આજીડેમ રાજકોટ આઈ-વે પ્રોજેકટ, અટલ સરોવરની મુલાકાત લેશે
ભારત સરકારનું ૧૫મું નાણાં પંચ કાલે રાજકોટની મુલાકાતે આવી રહયું છે. ગુજરાતની મુલાકાતે આવેલ નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત સદસ્યો શક્તિકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા તેમજ અન્ય અધિકારીઓ હવે આ વિઝિટના અંતિમ ચરણમાં કાલે રાજકોટ આવી રહયા છે. નાણાં પંચે રાજકોટની પણ મુલાકાત લઇ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટની રૂબરૂ માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે. તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નાણાં પંચની રાજકોટ મુલાકાત અને દિવસભરના કાર્યક્રમ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, કાલે સવારે ૧૧.૧૫ વાગ્યે વાગ્યે નાણાં પંચની ટીમ આજી-૧ જળાશયની મુલાકાત લેશે. ગુજરાત સરકાર દ્વારા “સૌની યોજના હેઠળ નર્મદાના નીર આજી-૧ ડેમમાં પહોંચાડી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાવી આપવામાં આવી છે. નાણા પંચની આજી-૧ મુલાકાત દરમ્યાન તેમની સમક્ષ એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. ત્યારબાદ આના પંચ આજી-૧ જળાશયના સ્પિલવેની પણ મુલાકાત લેશે.
આ પછી બપોરે ૧.૦૦ વાગ્યે નાણાં પંચની ટીમ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટ “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટ)ના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે જશે. જ્યાં શહેરભરના રસ્તાઓ અને ચોકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફંકશનિંગની લાઈવ માહિતી પ્રાપ્ત કરશે. આ તકે રાજકોટ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેક્ટ વિશે પણ નાણા પંચને માહિતગાર કરવામાં આવશે. આ દરમ્યાન “સ્માર્ટ સિટી અને અટલ સરોવર પ્રોજેક્ટ વિશે એક ખાસ પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવનાર છે, તેમ કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત, બપોર પછીના શેડ્યુલ અનુસાર ૩.૩૦ વાગ્યે નાણા પંચ ભારતનગર વિસ્તારમાં નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાતે જશે, અને ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ સોની આવાસ યોજનાની મુલાકાત લઇ તેના વિશે જાણકારી પ્રાપ્ત કરશે.
દરમ્યાન નાણાં પંચની રાજકોટ મુલાકાત દરમ્યાન બપોરે નાણાં પંચની ટીમના આતિથ્ય સત્કારરૂપે શહેરના મેયર બિનાબેન આચાર્ય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બપોરે ૨.૦૦ વાગ્યે લંચનું આયોજન કરવામાં આવનાર છે. દેશમાં અત્યારે કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ્લીક્ર્ણ કરવામાં આવી રહયું છે ત્યારે નાણાં પંચ દ્વારા સમીક્ષા માટે રાજકોટના આ તમામ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે એ હકિકત રાજકોટ મહાનગરપાલિકાના સમગ્ર નેતૃત્વ અને તમામ શહેરીજનો માટે પણ અત્યંત ગૌરવપૂર્ણ બનશે.