દર વર્ષની 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટને હવે ખરેખર ધજા-પતાકા દિવસ જાહેર કરી દેવો જોઈએ નહી? જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકનાં તિરંગા ફરકી રહ્યા છે. પ્રજાસત્તાક દિનની મહત્તા આજે બાળકો પાસે પરાણે કરાવવામાં આવતાં ધ્વજ-વંદન સમારોહમાં સમાઈને રહી ગઈ છે! સાત દાયકા પહેલાનો શૌર્યસભર ભૂતકાળ અને હાલનું ઉજ્જવળ ભારત નવી પેઢી સુધી પહોંચાડનાર મહાનુભાવોને આપણે વર્ષો પહેલા જ ભૂલી ચૂક્યા છીએ. તેમનું અસ્તિત્વ રહી ગયું છે તો માત્રને માત્ર સરકારી પેન્શનનાં કાગળિયાઓ પર! તેઓ શું કરે છે, ક્યાં રહે છે, કેવું જીવન ગાળે છે, કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે ચકાસવાનો આપણી પાસે સમય નથી.
ડોરેસ્વામીએ ગરીબ-લાચાર-નિર્ધનની સહાય કરવા માટે ભૂદાન ચળવળ શરૂ કરી: મહિને 100 રૂપિયાનાં પગાર લેખે, 24 દિવસ સુધી પગપાળા પ્રવાસ કરીને તેઓ રહીશ શાહુકારોને પોતાની જમીનનો ટુકડો ગરીબોને દાન કરવા સમજાવતાં
2017નાં વાર્ષિક આંકડાઓ મુજબ, ભારત સરકાર હાલ 37,356 લોકોને પેન્શન (સન્માન) આપી રહી છે. ભારતની સ્વતંત્રતા લડતમાં ભાગ લઈને ફ્રીડમ ફાઈટર્સ લિસ્ટમાં નામ નોંધાવી ચૂકેલાઓમાંથી આજે ફક્ત 12,657 લોકો હયાત છે. બાકીનાં 24,699 પેન્શન-ઉપભોગતાઓમાં 23,127 સ્ત્રીઓ (મોટે ભાગે વિધવા) અને 1572 દીકરીઓનો સમાવેશ થાય છે. આવી વ્યક્તિઓનાં જીવનમાં ઉંડા ઉતરવાની વાત તો દૂર, લોકો તેમનાં નામ સુધ્ધાં નથી જાણતાં! બિનજરૂરી ખબરોમાં પણ મરી-મસાલો ભભરાવી ન્યુઝ-આઈટમ પીરસવાની શોખીન પ્રિન્ટ-ડિજીટલ મીડિયાએ તેમનાં પ્રત્યે આંખ આડા કાન સેવી લીધા છે! ગાંધીજીનાં ભારત છોડો અભિયાનની યાદગીરી રૂપે દર નવમી ઓગસ્ટે જ્યારે ભારત સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરે છે ત્યારે આ લિસ્ટમાંથી ફક્ત સોએક જેટલા ફ્રીડમ ફાઈટર્સને આમંત્રણ મોકલવામાં આવે છે. હ્રદયપૂર્વકની દેશભક્તિ નિભાવી ચૂકેલા આ તમામ મહાનુભાવોને ક્યારેય લાઈમલાઈટમાં લાવવામાં નથી આવ્યા.
હજુ પણ ભારતમાં એવા કેટલાય એવાં ફ્રીડમ ફાઈટર્સ મોજૂદ છે જેઓ અન્યાય ખિલાફ જંગ છેડી રહ્યા છે, આમાંના એક હતા એચ.એસ.ડોરેસ્વામી!
ફક્ત પાંચ વર્ષની કાચી વયે પિતાનું મૃત્યુ જોયા બાદ એચ.એસ.ડોરેસ્વામીનો ઉછેર તેની માતા અને દાદાની છત્રછાયા હેઠળ થયો. શાળાકીય શિક્ષણ લીધા બાદ આગળનાં અભ્યાસ માટે તેમણે બેંગલોર આવી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી હાંસિલ કરી. મહાત્મા ગાંધીજીનાં આદર્શોથી અત્યંત પ્રભાવિત એવા એચ.એસ.ડોરેસ્વામીની 1942માં બ્રિટિશ અફસરોએ સરકારી દફતરોમાં ટાઈમ-બોમ્બ ફેંકવાનાં ગુના હેઠળ ધરપકડ કરી. 14 મહિનાનાં કારાગાર-વાસ દરમિયાન તેમણે ગાંધીજીનાં અહિંસા સિધ્ધાંતને પોતાનાં જીવનમાં આત્મસાત કર્યો. વર્ષ 1947 સુધી તેઓ અંગ્રેજો વિરૂધ્ધની અહિંસક ચળવળ સક્રિય હિસ્સો રહ્યા. આઝાદી બાદનાં વર્ષોમાં તેમનાં ભાઈ બેંગલોરનાં મેયર બની ગયા. મહામહેનતે મળેલી આઝાદીનું મૂલ્ય જાણતાં એચ.એસ.ડોરેસ્વામીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કાર્યપ્રણાલીથી નિરાશ થઈને કોંગ્રેસ પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો. જીવન-પર્યંત રાજકારણમાં પ્રવેશ ન કરવાની પ્રતિજ્ઞા સાથે ડોરેસ્વામીએ ગરીબ-લાચાર-નિર્ધનની સહાય કરવા માટે ભૂદાન ચળવળ શરૂ કરી. મહિને 100 રૂપિયાનાં પગાર લેખે, 24 દિવસ સુધી પગપાળા પ્રવાસ કરીને તેઓ રહીશ શાહુકારોને પોતાની જમીનનો ટુકડો ગરીબોને દાન કરવા સમજાવતાં.
બાય ધ વે, લવ-મેરેજ ફક્ત આજકાલની જનરેશનમાં જ જોવા મળે છે તેવું બિલકુલ નથી હોં કે! 1950ની સાલમાં એક મિત્રનાં ઘેર, સોગઠાબાજીની રમત રમતી વેળાએ 18 વર્ષની છોકરી લલિથમ્મા સાથે આંખો મળી જતાં એચ.એસ.ડોરેસ્વામી ધામધૂમથી વિવાહનાં બંધનમાં જોડાયા. જોકે, તેમનાં લગ્ન ઉતાર-ચઢાવથી ભરચક રહ્યા. દિલમાં જ્યારે દેશભક્તિની જ્વાળા સળગતી હોય ત્યારે માણસ સામાન્યત: ખાવા-પીવા પર પણ ધ્યાન નથી આપી શકતો. લલિથમ્મા ક્યારેક તો પતિનું આવું વર્તન જોઈને પરેશાન થઈ જતી. વર્ષો વીતતાં એચ.એસ.ડોરેસ્વામીની ધગશ પ્રત્યે તેમનું માન ક્રમશ: વધવા માંડ્યુ. પતિનાં રાજીપામાં જ ખુશ રહેવાનું શીખી ગયેલી લલિથમ્માની નારાજગી હવે દૂર થવા લાગી.
1975ની કટોકટી દરમિયાન એચ.એસ.ડોરેસ્વામીએ ઈન્દિરા ગાંધીનાં તાનાશાહ પર પોતાનો પ્રબળ વિરોધ દર્જ કર્યો. પત્રો લખીને તેમણે ઈન્દિરા ગાંધીને જણાવ્યું કે, લોકશાહી ધરાવતાં દેશમાં તમારી તાનાશાહી બંધ નહી થાય તો હું ગામડે-ગામડે ફરીને તમારી સરમુખત્યારી વિશે લોકોને જાણ કરીશ!
આ પત્ર ઈન્દિરા ગાંધીની આંખમાં કણાની જેમ ખૂંચ્યો. તાત્કાલિક ધોરણે તેમણે એચ.એસ.ડોરેસ્વામીની ધરપકડનાં આદેશો આપ્યા. જેલમાં ગયા બાદ પણ તેમણે વડાપ્રધાન સામે સ્વબચાવ માટે કોઈ કાકલુદી ન કરી. લોકશાહીક દેશમાં પ્રત્યેક વ્યક્તિ પાસે વડાપ્રધાનનાં નિર્ણયો પર ટિપ્પણી કરવાનો હક છે તેવું સાબિત કરીને આખરે ચાર મહિના બાદ તેઓ જેલમાંથી રિહા થઈ ગયા.
બદનસીબે 26 મે, 2021ના રોજ તેમનું અવસાન થયું. પરંતુ તેમના જીવનના અંતકાળ સુધી પણ એચ.એસ.ડોરેસ્વામીની ભૂદાન ચળવળ અસ્ખલિતરૂપે સક્રિય રહી. ફર્ક એટલો આવ્યો હતો કે, ગરીબોને અપાતી જમીન હવે શાહુકારો પાસેથી નહી પરંતુ ભારત સરકાર તરફથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા. બેશક, તેમનું શરીર ધીમે ધીમે ઘણું કૃષકાય બની ગયું હતું. હાથ-પગ-ઘુંટણોમાં દુ:ખાવો રહેતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, સ્પષ્ટ રીતે બોલી-ચાલી નહોતા શકતાં પરંતુ દેશ માટે કંઈક કરી છુટવાનો તેમનો જુસ્સો હજુ અડીખમ હતો. ગરીબોનાં હક માટેની લડતમાં મોટી ઉંમરે પણ તેમણે બેંગલોરથી બેલગાંવ વચ્ચેની 500 કિલોમીટરની મુસાફરી હસતાં-રમતાં ખેડી નાખી હતી. રાજકારણમાં મોટું માથું ધરાવતાં એકે-એક મંત્રી, ડોરેસ્વામીનું નામ પડતાંની સાથે જ સતર્ક થઈ જતાં હતા. દેશની જનતા માટે સુખાકારી વિચારનાર આ મહાપુરુષને ખરેખર સેલ્યુટ છે બોસ, જેઓ કોઈ જાતની રાજકીય ખટપટમાં પડ્યા વગર ફક્ત પોતાનાં સિધ્ધાંતોને જોરે આગળ વધી રહ્યા હતા! બાકી તો આપણા સમાજમાં કંઈ-કેટલાય કેજરીવાલ, અલ્પેશ અને હાર્દિક પહેલેથી જ મોજૂદ છે!
વર્ષ 2015માં દિગ્ગજ અભિનેતા વિનય પાઠકની એક અદભુત ફિલ્મ આવેલી. જેનું નામ હતું ગૌર હરી દાસ્તાન! એક વયોવૃધ્ધ વ્યક્તિ (ગૌર હરી દાસ) છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જાતને સ્વાતંત્ર્ય સેનાની પુરવાર કરવાની લ્હાયમાં ભટકતો હોય છે. સરકારની લસ્ત કાર્યશૈલીનાં પ્રતાપે તેમને પોતાનાં હકો નથી મળતાં. આખી વાર્તા દરમિયાન એક વાત ખરેખર સમજવા જેવી છે કે, દેશ માટે કુરબાનીઓ દેનાર કોઈપણ સ્વાતંત્ર્ય સેનાની માટે પૈસા-પેન્શન કરતાં પણ વધુ મહત્વની તેની પ્રતિષ્ઠા હોય છે. છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટનો પબ્લિસિટી સ્ટંટ તરીકે ઉપયોગ કરતા પહેલા, આમને યાદ કરવા તે વાસ્તવમાં તો આપણી પ્રાથમિક ફરજ બની જવી જોઈએ!