રાજકોટ જિલ્લાના ૨૦૫૦ મતદાન મથકો ઉપર ૫-૫ કર્મચારીઓનો સ્ટાફ, સાંજ સુધીમાં તમામ બુથોનો કબજો સંભાળી લેવાશે: મતદાન અંગેની કોઈપણ ફરિયાદ ‘૧૯૫૦’ નંબર ઉપર કરી શકાશે
આવતીકાલે સવારે ૭ વાગ્યાથી મતદાનનો આરંભ થનાર છે તે પૂર્વે સવારે ૬ વાગ્યે મોકપોલ હાથ ધરવામાં આવનાર છે. જેમાં ટેસ્ટીંગ માટે ૫૦ મત નાખવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ૨૦૫૦ મતદાન મથકો ઉપર ૫-૫ કર્મચારીઓનો સ્ટાફ મુકવામાં આવ્યો છે. સાંજ સુધીમાં આ સ્ટાફ તમામ મતદાન મથકોનો કબજો સંભાળી લેવાનો છે. મતદાનને લઈ જો કોઈ ફરિયાદ હોય તો ૧૯૫૦ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા જિલ્લા ચૂંટણીતંત્રએ અનુરોધ કર્યો છે.
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. રાજકોટ જિલ્લાના ૨૦૫૦ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે. જેને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
જિલ્લાના ૨૦૫૦ મતદાન મથકો ઉપર એક પ્રિસાઈડીંગ ઓફિસર, ૧ ફર્સ્ટ પોલીંગ ઓફિસર, ૨ પોલીંગ ઓફિસર અને ૧ પ્યુન એમ કુલ ૫ કર્મચારીઓનો સ્ટાફ મુકવામાં આવ્યો છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં કુલ ૩૦૫૨ બેલેટ યુનિટ, ૨૨૪૦ કંટ્રોલ યુનિટ અને ૨૨૪૦ વીવીપેટ મશીનનો ઉપયોગ લેવામાં આવનાર છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૬૩ બીયુ, સીયુ અને વીવીપેટ, ૬૯-રાજકોટ પશ્ચિમાં ૩૧૨ બીયુ, સીયુ અને વીપીપેટ, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૨૮ બીયુ, સીયુ અને વીવીપેટ, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૬૩ બીયુ, સીયુ અને વીવીપેટ, ૭૨-જસદણમાં ૨૬૨ બીયુ, સીયુ અને વીવીપેટ, ૭૩-ગોંડલમાં ૪૭૨ બીયુ, ૨૩૬ સીયુ અને ૨૩૬ વીવીપેટ, ૭૪-જેતપુરમાં ૬૧૦ બીયુ, ૩૦૫ સીયુ અને ૩૦૫ વીવીપેટ, ૭૫-ધોરાજીમાં ૫૪૨ બીયુ, ૨૭૧ સીયુ અને ૨૭૧ વીવીપેટ મશીન ફાળવવામાં આવ્યા છે.
ઉપરાંત જિલ્લાના ૮ સ્થળોએ રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો કાર્યરત છે. જેમાં ૬૮ રાજકોટ પૂર્વ માટે પી એન્ડ ટી.વી શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, સોરઠીયા સર્કલ પાસે, ૬૯-રાજકોટ પશ્ચિમ માટે એસ.વી.વિરાણી હાઈસ્કૂલ, ટાગોર માર્ગ, ૭૦-રાજકોટ દક્ષિણ માટે પી.ડી.માલવીયા, કોમર્સ કોલેજ ગોંડલ રોડ, ૭૧-રાજકોટ ગ્રામ્ય માટે એ.એસ.ચૌધરી હાઈસ્કૂલ, કસ્તુરબા રોડ, ૭૨-જસદણ માટે મોડેલ સ્કૂલ, કમળાપુર રોડ, જસદણ, ૭૩-ગોંડલ માટે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ગોંડલ, ૭૪-જેતપુર માટે ફ્રાન્સીસ હાઈસ્કૂલ,પોરબંદર હાઈવે, જેતપુર, ૭૫-ધોરાજી માટે ભગવતસિંહજી હાઈસ્કૂલ સ્ટેશન રોડ, ધોરાજી ખાતે રાખવામાં આવ્યા છે.
આજરોજ તમામ ચૂંટણી સ્ટાફને રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીન સાથે મતદાન મથકે પહોંચવા માટે રવાના કરી દેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં આ તમામ ચૂંટણી સ્ટાફ પોત-પોતાના મતદાન મથકનો કબજો લઈ લેવાના છે. આવતીકાલે સવારે ૭ વાગ્યાથી તમામ મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે. જો કે, તે પૂર્વે સવારે ૬ વાગ્યે મોકપોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ટેસ્ટીંગ માટે ૫૦ મત નાખવામાં આવનાર છે.
વધુમાં મતદાન વેળાએ કોઈપણ સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત છે. કોઈપણ નાગરિક મતદાન અંગેની ફરિયાદ કંટ્રોલરૂમને ૧૯૫૦ નંબર ઉપર નોંધાવી શકે છે. આ ફરિયાદ નોંધાયા બાદ કંટ્રોલરૂમ દ્વારા જે તે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીનો સંપર્ક કરી ફરિયાદનું નિરાકરણ લઈ આવવામાં આવશે.