સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી, મંગળવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે: 19મીએ મતદાન ર1મીએ મતગણતરી
અબતક, રાજકોટ
ગુજરાતના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા અને વિભાજન સર્જન ચૂંટણી માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે ગામનો રાજા કે ગ્રામ પંચાયતના સભ્યો બનવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ અવધી મંગળવાર સુધીની હોય તે દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે 19મીએ મતદાન યોજાશે અને ર1મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજય ચૂંટણી પંચ દ્વારા ગત રરમીએ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગત સોમવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે અને કાલે ફોર્મ ભરવા માટે ધસારો રહેશે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષ પોતાના સત્તાવાર ઉમેદવારોને મેન્ડેટ સાથે મેદાનમાં ઉતારતી હોતી નથી કે ગ્રામ્ય વિસ્તારોમાં કયાં રાજકીય પક્ષનું જોર જોવા મળ્યું હતું. આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોને 164 જેટલા અલગ અલગ પ્રકારના ચૂંટણી ચિહનો આપવામાં આવશે.
રાજયની 10117 ગ્રામ પંચાયતના 88211 વોર્ડ અને 10117 સરપંચ માટુે સામાન્ય ચુંટણી, 65 ગ્રામ પંચાયતના 568 વોર્ડ અને 65 સરપંચ જયારે 697 ગ્રામ પંચાયતના 923 વોર્ડ અને 102 સરપંચની માટે ચૂંટણી યોજાશે આવતી કાલે ફોર્મ ભરવાની પ્રકિ્રયા પૂર્ણ થવા બાદ સોમવારે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ પ્રચાર-પ્રસારનો માહોલ જામશે 19મી ડિસેમ્બરના રોજ સવારે 7 થી સાંજના છ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને ર1મી ડિસેમ્બરે સવારે 8 કલાકથી મતગણતરી યોજાશે.
અમદાવાદ જિલ્લાની 411 અમરેલી જિલ્લાની 528, અરવલ્લી જિલ્લાની 231, આણંદ જિલ્લાની 213, કચ્છની 482, ખેડાની 432, ગાંધીનગરની 179, ગીર સોમનાથ જિલ્લાની 299, છોટા ઉદેપુરની 247, જામનગર 268, જુનાગઢની 432, ડાંગની 70, તાપીની 268, દાહોદની 361, દેવભૂમિ દ્વારકાની 175, નર્મદાની 200, નવસારીની 322, પંચમહાલની 379, પાટણની 208, પોરબંદરની 135, બનાસકાંઠાના 653, બોટાદ જિલ્લાની 157, ભરૂચની 503, ભાવનગરની 437, મહિસાગરની 273, મહેસાણાની 163, મોરબીની 320, રાજકોટની 548, વડોદરાની 329, વલસાડની 334, સાબરકાંઠાની 325, સુરતની 498 અને સુરેન્દ્રનગર જિલ્લાની 499 સહિત રાજયની કુલ 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
જેના માટે કુલ 27085 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન હાથ ધરાશે જેમાં 1,06,46,524 પુરૂષ મતદારો અને 1,00,06,850 સ્ત્રી મતદારો સહિત કુલ 2,06,53,374 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.