ભાવિકોની આસ્થા ‘ડાઉન’ન થાય તે માટે શનિ મંદિરથી ઓનલાઇન દર્શનની વ્યવસ્થા, સુંદર કાંડ પાઠનો સામુહિક પાઠ નહી યોજાય, લોકો ઘેર બેઠા શનિ મહામંત્રના જાપ કરી કોરોનાની મહામારીમાંથી વિશ્વનું કલ્યાણ કરવા ન્યાયના દેવને કરશે પ્રાર્થના
વૈશાખ વદ અમાસ એટલે શાનેશ્વર જયંતિ આવતીકાલે રરમી મેને શુક્રવારના દિવસે ગુરૂ અને શનિનો અદભૂત આઘ્યાત્મિક યોગ શનિની પોતાની મકર રાશિમાં બનતો હોવાથી શનિ ગ્રહની પનોતી નિવારવા કાલનો દિવસ મહત્વનો રહેશે.
કહેવાય છે કે શનિદેવ સૂર્ય પુત્ર અને યજરાજના ભાઇ છે. જયોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિદેવને સો વર્ષનું આયુષ્ય તથા પરિપકવ અને મંદ ગ્રહ કહેવાયો છે શનિદેવ ન્યાયના દેવતા છે શનિદેવ અઢી વર્ષ એક રાશિમાં રહીને પોતાની પનોતીથી જાતકોને તેમના કર્મો પ્રમાણે દંડ કરતા હોય છે. શનિદેવની કૃપાથી ગ્રહોની પીડીમાંથી મુકિત મળે છે.
વૈશાખ વદનો આરંભ આજે રાત્રે ૯.૩૫ થી થશે જયારે ઉદિત તિથી શુક્રવારે મનાવાશે શનિ અને ગુરૂના આઘ્યાત્મિક યોગના કારણે આવતીકાલની અમાસની ઉપાસના વિશેષ ફળદાયી રહેશે ખાસ કરીને શનિ મહામંત્રના જાપ, હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ ભકતોને ઉત્તમ ફળ આપશે ત્યારે હજુ પણ ભકતો માટે મંદિરો લોક હોવાથી ઓનલાઇન દર્શનનો ભાવિકો લાભ લેશે.
શનિમંદિરને બદલે શનિભકતો ઘેર બેઠા પૂજા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વૈશાખ માસની અમાસને શાસ્ત્રોમાં ભાવુકા અમાસ કહેવાય છે ત્યારે આ વખતે શુક્રવારે શનેશ્ર્વર જયંતિની સાથો સાથ શનિ-ગુરૂ અને શુક્ર ગ્રહ વક્રી થતા હોય ઉપરાંત ભાવુકા અમાસનો સંયોગ થતો હોય તેવો શુભ યોગ વર્ષો પછી આવ્યો છે તેથી આવતીકાલનો દિવસ ભાવિકો માટે વિશેષ રહેશે.
ભકતો આ વિશેષ શુભ સંયોગનો લાભ લઇ શનિદેવને કોરોના મહામારીમાંથી વિશ્ર્વનું કલ્યાણ કરવા પ્રાર્થના કરશે.
પનોતીની પીડામાંથી મુકત થવા આ રીતે શનિદેવને પ્રસન્ન કરો
શનિ જયંતિના દિવસે દાનનું પણ મહત્વ વધારે છે આ દિવસે અળદ, કાળા કાપડાનું દાન તેલનું દાન પગરખાનું દાન ગરીબ લોકોને કરવાથી પનોતીની પીડામાંથી રાહત મળે છે. જે લોકોને જન્મ કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય શનિ રાહુનો શ્રાપિત દોષ હોય શત્રુ રાશીમાં શનિ હોય તો આ દિવસે ઘેર બેઠા સૌ પ્રથમ ૐ નમ: શીવાયની પાંચ માળા કરવી ત્યારબાદ શનિ ચાલીસાના પાઠ સાંજના સમયે કરવાથી જન્મકુંડલીની અશુભ ગ્રહની પીડામાંથી અને શનિપીડામાંથી રાહત મળે છે. માનસીક શાંતિની પ્રાપ્તી થાય છે.
ધન, મકર અને કુંભ રાશીના લોકોને શનિની મોટી પનોતી ચાલી રહેલી છે. તથા મિથુન અને તુલા રાશીની લોકોને શનિની નાની પનોતી ચાલી રહેલી છે.
તેમાં પણ મિથુન, તુલા, કુંભ રાશીના લોકોને લોઢાને પાયે પનોતી છે. આથી કાલે શનિ જયંતિના દિવસે ઘેર ઘેર બેઠા સાંજના સમયે તેલનો દિવો કરવો અને હનુમાનજીની છબીની સામે બેસી રામચંદ્ર ભગવાની એક માળા કરવા બાદ હનુમાન ચાલીસાના ૩૧ પાઠ કરવા અથવા તો સુંદરકાંડના પાઠ કરવાથી પનોતી પીડામાંથી રાહત મળશે આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું. આ દિવસે પિતૃતર્પણ પણ ઘેર કરાવું શુભ છે.