10008થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકવામાં આવશે : સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી દેશ-વિદેશના લોકો પંચવર્ષીય પાટોત્સવ લાઈવ નિહાળશે
અબતક, રાજકોટ
શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે.
ખોડલધામ ટ્રસ્ટના સભ્યો અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ્રના પવિત્રધામ ખોડલધામ ધામ ખાતે પંચવર્ષીય પાટોત્સવની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશ વિદેશમાં સફળ બનાવવા ટ્રસ્ટીઓ સહિત કાર્યકર્તાઓ કમરકસી રહ્યા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટની ટીમ ’અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવી હતી. ખોડલધામ પંચવર્ષિય પાટોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત આજ રોજ ખોડલધામ ટ્રસ્ટની ટીમ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા. જેમાં ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ. મહેતા સાથે કાર્યક્રમ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં ખોડલધામના ટ્રસ્ટી હર્ષદભાઇ માલાણી, રમેશભાઇ ટીલાળા, ચીમનભાઇ રૂપાણી, પ્રવિણભાઇ જસાણી, મહેશભાઇ સાવલીયા તથા પ્રવક્તા હસમુખભાઇ લુણાગરીયા સહિતના સભ્યો ઉ5સ્થિત રહ્યા હતા.
કાલે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે કાલે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો કાલે સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે.
સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા,
ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમમા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.