8મીએ ચકાસણી: 9મી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે: 10મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે
છ મહાપાલિકાની ચૂંટણીમા આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે આજે અને આવતીકાલે ઉમેદવારી ભરવા માટે પડાપડી થવાની છે. તા.8ના રોજ ફોર્મની ચકાસણી થવાની છે. જ્યારે તા.9ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે અને 10મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. જ્યારે આવતીકાલે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની ફોર્મ ભરવામાં ભારે ભીડ રહેવાની છે. છેલ્લા બે દિવસમાં અપક્ષ ઉમેદવારનો રાફડો ફાટશે તે પણ નક્કી છે.
8મીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારબાદ તા.9મી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને 10મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં યોજનાર મહાપાલિકાની ચૂંટણીનું તા.21ના રોજ મતદાન થશે. જેનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યાનો રહેશે. જો પુન:મતદાનની ફરજ પડશે તો તા.22ના રોજ યોજાશે. બાદમાં તા.23ના રોજ પરીણામ જાહેર થશે અને તા.26ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે.