ત્રણ દિવસનો પાણી કાપોત્સવ શરૂ: ઇજનેરોની કારીગરી, મેયરના મતવિસ્તાર વોર્ડ નં.12ના ક્યા એરિયામાં પાણી વિતરણ બંધ રહેશે તેની યાદી જ જાહેર ન કરી
એક તરફ સૂર્યનારાયણ આકાશમાંથી અગ્નિવર્ષા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ પાણી કાપોત્સવનો આરંભ થઇ ગયો છે. આજે બજરંગવાડી હેડવર્ક્સ હેઠળના બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલે અડધું રાજકોટ અર્થાત શહેરના 18 પૈકી 8 વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.
નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પરનો રો-વોટર સંપ સાફ કરવાનો હોવાથી કોર્પોરેશન દ્વારા આજથી શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન આવતા અલગ-અલગ હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે બજરંગવાડી હેડ વર્ક્સ આવતા 2 (પાર્ટ) અને 3 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલે ગુરૂવારે અડધું રાજકોટ તરસ્યું રહેશે. કાલે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તાર વોર્ડ નં.1, વોર્ડ નં.2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10, રેલનગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.3 (પાર્ટ) અને ચંદ્રેશનગર હેડ વર્ક્સ આવતા વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. કાળઝાળ ઉનાળામાં સતત ત્રણ દિવસ સુધી લાખો લોકો પાણી વિનાના રહેશે.
આગામી તા.29ને શુક્રવારના રોજ બજરંગવાડી હેડ વર્ક્સ આવતા વોર્ડ નં.2 (પાર્ટ) અને 3 (પાર્ટ), મવડી હેડ વર્ક્સ હેઠળના વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. ઇજનેરોએ શાસકોની નજરમાં સારા થવા માટે કારીગરી વાપરી હોય તેમ ત્રણ દિવસ દરમિયાન જે 8 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેવાનું છે તેના વિસ્તારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.12ના ક્યા વિસ્તારમાં પાણી વિતરણ પર અસર પડશે તેની જાહેરાત કરવામાં આવી નથી.