજોને આ અંગે કોઈ આપતિ અને પ્રશ્ર્નો રજુ કરવા પણ કહ્યું હતું. જેમાંથી કુલ ૨૭૬ કોલેજો ફી રેગ્યુલેટરી કમિટીના આ નિર્ણયની વિરુઘ્ધ આપતીઓ રજુ કરી હતી અને સંશોધન કરવાની માંગ ઉચ્ચારી હતી.
કોલેજો દ્વારા ઉઠાવેલા આ પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે ફી રેગ્યુલેટરી કમિટીએ કોલેજો સાથે બેઠક કરી હતી અને હવે ગુરુવારે ટેકનીકલ કોર્ષ માટેની ફી કેટલી રહેશે. કોલેજોમાં ફી માળખુ કેવું રહેશે તેની જાહેરાત કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જો ફી રેગ્યુલેટર કમિટીની સાથે કોલેજો સહમત નહીં થાય તો તેઓ હાઈકોર્ટનો સહારો લેશે. જણાવી દઈએ કે રાજયની ૬૦૦ કોલેજોમાં ટેકનિકલ કોર્ષ કરાવાય છે જેની ફી ગુરુવારે કમિટી નકકી કરશે.