જીનીંગ ઉદ્યોગના પ્રશ્નો વિશે વિચાર-વિમર્શ કરી તેના નિવારણ માટે પ્રયાસ કરાશે: ભારત સહિત વૈશ્વિકસ્તરે રૂ ના ઉત્પાદન અને વપરાશ અંગેની માહિતી રજૂ કરતું પ્રેઝન્ટેશન રજૂ કરાશેે
અબતક, રાજકોટ
ભારત વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્ર કપાસના ઉત્પાદનમાં વધુ પડતું આગળ છે. કપાસનું સૌરાષ્ટ્રમાં દર વર્ષે લાખો હેક્ટરમાં ઉત્પાદન થાય છે ત્યારે આવતીકાલે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સવારે 8:00 થી 1:30 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનની 10મી વાર્ષિક સાધારણ સભા મળવાની છે. જેની માહિતી આપવા સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઇ પાણ તેમજ મંત્રી હિતેશભાઇ રૂઘાણી અને ઉપપ્રમુખ સંદિપ શાહ ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.
પ્રમુખ અરવિંદ પાણએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના તમામ જીનર્સ ભાઇઓની પરસ્પર આત્મીયતા વધે તેવા શુભ ઉદેશથી આ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધારણ સભામાં જીનીંગ ઉદ્યોગના પ્રશ્નો વિશે વિચાર-વિમર્શ અને ત્યારબાદ તેના નિવારણ માટે પ્રયાસ કરીશું તેમજ જીનર્સ ઉદ્યોગને લગતા અન્ય તમામ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે અનેકવિધ મુદ્ા પર વિચાર-વિનિમય કરી મહાનુભાવો માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ભારતના તેમજ વૈશ્વિક રૂ ના ઉત્પાદન અને વપરાશ અંગેની માહિતી, રૂ ના ભાવની વધઘટને અસર કરતા આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહોને સરળતા પૂર્વક રજૂ કરતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનુભાવો આ સાધારણ સભામાં ઉદ્બોધન કરશે. જેમાં સીસીઆઇની રૂ બજારમાં ભૂમિકા વિશે શુભમ શુક્લા, યાર્નની સમિક્ષા વિશે જયેશ પટેલ, જીનર્સે કેવી તકેદારી રાખવી તે માટે અજય શાહ, કપાસિયાની સમિક્ષા વિશે જયંતિ પટેલ, રૂ ના ટેસ્ટીંગ માટે દિપાલી પલાવત, સંગઠનના મહત્વ બાબતે જયેશ પનારા ઉદબોધન કરશે. આ ઉપરાંત જીનીંગ ઉદ્યોગના પ્રશ્નો તેમજ નિરાકરણ બાબતે અને બજારનો અંદાજ તેજી કે મંદી વિષયક પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે.
બિયારણની ટેકનોલોજી સુધારવાની જરૂરિયાત
દેશભરના ખેડૂતોની આવક વધારવા અને મૂડી રોકાણ વધારવા બિયારણની ગુણવત્તા સુધારવાની જરૂર છે. સરકારે હાલ બિયારણ પર જે ભાવ બાંધણું રાખ્યું છે જેનાથી ઉત્પાદન ખર્ચ વધતાં કપાસ બિયારણ ઉત્પાદકો પણ ભાવ વધારી દે છે. વિશ્ર્વના કપાસ ઉત્પાદન કરતા મોટા દેશો અમેરિકા, બ્રાઝીલ કે જ્યાં બીટી-3 જ્યારે ભારતમાં હજુ બીટી-2 સીડ્સ વાપરવામાં આવે છે એટલે વધારે ઉપજ અને જોખમ ઘટાડવા આપણે પણ વધુ સારી ગુણવત્તા સાથેની સીડ્સનો ઉપયોગ કરવો જોઇએ. જેથી ઉત્પાદન વધશે અને એક્ષપોર્ટનું પ્રમાણ પણ વધશે.
વિદેશમાં એકરે 2500 તો આપણે ત્યાં 556 કિલો શા માટે?
ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કપાસમાં આપણે આગળ પડતા છીએ.છતાંપણ સૌરાષ્ટ્રમાં એક હેક્ટર દીઠ 556 કિલો રૂ નો ઉતારો થાય છે. જ્યારે વિદેશમાં એક હેક્ટર દીઠ 2000 થી 2500 કિલો રૂ નો ઉતારો થાય છે. ખેડૂતોને નવું ઓરિજીનલ સીડ મળે તો ઉત્પાદનમાં આપોઆપ વધારો થશે અને ખેડૂતોથી લઇ જીનીંગ પીનીંગના ઉદ્યોગોને પણ ફાયદો થશે.
જીએસટીમાં પણ ઉલ્ટી ગંગા: માલ વેચાય તે પહેલા જ ચાર્જ ઉઘરાવાય છે
આ બાબતે પ્રમુખ અરવિંદભાઇ પાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એગ્રો કોમોડીટીની એકપણ વસ્તુમાં રિવર્સ ચાર્જ દાખલ કરવામાં આવ્યો નથી અને ફક્ત કપાસમાં જ રિવર્સ ચાર્જ દાખલ કરાયો છે. જેના કારણે અમારા માટે આ મુશ્કેલી ઉભું કરી રહ્યું છે કેમ કે ખરીદી કર્યા બાદ તરંત અમારે જીએસટી ભરવો પડે છે. તેમાં પણ અમે એક્ષપોર્ટ કરીએ તો તમામ પૈસા રોકાઇ જાય છે. જે મુશ્કેલીભર્યું છે. આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી અમારી અપેક્ષા છે.
યાર્ડ દ્વારા સેમિનાર ગોઠવી ખેડૂતોને જાગૃત કરવા જોઈએ
રાજ્યમાં ઓછા ખર્ચે કપાસનું ઉત્પાદન વધે તે માટે માર્કેટીંગ યાર્ડ દ્વારા જો ખેડૂતોને લઇ સેમિનાર કરવામાં આવે તો, હજુ કપાસ ક્ષેત્રે વધુ પ્રગતિ થઇ શકે છે. બાંગ્લાદેશમાં નાનો દેશ હોવા છતાં ટેક્ટાઈલ ક્ષેત્રે ખુબ જ આગળ છે. કેમ કે ત્યાં પાવર પ્રોડકશન, લેબર કોસ્ટ લો છે. આ મામલે આપણે ત્યાં ખેડૂતલક્ષી સેમિનારનું આયોજન થાય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થઇ શકે.