દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણીજીવમાત્રાના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે મીટ લેસ ડે ઉજવવામાં આવે છે.
તેઓ કહેતા કે માસનો ન ખાવાથી આપણે ઘણી બધી બિમારીઓ જેવી કે મેદવૃદ્ધિ, હદયને લગતી બિમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અને અમુક પ્રકારનાં કેન્સર (ખાસ કરીને ફેફસાના કેન્સરથી) બચી શકીએ છીએ. માસ શાકભાજી કરતા મોંઘુ હોવાથી તેની વપરાશ ઘટાડવાથી નાણાની બચત પણ કરી શકાય છે ઉપરાંત માસ ખાવાથી થતી બિમારીઓનો જોખમ ઘટવાથી દવાઓ પાછળ થતા ખર્ચને પણ બચાવી શકાય છે
માંસાહારમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે.
શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ’બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે. શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે.
સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે.
શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે. વળી આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે માટે લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવાનું આદતો સારી બનાવવી જોઈએ અને માદક દ્રવ્યોનાં સેવનથી પણ દુર રહેવું જોઈએ.
સંકલન: મિતલ ખેતાણી