ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન: ડિસેમ્બરમાં ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદ આવી રહ્યાં છે. જ્યારે પીએમ મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની ચાંગોદરમાં આવેલ ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લેશે. કંપની બહાર હેલિપેડ બનાવામાં આવ્યું છે તેમજ રસ્તાઓ રિસરફેસ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સજ્જ કરવામાં આવ્યો છે.
ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે વડાપ્રધાન મોદી પ્લાન્ટની મુલાકાત લેશે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની ૨ ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા ૧૦ કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઝાયડસ કોવિડ રસીની સ્થિતિનું નિરિક્ષણ કરવા શહેરમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી શનિવારે અમદાવાદ ઉપરાંત પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત પણ લેવા જઈ રહ્યા છે.
આત્મનિર્ભર વેક્સિન ટ્રાયલ: બાળકીએ અનોખો જુસ્સો બતાવ્યો
કોરોના વેક્સિન ટ્રાયલના બીજા દિવસે સવારે ૯.૩૦ વાગ્યાનો સમય હતો. વોલેન્ટિયર તરીકે લોકો આવીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી રહ્યા હતા. આવામાં કોરોના સામેની ફાઈટમાં વેક્સીન ટ્રાયલમાં વોલેન્ટિયર તરીકે જોડાવા આવેલી માત્ર ૯ વર્ષની નતાશાને (નામ બદલ્યું છે) જોઈને સહુ કોઈ અચંબિત થઈ ગયા હતા. ઉંમર ભલે નાની છે પણ આ દીકરીનો જુસ્સો જોઈને સહુ કોઈ પ્રેરિત થયા હતા.
કોરોના વેક્સિન ટ્રાયલ માટે હવે લોકો પરિવાર સાથે પણ આવે છે. તેમાં આજે એક ૯ વર્ષની દીકરી નતાશા પણ વેક્સિન લેવા માટે આવી હતી. તેણે પણ માતા-પિતાની જેમ સમાજ માટે યોગદાન આપવા માટે વેક્સિન લેવા તૈયારી બતાવી હતી. પરંતુ ટ્રાયલ વેક્સિન ગાઈડલાઈન મુજબ તેને વેક્સિન અપાઈ શકે તેમ ન હતી. પોતે ટ્રાયલમાં નહીં જોડાઈ શકે તે જાણીને બે ઘડી તો નતાશાની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા.