રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં રાવણ દહન વર્ષના ચાર વણજોયા મુહુર્ત પૈકીનું એક એટલે વિજયા દશમી કાલે શસ્ત્ર પુજનપણ કરાશે
અબતક, રાજકોટ
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે કે વિજયા દશમી આવતીકાલે દેશભરમાં ભારે ભક્તિભાવ સાથે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં ગુજરાતનાં સૌથી મોટા રાવણનું દહન કરવામાં આવશે. વિજયા દશમીનું મહત્વ સમજાવતા વેદાંત રત્ન રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે આસો શુદ દશમને બુધવારના દિવસે વિજયા દશમી છે.
દશેરાએ વર્ષના ચાર વણજોયા મુહુર્તના દિવસોમાંથી એક દિવસ છે.
દશેરાના દિવસે કોઇ પણ શુભ કાર્ય કરવા માટે ચંદ્રબળ નક્ષત્ર રાશી ચોઘડિયા જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું, ખાતમુહૂર્ત કરવું, ખરીદી કરવી, સોના-ચાંદી, પુજાનો સામાન, લગ્નનો સામાનની ખરીદી, વાસ્તુ, નવચંડી કથા ચંદીપાઠ તથા નવા મકાનમાં કળશ પધરાવો શુભ અને ઉત્તમ છે.
દરેક પ્રકારના શુભકાર્યો કરવા આ દિવસે શુભ છે અને નવુ વાહનની ખરીદી કરવી. જમીન-મકાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. ઉત્તમ ફળદાયક રહેશે. વિજયા દશમી દશેરાનું વિજય મુહૂર્ત બપોરે 2:33 થી 3:20 સુધી છે. દશેરાના દિવસે રામ ભગવાને રાવણને બપોરે અપરાહન કાળના વિજય મુહૂર્તમાં માર્યો હતો. આ દિવસે પાંડવોએ વનવાસના તેરમા વર્ષે શમી એટલે કે ખીજડાના વૃક્ષની બખોલમાં પોતાના હથીયાર છુપાવેલા તે મેળવી અને અર્જુને દશેરાના દિવસે વિજય ટંકાર કરેલો. આથી દશેરાના દિવસે શમી એટલે કે ખીજડાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું લોકરક્ષા માટે દેવી સ્વરૂપે પૂજન કરવામાં આવે છે.
દશેરાના દિવસે નવદુર્ગા માતાજીની છબી તથા કુળદેવી માતાજીની છબીને કંકુ-ચોખા કરી ફૂલ અર્પણ કરી ત્યારબાદ સાંજના સમયે કુળદેવીના મંત્ર જાપ કરવા. 3, 7, અથવા 11 માળા કરવી ત્યારબાદ માતાજીને પ્રાર્થનામાં પોતાની શુભ અને સાચી મનોકામના બોલવી સિધ્ધિ આપશે. માતાજીની આરતી નેવૈદ્ય અર્પણ કરવું. આ વર્ષે રિવાજ પ્રમાણે રવિવારે, મંગળવારે અને બુધવારે ગરબો પધરાવાતો ન હોવાથી માતાજીનો ગરબો દશેરાના બદલે ગુરૂવારે અગીયારશના દિવસે સવારે ગરબો પધરાવો શુભ રહેશે. ગરબો પધરાવામાં પંચક દોષ ગણાતો નથી. ગુરૂવારે ગરબો પધરાવા મુહૂર્ત સવારે શુભ 6:41 થી 8:09, ચલ 11:06 થી 12:35, લાભ 12:35 થી 2:03 આ સમય વધારે શુભ છે.