વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ(દિવ્યાંગ) દિવસ મનાવવામાં આવે છે. આજે એક યુવાન દેશ ગણાતા ભારતમાં કેટલાંય યુવાનો છે, સ્કીલ ઇન્ડીયા અને મેક ઇન ઇન્ડીયા દ્વારા સરકાર યુવાનો માટે નવી નવી રોજગારીની તકો ઉભી કરવાનો સતત પ્રયાસ કરી રહી છે પરંતુ કોણ જાણે એવું તો શું છે કે એક વિદ્યાર્થી પોતાની અણઆવડતો માટે કાયમ બીજાને દોષ આપતો રહે છે.
છેલ્લે પોતાનાથી ન થયેલા કામ કે પોતે ન કરવા માંગતા કામનાં દોષનો ટોપલો ઢોળવા કોઈ ન મળે તો અંતે મારી તો કિસ્મત જ ખરાબ છે એવું કહીને પોતાનું મન મનાવતો રહે છે. તેમને હાથે કરીને સમય અને પ્રયત્નો કરવા માટેનો ચાન્સ બગાડવા પાછળ આ એક બહુ મોટું બહાનું મળી રહે છે. વળી આળસ અને કામ ન કરવાની પરાકાષ્ઠા તો કાયમની સમસ્યા રહેવાની જ. આજની યુવા પેઢી એક એવી પેઢી છે જેને ઊંઘ કરવી તો ખુબ ગમે છે પણ સમયસર સુઈ જવું નથી એવી જ રીતે તેનામાં આવડત અને ક્યાંક જ્ઞાન પણ હોય છે.
પરંતુ તેને સાચી દિશામાં ઇસ્તેમાલ કરવું કે કામ કરવું ગમતું નથી ત્યારે સ્ટીફન હોકિંગ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધા ચંદ્રન, એચ રામક્રિશ્ન, અરુણીમાં સિન્હા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈ કોઈ તકલીફો હતી છતાં પણ તેઓએ સફળતાનાં શિખરોને સર કર્યા છે તેમના ઉદાહરણો લઈને પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ તરીકે સંબોધીને ખુબ માન સન્માન આપ્યું છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો પણ દિવ્યાંગો માટે, તેમની મદદ કરવા વિવિધ યોજનાઓ ઘડી રહ્યા છે તેમને સન્માન આપી રહ્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દ્રષ્ટીએ જ જોવા જોઈએ તેમજ અન્યોની સામે વર્ણવવા જોઈએ અને માણસ જ્યારે સંપૂર્ણ સ્વસ્થ સને રુષ્ટપુષ્ટ જ હોય ત્યારે એણે પોતાના કાર્યો પ્રત્યે મનથી વિકલાંગ કે પાંગળું ન જ થવું જોઈએ.
-મિત્તલ ખેતાણી