- લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે એકપણ દરખાસ્ત અંગે નહીં લેવાય નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. હાલ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાના કારણે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લઇ શકાશે નહીં. તમામ 20 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવશે. બીપીએમસી એક્ટના નિયમ મુજબ દર મહિને એકવાર સ્ટેન્ડિંગ કમિટીની અને બે મહિને એકવાર જનરલ બોર્ડની બેઠક બોલાવવી ફરજીયાત છે.
કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.8, 12 અને 13માં ચંદ્રેશનગર હેડવર્ક્સ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્ક ફ્લો મીટરના ઓપરશેન અને મેઇન્ટેન્સન્સ અને રિડીંગ બિલનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.15માં આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગૂ વૃક્ષારોપણને પિયત આપવા, પાણીની લાઇનનું નેટવર્ક ઉભું કરવા, વોર્ડ નં.18માં સોલવન્ટ વિસ્તારની શેરીઓમાં પેવિંગ બ્લોક કરવા, નોનયુઝ અને બિનઉપયોગી વાહનોનું ઇ-ઓક્શન કરવા, પ્લેનીટોરીયમ સંકુલમાં કોમ્પ્યૂટર વિભાગનું સંચાલન, અરવિંદભાઇ મણીયાર હોલનું જનકલ્યાણ ટ્રસ્ટને સોંપવા, મોબાઇલ ટોયલેટના રિપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવા, વોટર વર્ક્સ શાખા હસ્તકના સરદાર વલ્લભભાઇ પટેલ સ્વિમીંગ પુલનું બે વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેન્સન્સનું કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.18માં ટીપી-12માં આવેલા 20 મીટર રોડ સાંઇબાબા રોડ સર્કલથી ગુલાબનગર તથા શાનદાર-5 24 મીટરના રોડ પર ડામર કામ કરવા, વિરાણી અઘાટ, ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઇન નાંખવા તથા ચેમ્બર બનાવવા, વોર્ડ નં.11માં મોટા મવાને લાગૂ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાંખવા, મોબાઇલ ડિસ્પેન્સરીનું સંચાલનની મુદ્ત બે વર્ષ માટે વધારવા સહિતની 20 દરખાસ્ત મંજૂરી અર્થે મુકવામાં આવી છે. પરંતુ હાલ ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે કોઇ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે નહીં. તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જૂનમાં નિર્ણય લેવાશે.
મોટા મવા સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠીના બદલે ગેસ આધારિત ભઠ્ઠી બનાવાશે
શહેરના મોટા મવા રોડ પર આવેલા ઓમકાર ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રીક ભઠ્ઠી બંધ પડી હોવાના કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લોકોએ રૈયા કે મવડી સ્મશાન ગૃહ સુધી લાંબુ થવું પડે છે. મોટા મવા સ્મશાન ગૃહમાં 1998માં ઇલેક્ટ્રીક ભઠ્ઠી બનાવવામાં આવી હતી. જેને 26 વર્ષ થઇ ગયા છે. કોરોના કાળમાં આ ભઠ્ઠીનો ખૂબ જ ઉપયોગ થવાના કારણે હવે તે ખરાબ થઇ ગઇ છે. બીજી તરફ ઇલેક્ટ્રીકનું બિલ પણ માસિક 70 થી 80 હજાર જેટલું આવતું હોવાના કારણે કોર્પોરેશન દ્વારા અહીં ઇલેક્ટ્રીક ભઠ્ઠીને ગેસ સ્મશાનમાં રૂપાંતરીત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં આશરે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ અંગે દરખાસ્ત પણ સ્ટેન્ડિંગમાં મૂકી દેવામાં આવી છે. જો કે, આચાર સંહિતાના કારણે દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે નહીં. જૂનમાં આચાર સંહિતા ઉઠ્યા બાદ મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ 6 મહિના સુધી કામ ચાલશે. હજુ લોકોએ ડિસેમ્બર સુધી હાલાકી વેઠવી પડશે. જો કે, આ કામ માટે ખર્ચ મંજૂર કરવા ચૂંટણીપંચ પાસેથી જો મંજૂરી લેવામાં આવે તો બે મહિના રાહ ન જોવી પડે અને સુવિધામાં પણ વધારો થઇ શકે.